Blue Moon 2026 : 31 મે ની રાત્રે ચમકશે દુર્લભ 'બ્લૂ મૂન', જાણો શું ખરેખર બદલાઈ જશે ચંદ્રનો રંગ?
Blue Moon 2026 : મે મહિનાનો છેલ્લો દિવસ આકાશમાં એક અત્યંત ખાસ અને દુર્લભ ખગોળીય ઘટના (Astronomical Event) નો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 31 મે ની રાત્રે લોકોને આ મહિનાની બીજી પૂર્ણિમા જોવા મળશે, જેને ખગોળ વિજ્ઞાનની ભાષામાં 'બ્લૂ મૂન' (Blue Moon) કહેવામાં આવે છે. આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે, જેના કારણે વિશ્વભરના સ્પેસ પ્રેમીઓ અને સામાન્ય લોકોમાં આ નજારાને જોવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
Blue Moon 2026 : શું બ્લૂ મૂન એટલે ચંદ્ર વાદળી રંગનો દેખાશે?
'બ્લૂ મૂન' નામ સાંભળીને અવારનવાર લોકોને એવું લાગે છે કે આ દિવસે ચંદ્ર વાદળી રંગનો દેખાશે, પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ હોતું નથી. આ ઘટનાને ચંદ્રના રંગ સાથે કોઈ લેવાદેવા નથી:
આ નજારો એક જ અંગ્રેજી કેલેન્ડર મહિનામાં બીજી વખત આવતી પૂર્ણિમા (Full Moon) ને કારણે સર્જાય છે.
Advertisementચંદ્રનો એક આખો ફેઝ પૂર્ણ થવામાં આશરે 29.5 દિવસનો સમય લાગે છે, જ્યારે કેલેન્ડરના મહિના 30 કે 31 દિવસના હોય છે.
આ સમયના તફાવતને કારણે દર 2 થી 3 વર્ષમાં એકવાર એવી સ્થિતિ બને છે જ્યારે એક જ મહિનામાં બે પૂર્ણિમા આવે છે. મે મહિનાની પહેલી પૂર્ણિમા આવી ચૂકી છે અને હવે 31 મે ના રોજ દેખાનારી આ બીજી પૂર્ણિમા 'બ્લૂ મૂન' કહેવાશે.
આ વખતે બ્લૂ મૂનની સાથે દેખાશે 'માઈક્રોમૂન'
31 મે ના રોજ દેખાનારો આ નજારો માત્ર મહિનાની બીજી પૂર્ણિમા નથી, પરંતુ આ જ દિવસે વર્ષ 2026 નો સૌથી મોટો માઈક્રોમૂન (Micromoon) પણ જોવા મળશે. એટલે કે આ સમયે ચંદ્ર પૃથ્વીથી તેના સૌથી મહત્તમ અંતરે આવેલો હશે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળાકાર નહીં પણ લંબગોળ એટલે કે ઈલિપ્ટિકલ ઓર્બિટ (Elliptical Orbit) માં ચક્કર લગાવે છે. આ કારણે તે ક્યારેક પૃથ્વીની નજીક આવે છે તો ક્યારેક ઘણો દૂર ચાલ્યો જાય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીથી સૌથી દૂરના બિંદુ પર હોય છે, ત્યારે તે સ્થિતિને 'એપોજી' (Apogee) કહેવામાં આવે છે. પૃથ્વીથી વધુ અંતર હોવાને કારણે આ ચંદ્ર સામાન્ય પૂર્ણિમા કરતા કદમાં થોડો નાનો દેખાઈ શકે છે.
કોઈ ખાસ સાધનની જરૂર નથી, ઘરે બેઠા જુઓ અદ્ભુત સંયોગ
31 મે ની રાત્રે આકાશમાં બ્લૂ મૂન અને માઈક્રોમૂનનો આ દુર્લભ સંયોગ કોઈ વિશેષ ટેલિસ્કોપ (Telescope) વિના પણ નરી આંખે જોઈ શકાશે.
વાંચકો માટે ખાસ નોંધ: જો આકાશ એકદમ સ્વચ્છ અને હવામાન સાફ રહેશે, તો તમે તમારા ઘરની છત, balcony કે ખુલ્લા મેદાનમાંથી આ સુંદર નજારાની મજા માણી શકો છો. જો કે, બાયનોક્યુલર્સ કે દૂરબીનનો ઉપયોગ કરવાથી ચંદ્રની સપાટી અને ક્રેટર્સ વધુ સ્પષ્ટ રીતે નિહાળી શકાશે.
આ પણ વાંચો : Mount Everest Death Zone : પર્વતની ટોચ પર જીવન સામે મોતનું પલડું ભારી !


