Gandhidham માં 24 વર્ષીય જવાનનું મોત, પોતાની જ AK-47 થી ફાયરિંગ થયું હોવાનો દાવો
- Gandhidham: BSF કેમ્પમાં 24 વર્ષીય જવાનનું ભેદી સંજોગોમાં મોત
- પોતાની AK-47ના ફાયરિંગમાં જવાનનું મોત થયાનો દાવો
- બટાલિયન હેડક્વાર્ટર ખાતે ઘટના બનતા ચકચાર
Gandhidham: કચ્છના ગાંધીધામ ખાતે આવેલા BSF (Border Security Force) કેમ્પમાં એક અત્યંત દુઃખદ અને રહસ્યમય ઘટના સામે આવી છે. અહીં ફરજ બજાવતા 24 વર્ષીય જવાન પંકજ મેમાકિયા (Pankaj Memakiya) નું ભેદી સંજોગોમાં મોત નિપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર કેમ્પમાં અને વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.
AK-47 રાઈફલમાંથી થયેલા ફાયરિંગનો દાવો
પ્રાથમિક માહિતી મુજબ, જવાનનું મોત પોતાની જ AK-47 રાઈફલમાંથી થયેલા ફાયરિંગને કારણે થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ તરત જ જવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રામબાગ હોસ્પિટલ (Rambaug Hospital) ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હાલમાં, મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ (Post-mortem) માટે જામનગર મોકલી આપવામાં આવ્યો છે.
મોતને લઈ અનેક સવાલો
આ ઘટના બાદ BSF કેમ્પમાં અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જવાનના મોત પાછળ કોઈની હેરાનગતિ અથવા અંગત સંબંધો જવાબદાર હોઈ શકે છે. જોકે, આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઉપરાંત, પીડિત પરિવાર અને લોકોમાં એવો રોષ પણ જોવા મળી રહ્યો છે કે BSF ના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે મૌન સેવી રહ્યા છે.
Gandhidham: અધિકારીઓની ભૂમિકા પર આક્ષેપ
ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની વિગતો છુપાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. શું આ આત્મહત્યાનો કેસ છે કે અન્ય કોઈ કાવતરું, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા (Official Clarification) કરવામાં આવી નથી. હાલમાં સમગ્ર મામલો તપાસના દાયરામાં છે, અને લોકો સત્ય જાણવા માટે તંત્રની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ભુજથી રાજધાની દિલ્હી સુધી દૈનિક Express Train સેવા શરુ, સુવિધાનો નવો અધ્યાય


