Financial problems in family : આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા
Financial problems in family : સ્માર્ટફોન, મોંઘી કાર, હોટલનું ખાવાનું અને લોનની માયાજાળ! જાણો કેવી રીતે આપણી બદલાતી લાઈફસ્ટાઈલ અને દેખાદેખી ઘરની આર્થિક સ્થિતિ બગાડી રહી છે.
'પછેડી પ્રમાણે સોડય તાણવી' વડીલોની આ કહેવત આજે આપણા દરેકના ઘરે સાચી પડતી દેખાય છે. આજનો માણસ કમાય છે ઓછું અને દેખાડો વધુ કરે છે. 'બાય નાઉ, પે લેટર'-Buy now,pay later (અત્યારે ખરીદો, પછી ચૂકવો) ના જમાનામાં આપણી જિંદગી જાણે ઈ.એમ.આઈ. (EMI) અને લોનના હપ્તા પર જ ચાલી રહી છે. સવારે આંખ ખૂલે ત્યારથી રાત્રે આંખ બંધ થાય ત્યાં સુધી આપણે એવી વસ્તુઓ પાછળ પૈસા વેડફી રહ્યા છીએ, જેની આપણને ખરેખર જરૂર જ નથી! પણ શું આપણે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે આ આંધળી દોટ આપણને ક્યાં લઈ જશે? આવો, આજે જરા ખુલ્લા મને વિચારીએ કે આપણા જ ઘરના એવા કયા વિલન છે જે આપણું આર્થિક બજેટ ખોરવી રહ્યા છે...
Financial problems in family : સ્માર્ટફોની માયાજાળ: એક જ ઘરમાં અનેક બિલ!
પહેલા ઘરમાં એક લેન્ડલાઇન ફોન હતો, તોય આખું ઘર અને સગાં-વહાલાં એકબીજા સાથે જોડાયેલા રહેતા. આજે ઘરમાં જેટલા સભ્યો છે એટલા સ્માર્ટફોન-Smartphone છે! ખર્ચ તો વધ્યો જ, પણ સાથે-સાથે અલગ-અલગ રિચાર્જ અને નેટના બિલનો મોટો બોજ પણ વધી ગયો. નવાઈની વાત એ છે કે બધા પાસે ફોન છે, પણ ઘરમાં એકબીજા સાથે વાત કરવાનો કોઈની પાસે સમય નથી!
બાજુવાળા દુબઈ ગયા? તો આપણે અમેરિકા જઈશું!
ફરવા જવામાં કોઈ બુરાઈ નથી, પણ હવે ફરવું એ આનંદ માટે નહીં પણ ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકવા અને સ્ટેટસ બતાવવા માટે થઈ ગયું છે. લોકો ક્રેડિટ કાર્ડ(Credit Card) ઘસીને કે લોન લઈને વિદેશ ફરવા જાય છે. પહેલાં લોકો પૈસા બચાવીને દાગીના કે ફિક્સ ડિપોઝિટ કરતા, હવે બધી જ બચત દેખાદેખીના પ્રવાસમાં હોમાઈ જાય છે. નિયમ એક જ છે: 'ચાદર હોય એટલા જ પગ પસરાવવા.'
બાઈકથી ચાલે તેમ હોય તોય વટ ખાવા કાર!
આજના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વચ્ચે કાર લઈને નીકળવું એટલે સરદર્દ. છતાં, 'બાજુવાળાએ કાર લીધી તો આપણે કેમ પાછળ રહીએ?' એવા વટ ખાતર લોકો મોટી લોન લઈને કાર વસાવી લે છે. પછી ભલે તે અઠવાડિયામાં 6 દિવસ પાર્કિંગમાં જ પડી રહેતી હોય! લોનના હપ્તા અને મોંઘું પેટ્રોલ ઘરની આર્થિક કમર તોડી નાખે છે.
હોટલનું ખાવાનું અને વિકેન્ડનો ચસ્કો
પહેલાના જમાનામાં બહાર જમવું એ કોઈ તહેવાર કે ખાસ પ્રસંગ પૂરતું મર્યાદિત હતું. આજે તો શનિ-રવિ આવ્યો નથી કે 'બહાર જ જમવું પડશે' એવો ટ્રેન્ડ થઈ ગયો છે. આનાથી મહિનાનું કિચન બજેટ તો ખોરવાય જ છે, સાથે-સાથે હોટલનું કેમિકલ અને તેલવાળું ખાadvanced ખાવાથી શરીર પણ બગડે છે. એટલે કે, પૈસા પણ જાય અને તંદુરસ્તી પણ!
બ્રાન્ડેડ કપડાં અને મોંઘા બ્યુટી પાર્લરનો મોહ
પહેલાં મનની સુંદરતા અને સાદગીનું મહત્વ હતું. ઘરગથ્થુ ઉપચારોથી જ લોકો સરસ દેખાતા. આજે બ્રાન્ડેડ કપડાં, મોંઘા સલૂન અને બ્યુટી પાર્લર પાછળ હજારો રૂપિયા પાણીની જેમ વહાવી દેવાય છે. જ્યાં 100 રૂપિયામાં કામ પતતું હતું, ત્યાં બ્રાન્ડના નામે 5000 રૂપિયા ખર્ચવામાં આપણને ગર્વ થાય છે, જે લાંબે ગાળે મોટું નુકસાન છે.
દર વર્ષે બર્થડે અને એનિવર્સરીનો મોટો ધુમાડો
જન્મદિવસ કે લગ્નતિથિ ઉજવવી સારી બાબત છે, પણ હવે એમાં પણ હોલ બુક કરવા, મોંઘી પાર્ટીઓ આપવી અને મોટો દેખાડો કરવો ફેશન બની ગઈ છે. પશ્ચિમી દેશોમાં લગ્નજીવન લાંબુ નથી ટકતું એટલે એ લોકો પહેલું વર્ષ ધામધૂમથી ઉજવે છે, આપણે ત્યાં તો સદીઓનો સાથ હોય! ઉજવણી કરવી હોય તો 25 મું કે 50 મું વર્ષ ઉજવો, દર વર્ષે આવા ખોટા ખર્ચા કરીને બજેટ કેમ બગાડવું?
સગાઈ-લગ્નમાં ગજા બહારનો ભભકો
પહેલાં સગાઈ રૂપિયો-નાળિયેર આપીને સાદગીથી પતી જતી. આજે પ્રી-વેડિંગ શૂટથી માંડીને લગ્નમાં ૨૫-૨૫ ખાવાની આઈટમો રાખવાનો ક્રેઝ છે. કોઈ માણસ બધી આઈટમ ખાઈ શકવાનો નથી, છતાં 'લોકો વાતો કરશે' બસ એ એક વાક્ય માટે પિતા પોતાની આખી જિંદગીની કમાણી એક જ દિવસમાં ઉડાવી દે છે અથવા દેવું કરી બેસે છે.
પ્રાઈવેટ સ્કૂલની ફેશન અને મોંઘી ફી
ભણતર જરૂરી છે, પણ હવે એમાં પણ સ્ટેટસ સિમ્બોલ આવી ગયું છે. ઘરની નજીક સારી શાળા હોય તોય બાળકને દૂરની હાઈ-ફાઈ પ્રાઈવેટ સ્કૂલમાં મોકલવો, મોટી સ્કૂલ ફી અને એનાથીય મોટી ટ્યુશન ફી ભરવી એ જાણે એક ટ્રેન્ડ બની ગયો છે. શિક્ષણ હવે જ્ઞાન મેળવવાનું સાધન ઓછું અને દેખાડાનું સાધન વધુ બની ગયું છે.
લાઈફસ્ટાઈલ બગડી એટલે મેડિકલ ખર્ચ વધ્યો
મોડા સુવું, મોડા ઉઠવું, બેઠાડું જીવન અને ફાસ્ટ ફૂડ ખાવું—આ આપણી નવી લાઈફસ્ટાઈલ છે. આ ખોટી આદતોને કારણે નાની ઉંમરે જ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ ઘરે કરી જાય છે. પરિણામે, કમાણીનો એક બહુ મોટો હિસ્સો ડૉક્ટરની ફી અને દવાઓમાં જ જતો રહે છે.
ક્રેડિટ કાર્ડ અને લોનની માયાજાળ: 'બાય નાઉ, પે લેટર'
આજકાલ બધું જ ઈઝી EMI (હપ્તા) પર મળી જાય છે. ખિસ્સામાં પૈસા ન હોય તોય ક્રેડિટ કાર્ડ આપણને 'ન ખરીદવાની વસ્તુઓ' પણ ખરીદવા મજબૂર કરે છે. આ એક એવી માયાજાળ છે જેમાં માણસ એકવાર ફસાય પછી વ્યાજના ચક્રવ્યૂહમાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી. જ્યાં ૧૦૦ રૂપિયા વાપરવાના હોય, ત્યાં કાર્ડના લીધે ૧૦૦૦ વપરાઈ જાય છે.
માણસની મૂળભૂત જરૂરિયાતો હંમેશાં ત્રણ જ હતી—રોટી, કપડાં અને મકાન. મોબાઈલ, નેટ, અને લક્ઝરી તો માર્કેટિંગ કંપનીઓએ આપણી 'જરૂરિયાત' બનાવી દીધી છે. ખર્ચ આપણી કમાણી પ્રમાણે જ હોવો જોઈએ, બાજુવાળાની કમાણી જોઈને નહીં. જો આપણે અને આપણી આવનારી પેઢી અત્યારથી જ નહીં ચેતે, તો આ દેખાડાની દુનિયા આપણને માનસિક અને આર્થિક બંને રીતે કંગાળ કરી મૂકશે.
હજુ પણ સમય છે, થોડું વિચારીએ અને સાદગી તરફ પાછા વળીએ!
આ પણ વાંચો : Fake Feminism : સ્ત્રી સશક્તિકરણ કે ભ્રામક સ્વતંત્રતા?

