kutch News: કચ્છના ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલમાં સરકારી નાણાના ગેરવહીવટનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કૌભાંડમાં અંદાજે રુ.1.76 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી ગઈ છે.
ભુજની જી.કે. હોસ્પિટલમાંરુ.1.76 કરોડનું કૌભાંડ
આ આર્થિક ગેરરીતિ વર્ષ 2011થી 2021 એટલે કે દસ વર્ષના લાંબા ગાળા દરમિયાન આચરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ દ્વારા સરકારી યોજનાના નાણાં પચાવી પાડવા માટે ખોટા બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ખોટા બિલ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ છે.
કેવી રીતે ખુલાસો થયો ?
હોસ્પિટલમાં હાથ ધરવામાં આવેલા આંતરિક ઓડિટ દરમિયાન આ નાણાકીય ગોટાળા પકડાયા હતા. ઓડિટ રિપોર્ટમાં બેંક ખાતાની શંકાસ્પદ વિગતો અને ઓનલાઇન પેમેન્ટની સઘન ચકાસણી કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
આ મામલે હોસ્પિટલના બે કર્મચારીઓ સહિત જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Mehsana News: કડીમાં વેપારી પર હુમલો, માટી ભરવા બાબતે 6 શખ્સોએ પગ ભાંગી નાખ્યા