Kutch Madhapar Food Poisoning: ભુજના માધાપરમાં બટુક ભોજન બન્યું વિષ સમાન, 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર
કચ્છ જિલ્લામાં 30થી વધુ બાળકોને ખોરાકી ઝેરની અસર થઈ છે. ઘટના બની છે ભુજના માધાપરમાં, જ્યાં સ્થાનિક મંદિરમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજનમાં દાળ-ભાત, સેવ-બુંદી અને છાશ બાળકોની થાળીમાં પીરસવામાં આવ્યા હતા. પરંતુ આ પ્રસાદ આરોગ્યા બાદ બાળકોની તબિયત અચાનક બગડવા લાગી હતી. આ ઘટનાથી સ્થાનિક તંત્ર, આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
Advertisement
Kutch Madhapar Food Poisoning: કચ્છ જિલ્લામાં 3 થી 13 વર્ષની આયુ ધરાવતા અંદાજે 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. બટુક ભોજનનો પ્રસાદ ખાધા પછી બાળકો બીમાર પડ્તા જિલ્લા તંત્ર દોડતું થયું છે. ભુજના માધાપરમાં ઐશ્વર્યાનગરમાં આ ઘટના ઘટી છે. જ્યાં સ્થાનિક મંદિરમાં બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના બાળકોને ભોજન માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, પ્રસાદ આરોગ્યા બાદ 30 થી વધુ બાળકોની તબિયત એકાએક લથડી હતી. બાળકોએ પ્રસાદમાં દાળ-ભાત, સેવ-બુંદી અને છાશનું સેવન કર્યું હતું, જેમાંથી છાશ પીવાના કારણે માસૂમ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. ભોજન બાદ બાળકોને ઉલટી અને ઉબકાની ફરિયાદ શરૂ થતા વાલીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.

