Kutch Unseasonal Rain: કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી, કોટેશ્વરમાં માછીમારોની બોટોને ભારે નુકસાન
- Kutch Unseasonal Rain: ગુજરાતભરમાં કમોસમી વરસાદ
- કચ્છના કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી
- ભારે પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી
- ગુરુદ્વારા પાસેના બનાવનો વીડિયો આવ્યો સામે
Kutch Unseasonal Rain: સમગ્ર ગુજરાતમાં (Gujarat) છેલ્લા ૨૪ કલાકથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે કમોસમી વરસાદે (Unseasonal Rain) હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને સરહદી જિલ્લા એવા કચ્છમાં (Kutch) મધ્યરાત્રિએ ફૂંકાયેલા તોફાની પવન અને ગાજવીજ સાથેના વરસાદે ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફતને પગલે રાજ્ય સરકારે (State Government) પણ ખેડૂતો અને માર્કેટ યાર્ડ માટે તાત્કાલિક માર્ગદર્શિકા જાહેર કરી છે.
Kutch Unseasonal Rain: મોબાઈલ ટાવર ધરાશાયી
કચ્છના આર્થિક કેન્દ્ર સમાન કંડલા (Kandla) વિસ્તારમાં ભારે પવનના કારણે એક વિશાળ મોબાઈલ ટાવર (Mobile Tower) પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. આ ઘટના કંડલાના ગુરુદ્વારા (Gurudwara) પાસે બની હતી. સદનસીબે, જ્યારે આ ટાવર પડ્યો ત્યારે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. આ સમગ્ર ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પવનની ગતિ કેટલી પ્રચંડ હતી તે સ્પષ્ટ જોઈ શકાય છે.
Kutch Unseasonal Rain: મુંદ્રા અને પશ્ચિમ કચ્છમાં માવઠું
મુંદ્રા (Mundra) શહેરમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પશ્ચિમ કચ્છના (West Kutch) નખત્રાણા (Nakhatrana), લખપત (Lakhpat) અને અબડાસા (Abdasa) જેવા વિસ્તારોમાં મધ્યરાત્રિએ તોફાની પવન સાથે માવઠું પડ્યું હતું. માર્ચ મહિનામાં અચાનક આવેલા આ વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
કોટેશ્વર બંદરે માછીમારોની બોટોને ભારે નુકસાન
દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ ખૂબ જ વધારે રહી હતી. કચ્છના પ્રસિદ્ધ કોટેશ્વર (Koteshwar) બંદરે લાંગરેલી 30 થી વધુ માછીમારીની બોટોને (Fishing Boats) અંદાજે ૫૦ ટકા જેટલું નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, ૫ જેટલી બોટો સંપૂર્ણપણે નાશ પામી હોવાના અહેવાલ છે. આર્થિક પાયમાલીનો સામનો કરી રહેલા માછીમારોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી બોટના સમારકામ માટે આર્થિક સહાય અને વળતરની માંગ કરી છે.
Unseasonal Rain ને લઈને રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કર્યો સંદેશ | Gujarat First
21 તારીખ સુધી વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારનું એલર્ટ
ખેડૂતોને ઉચિત અને તકેદારીના ભાગરૂપે પગલા લેવા નિર્દેશ
ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો માટે જાહેર કરાયા નિર્દેશ
સૌરાષ્ટ્રના વિવિધ… pic.twitter.com/S4Hj57D0cA— Gujarat First (@GujaratFirst) March 19, 2026
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો સંદેશ
હવામાન વિભાગની ૨૧મી તારીખ સુધીની વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એલર્ટ જાહેર કર્યું છે. કૃષિ વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત (North Gujarat) અને સૌરાષ્ટ્રના (Saurashtra) ખેડૂતો માટે ખાસ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે:
પાક સુરક્ષા: કાપણી કરેલા પાકને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી (Tarpaulin) વ્યવસ્થિત ઢાંકી દેવો.
દવા છંટકાવ: હાલના તબક્કે જંતુનાશક દવાઓનો છંટકાવ અટકાવી દેવો.
સંગ્રહ: બિયારણ અને ખાતરનો (Fertilizer) જથ્થો પલળે નહીં તેની કાળજી રાખવી.
APMC નિર્દેશ: માર્કેટ યાર્ડના સત્તાધીશોને ખેડૂતોના પાકનું રક્ષણ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે.
કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ખેડૂતોની મદદ માટે કિસાન કોલ સેન્ટરનો (Kisan Call Centre) ટોલ ફ્રી નંબર 1800-180-1551 કાર્યરત કરવામાં આવ્યો છે, જેના પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.
આ પણ વાંચોઃ Gujarat Unseasonal Rain: કમોસમી વરસાદનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી


