Kutch News: કચ્છના માધાપરના ઐતિહાસિક 'જગાવારું' તળાવની દુર્દશા, ગટરના ગંદા પાણીથી ગ્રામજનો પરેશાન
Kutch News: કચ્છના માધાપરમાં આવેલું ઐતિહાસિક અને ગામની ઓળખ સમાન 'જગાવારું' તળાવ હાલ પોતાની દયનીય સ્થિતિ પર આંસુ સારતું હોય તેમ લાગી રહ્યું છે. ગામના સ્થાપના કાળથી જ ઐતિહાસિક મહત્વ ધરાવતું આ તળાવ આજે ગંદકી અને બેદરકારીનો શિકાર બન્યું છે. તળાવમાં ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કચ્છ (Kutch) ના માધાપરના ઐતિહાસિક 'જગાવારું' તળાવની દુર્દશા
તળાવમાં સતત વધતી જતી ગંદકીના કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ છે, જેના લીધે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગ્રામજનો સેવી રહ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા જૂનાવાસ પંચાયતને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી.
ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
એડવોકેટ વાલજીભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, તંત્રની આવી લાપરવાહી માધાપર જેવા આધુનિક ગણાતા ગામ માટે શરમજનક છે. જો તળાવની તાત્કાલિક સફાઈ અને માવજત કરવામાં નહીં આવે, તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. હાલ તો ગ્રામજનો એક જ અપીલ કરી રહ્યા છે કે, તંત્ર જાગે અને આ ઐતિહાસિક ધરોહરને બચાવે.
આ પણ વાંચો: Anand News: પદ મળતા જ મેયર, ડે.મેયર એક્શનમાં, શુભેચ્છકોને બદલે દર્દીઓની ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા


