Bhindi Price in usa : ભારતીય રસોડામાં બારેમાસ મળતું અને સામાન્ય ગણાતું શાકભાજી ભીંડો (ઓકરા) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની કિંમતોને લઈને ભારે ચર્ચામાં છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, અમેરિકાના લક્ઝરી સુપરમાર્કેટમાં ભારતીય ભીંડાને ખાસ ક્રિસ્પી સ્નેક્સ તરીકે પેક કરીને અંદાજે રૂ. 7,250 પ્રતિ કિલોના મગજ ચક્કર ખવડાવી દે તેવા ભાવે વેચવામાં આવી રહ્યો છે.
અમેરિકાના મોંઘા મોલમાં 'ઓકરા ચિપ્સ' તરીકે વેચાય છે આપણી સાદી ભીંડી
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આશિષ આહુજાએ તાજેતરમાં એક વીડિયો શેર કરીને ભારતીય વપરાશકર્તાઓને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ વીડિયોમાં તેઓ અમેરિકાના એક સુપરમાર્કેટમાં માત્ર 85 ગ્રામનું ક્રિસ્પી ફ્રાઇડ ભીંડીનું પેકેટ બતાવી રહ્યા છે, જેની કિંમત 6.5 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે 600 રૂપિયા છે. ભારતમાં સામાન્ય રીતે 40 થી 60 રૂપિયે કિલો મળતી ભીંડી વિદેશમાં વૈભવી હેલ્ધી સ્નેક્સનું રૂપ લઈ ચૂકી છે. આ કિંમતો પાછળ ભીંડામાં છુપાયેલા અદ્ભુત પોષક તત્વો જવાબદાર છે, જે પશ્ચિમી દેશોમાં ડાયેટ કરનારા લોકોની પહેલી પસંદ બની ગયા છે.
100 ગ્રામ કાચા ભીંડામાં શરીરને જરૂરી 26 ટકા વિટામિન સી ઉપલબ્ધ
"હેલ્થ લાઇનના અહેવાલ મુજબ, ભીંડાની અંદર પાણીમાં ઓગળી શકે તેવા વિટામિન સીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ (Immunity) ને લોખંડી બનાવવાની સાથે ત્વચાને ચમકદાર રાખવામાં મદદ કરે છે." - હેલ્થ રિપોર્ટ
યુએસડીએ (USDA) ના ડેટા અનુસાર, ભીંડામાં માત્ર વિટામિન સી જ નહીં, પરંતુ દરરોજની જરૂરિયાતનું 5 ટકા વિટામિન એ, 26 ટકા વિટામિન કે અને મહત્વપૂર્ણ ફોલેટ (બી 9) પણ મળી આવે છે.
એન્ટીઓક્સીડેન્ટનો પાવરહાઉસ: ડાયાબિટીસ અને પાચનતંત્ર માટે સર્વોત્તમ
વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર ભીંડામાં પોલીફેનોલ્સ, ફ્લેવોનોઈડ્સ અને આઈસોક્વેરસેટિન જેવા શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તત્વો શરીરના કોષોને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત 100 ગ્રામ ભીંડામાંથી 2 ગ્રામ પ્રોટીન અને 3.2 ગ્રામ ડાયટરી ફાઇબર મળે છે, જે બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં અને પાચનક્રિયા સુધારવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
તમે ઘરમાં પણ અમેરિકા જેવી ટેસ્ટી ડિશ બનાવી શકો છો. ભીંડાને પાતળા સ્લાઈસમાં કાપી, થોડો મસાલો ભભરાવીને એર ફ્રાયર અથવા ઓવનમાં બેક કરવાથી તે એકદમ ક્રંચી સ્નેક્સ બની જાય છે. આ સિવાય દહીંવાળી ભીંડી કે હેલ્ધી ઓકરા સૂપ પણ સ્વાસ્થ્ય માટે બેસ્ટ ઓપ્શન છે.
આ પણ વાંચો : Health Tips : વજન ઘટાડવાથી લઇને ચહેરો ચમકાવવા માટે આ રહ્યો બેસ્ટ ઓપ્શન !