Body Detox : રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર પર ભાઈ-બહેનના પવિત્ર સંબંધોની સાથે મીઠાઈઓ અને પકવાનોની મિજબાની પણ ખૂબ થાય છે. તહેવારના ઉત્સાહમાં અવારનવાર લોકો જરૂરિયાત કરતાં વધુ એટલે કે ઓવરઈટિંગ કરી લેતા હોય છે. તહેવારના રંગમાં રંગાઈને લોકો એ વાત ભૂલી જાય છે કે તેઓ ઘણું બધું ખાઈ ચૂક્યા છે, જે બાદમાં અપચો, એસિડિટી કે ઊંઘ ન આવવાની સમસ્યાનું કારણ બને છે. જો તમે પણ તહેવાર પર ઘણું બધું ગળ્યું કે તળેલું ખાઈ લીધું છે, તો આ સરળ બોડી ડિટોક્સ ટિપ્સ અપનાવીને શરીરને ફરીથી હળવું અને સ્વસ્થ બનાવી શકો છો.
ભારે ખોરાક ખાધા પછી વધુ પડતું પાણી પીઓ
શરીરને ડિટોક્સ કરવાનો સૌથી સહેલો અને સચોટ રસ્તો વધુમાં વધુ પાણી પીવાનો છે. તહેવારના ભોજન પછી એકસાથે વધારે પાણી પીવું મુશ્કેલ બની શકે છે, પરંતુ ધીમે-ધીમે પાણી પીવાથી પેટ હળવું લાગવા લાગે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને કિડની સામાન્ય રીતે શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
Advertisement ![Navratri Banner]()
ફાઈબર યુક્ત ખોરાકનું સેવન છે જરૂરી
જો તમે તહેવારના દિવસે ખૂબ જ મીઠાઈઓ અને સ્નેક્સ ખાઈ લીધા છે, તો એવી ચીજો ખાઓ જેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય. આ માટે તમે સફરજન, પપૈયું, પેર અને જામફળ જેવા ફળોનો આહારમાં સમાવેશ કરી શકો છો. આ ફળોનો રસ કાઢીને પીવાને બદલે ફાઈબર યુક્ત આખો ખોરાક લેવો વધુ ફાયદાકારક છે. આનાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ સાફ રહે છે.
પપૈયું અને દહીંનું કોમ્બો
વધુ પડતું તળેલું અથવા ગળ્યું ખાવાથી જો પેટમાં ભારેપણું લાગતું હોય, તો હળવો ખોરાક લેવો જોઈએ. આ માટે પપૈયું શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તે ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. આ ઉપરાંત, દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. જોકે, જે લોકોને દહીંથી ગેસની સમસ્યા થતી હોય તેમણે પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને જ તેનું સેવન કરવું જોઈએ.
આદુ, વરિયાળી અને જીરાનું પાણી અથવા હર્બલ ટી
શરીરને અંદરથી ડિટોક્સ કરવા માટે તમે નારિયેળ પાણી પી શકો છો. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીરને કુદરતી રીતે હાઇડ્રેટ રાખે છે. આ સિવાય આદુ, વરિયાળી અને જીરાનું પાણી ઉકાળીને તૈયાર કરો અને આ હર્બલ ડ્રિંકને ધીમે-ધીમે ઘૂંટડે-ઘૂંટડે પીઓ.
દરરોજ 30 મીનિટ ચાલવુ
ખાણીપીણી પર ધ્યાન આપવા ઉપરાંત થોડીવાર ચાલવું પણ ખૂબ જરૂરી છે. આવું કરવાથી શરીર હળવું અનુભવાય છે અને ખાધેલો ભારે ખોરાક સરળતાથી પચી જાય છે. તહેવારના દિવસે ભલે તમે પેટ ભરીને ખાધું હોય, પરંતુ રોજની 30 મિનિટની વોક શરીરને રિલેક્સ ફીલ કરાવવામાં મદદ કરે છે.
નોંધ : આ લેખ માત્ર સામાન્ય માહિતી અને જાગૃતિ માટે છે, કોઈપણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા માટે તબીબની સલાહ અવશ્ય લો.
આ પણ વાંચો : Curd making tips : ઘરે દહીં જમાવતાની સાથે જ ખાટું થઈ જાય છે? જાણો પરફેક્ટ રીત અને કારણો