Fatty Liver : કારણો, લક્ષણો અને હેલ્ધી લિવર માટેના ઉપાયો
Fatty Liver : "ફેટી લિવર એટલે શું? આ અદ્રશ્ય સંકટના લક્ષણો અને કારણો વિશે જાણો. પ્રો. ડો. અનિલ અરોરા પાસેથી મેળવો લિવરને સ્વસ્થ રાખવા માટેની ખાસ ટિપ્સ અને સાચા ખાનપાનની સમજ
આજના આધુનિક અને અતિ વ્યસ્ત યુગમાં માનવીએ ભૌતિક સુખ-સુવિધાઓ તો મેળવી લીધી છે, પરંતુ તેના બદલામાં પોતાના સૌથી કિંમતી ધન એટલે કે 'સ્વાસ્થ્ય' ને દાવ પર લગાવી દીધું છે. બદલાતી જીવનશૈલી, બેઠાડુ જીવન અને જીભના ચટકા પૂરા કરવા માટે ખાવામાં આવતું જંક ફૂડ આજે ગંભીર બીમારીઓને આમંત્રણ આપી રહ્યું છે. આ બીમારીઓ પૈકીની એક સૌથી ઘાતક અને ઝડપથી ફેલાતી સમસ્યા એટલે 'ફેટી લિવર'-Fatty liver .
Fatty Liver :સાયલન્ટ એપિડેમિક' શાંત રોગચાળો
લિવર આપણા શરીરનું 'પાવરહાઉસ' છે, જે લોહીને શુદ્ધ કરવાથી લઈને પાચન સુધીના અસંખ્ય કાર્યો કરે છે. પરંતુ જ્યારે આપણે જરૂર કરતાં વધુ કેલરી અને બિનઆરોગ્યપ્રદ ખોરાક લઈએ છીએ, ત્યારે લિવરમાં વધારાની ચરબી જમા થવા લાગે છે. ફેટી લિવરની સૌથી ચિંતાજનક બાબત એ છે કે તેને 'સાયલન્ટ એપિડેમિક'-Silent epidemic (શાંત રોગચાળો) કહેવામાં આવે છે, કારણ કે તેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી અને જ્યારે ખબર પડે છે ત્યારે લિવરને ઘણું નુકસાન થઈ ચૂક્યું હોય છે.
કેવી રીતે આપણી નાની-નાની ભૂલો લિવરને બીમાર કરી રહી છે ? અને કેવી રીતે જાગૃતિ તથા સાચા ખાનપાન દ્વારા આપણે આ ગંભીર બીમારીને મ્હાત આપી શકીએ છીએ.
Fatty Liver : ફેટી લિવર અચાનક આટલો મોટો મુદ્દો કેમ બની ગયો?
ફેટી લિવર હવે એક રોગચાળાનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. પહેલા આ સમસ્યા માત્ર દારૂ પીનારાઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD), જેને હવે MASLD પણ કહેવામાં આવે છે, તે ઝડપથી વધી રહ્યો છે. ફાસ્ટ ફૂડ, બેઠાડુ જીવન, મેદસ્વીતા, તણાવ અને ઊંઘનો અભાવ આ માટે જવાબદાર છે. સૌથી ડરામણી વાત એ છે કે લિવર ચુપચાપ બગડે છે અને જ્યાં સુધી લક્ષણો દેખાય ત્યાં સુધીમાં ઘણું નુકસાન થઈ ગયું હોય છે.
ફેટી લિવર છે શું?
સરળ શબ્દોમાં કહીએ તો, લિવરમાં જરૂર કરતાં વધુ ચરબી જમા થવી એટલે ફેટી લિવર. સામાન્ય લિવરમાં ચરબી હોતી નથી અથવા ખૂબ ઓછી હોય છે, પણ જ્યારે આ ચરબી ૫% થી વધી જાય ત્યારે સમસ્યા શરૂ થાય છે. આ રાતોરાત નથી થતું, પરંતુ વર્ષોની ખોટી આદતોનું પરિણામ છે.
Fatty Liver : આ બીમારી કોને થઈ શકે? (હાઈ રિસ્ક ગ્રુપ)
મેદસ્વીતા (Obesity) ધરાવતા લોકો.
ટાઈપ-૨ ડાયાબિટીસના દર્દીઓ.
હાઈ કોલેસ્ટ્રોલ અને મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા લોકો.
PCOS ધરાવતી મહિલાઓ.
વધુ પડતી ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાનારા લોકો.
નોંધ: હવે શહેરોમાં બાળકો અને કિશોરો પણ આનો શિકાર બની રહ્યા છે.
આના લક્ષણો શું છે?
મોટાભાગના લોકોને કોઈ લક્ષણ દેખાતા નથી (ન દુખાવો, ન બેચેની). આ બીમારી ઘણીવાર અલ્ટ્રાસાઉન્ડ અથવા બ્લડ ટેસ્ટ (લિવર એન્ઝાઇમ) દ્વારા જ જાણવા મળે છે. જો ફાઈબ્રોસિસ શરૂ થાય, તો થાક, નબળાઈ અથવા પેટમાં હળવી તકલીફ થઈ શકે છે. તેથી રેગ્યુલર ચેકઅપ જરૂરી છે.
કેવો હોવો જોઈએ આહાર?
ડોક્ટર્સ મેડિટેરેનિયન ડાયટ (Mediterranean Diet) ની સલાહ આપે છે:
શું ખાવું: શાકભાજી, ફળો (જાંબુ, ખાટાં ફળો), આખા અનાજ, માછલી, ચિકન, ટોફુ, કઠોળ અને હેલ્ધી ફેટ (ઓલિવ ઓઈલ, નટ્સ, એવોકાડો).
પીણાં: ૨-૩ કપ બ્લેક કોફી અને ગ્રીન ટી ફાયદાકારક છે.
શું ટાળવું: કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, મેંદો, પેસ્ટ્રી, સફેદ બ્રેડ, ફાસ્ટ ફૂડ, વધુ મીઠું ધરાવતા પેકેજ્ડ સ્નેક્સ અને દારૂ.
નિયમિત વ્યાયામ: રોજ ૩૦ મિનિટ ઝડપથી ચાલવું અથવા સાયકલિંગ/યોગા કરવા.
વજન ઘટાડવું: માત્ર ૫-૧૦% વજન ઘટાડવાથી પણ લિવરમાં મોટો સુધારો જોવા મળે છે.
પાણી: પૂરતા પ્રમાણમાં પાણી પીવું, જે ડિટોક્સમાં મદદ કરે છે.
દવાઓ: વગર વિચારે પેઈન કિલર્સ કે સપ્લીમેન્ટ્સ લેવાનું ટાળો.
જો શરૂઆતના તબક્કામાં ખબર પડી જાય અને તમે ડાયટ, વજન અને એક્સરસાઈઝ પર નિયંત્રણ રાખો, તો લિવર ફરીથી સ્વસ્થ થઈ શકે છે. પરંતુ જો તે સિરૉસિસ (Cirrhosis) સુધી પહોંચી જાય, તો નુકસાન કાયમી થઈ જાય છે.
ચૂપચાપ ચોરની જેમ છાના પગલે આ રોગનાં લક્ષણોની રાહ ન જુઓ. લિવર ખૂબ જ સહનશીલ છે પણ અવિનાશી નથી.
હેલ્ધી ખાવાનું શરૂ કરો, એક્ટિવ રહો અને નિયમિત ચેકઅપ કરાવો. તમારું લિવર તમને 'થેન્ક યુ' કહેશે.
આ પણ વાંચો :Plastic In Eggs : બાપરે ! હવે ઈંડામાં પણ ભેળસેળ થવા લાગી


