ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યેલો અલર્ટ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
લો પ્રેસર નબળું પડ્યું, પણ વરસાદી સિસ્ટમ સક્રિય
અરબી સમુદ્રમાં સર્જાયેલું વેલમાર્ક લો પ્રેસર હવે સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતા નબળું પડ્યું છે. તેમ છતાં લો પ્રેસર, સાયકલોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
અમરેલી અને વલસાડમાં સારો વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલી જિલ્લામાં 82 મીમી જ્યારે વલસાડ જિલ્લામાં 112 મીમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધી છે.
આગામી સાત દિવસ વરસાદી વાતાવરણ
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ યથાવત રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા ભારે ઝાપટાં પણ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ વરસાદ કરતાં 21 ટકા વધુ વરસાદ નોંધાતા જળાશયો અને ડેમોમાં પાણીની આવકમાં વધારો થયો છે.
માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના
દરિયામાં પવનની ગતિ અને મોજાં ઊંચાં રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના બંદરો પર LCS-3 સિગ્નલ ફરકાવવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં પડી શકે છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃSurat Floods: 25 દિવસમાં ત્રીજી વખત કુંભારિયા ગામ જળમગ્ન, ખાડીપુરના પાણી ઘૂસતા સ્થાનિકોમાં રોષ
આ પણ વાંચોઃ પાટણમાં ભારે વરસાદ વચ્ચે ધારાસભ્ય Kiritbhai Patel ની કાર પાણીમાં ફસાઈ, ટ્રેક્ટરથી કાઢાઈ બહાર