Per Drop More Crop : સૂક્ષ્મ પિયત પદ્ધતિ તરફ ખેડૂતોનું આકર્ષણ વધ્યું
- Per Drop More Crop ને લઇને વડોદરામાં મોટી સફળતા મળી
- ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયાની સબસિડીની સહાય ચૂકવાઇ
- સરકારના મંત્રોને સાકાર કરી રહ્યા છે, વડોદરા જિલ્લાના ખેડૂતો
Per Drop More Crop : રાજ્ય સરકાર દ્વારા ખેતીમાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી ‘પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના અસરકારક અમલીકરણ માટે નોડલ એજન્સી તરીકે કાર્યરત 'ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિ.' દ્વારા વડોદરા જિલ્લામાં (Vadodara - District) સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેના પરિણામે જિલ્લાના ખેડૂતો આધુનિક ખેતી પદ્ધતિ તરફ વળ્યા છે.
Per Drop More Crop, 304.79 હેક્ટર જમીન આવરી લેવાઇ
વડોદરા જિલ્લામાં વર્ષ 2025 - 26 દરમિયાન (સપ્ટેમ્બર- 2025 સુધીમાં) કુલ 270 ખેડૂતોએ સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવી છે. જેના થકી કુલ 304.79 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા ખેડૂતોને કુલ રૂ. 2.06 કરોડથી વધારેની માતબર સબસિડી સહાય ચૂકવવામાં આવી છે.
આ પણ વાંચો ------- Kitchen Garden : મહિલાએ 450 ચો.ફૂટ ટેરેસમાં શાકભાજીનું ઉપવન સર્જ્યું
Per Drop More Crop, સબસિડીનો લાભ લીધો
આ યોજનાનો લાભ લેવામાં શિનોર અને વડોદરા તાલુકાના ખેડૂતો મોખરે રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર માસ સુધીમાં શિનોર તાલુકાના 85 ખેડૂતો, વડોદરા તાલુકાના 54 ખેડૂતો, ડભોઈના 42, કરજણ તાલુકાના 35 ખેડૂતો, સાવલીના 32, વાઘોડિયાના 10, પાદરા તાલુકાના 8 ખેડૂતો અને ડેસર તાલુકાના 4 ખેડૂતોએ સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવીને સબસિડીનો લાભ લીધો છે.
રૂ. 97.39 કરોડથી વધુની રકમ ચૂકવી
યોજનાની શરૂઆત (વર્ષ 2005-06) થી લઈને સપ્ટેમ્બર-2025 સુધીમાં વડોદરા જિલ્લામાં 13,885 ખેડૂતોએ સૂક્ષ્મ પિયત પદ્ધતિથી 23,277 હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી છે. તથા અત્યાર સુધીમાં કુલ રૂ. 97.39 કરોડથી વધુની રકમ સબસિડી પેટે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે.
એક્સપોઝર વિઝિટનું આયોજન
મહત્વનું છે કે, ખેડૂતોમાં ટપક અને ફુવારા પિયત પદ્ધતિ અંગે જાગૃતિ આવે તે માટે જી.જી.આર.સી. અને જિલ્લા તંત્ર દ્વારા વિવિધ આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ જેવી કે ખેડૂત શિબિર, રૂબરૂ સ્થળ મુલાકાત અને એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવે છે. આ યોજના થકી પાણી અને વીજળીની બચત થવાની સાથે પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેથી વધુને વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ પણ વાંચો ------- Nature Climate Change : ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ભારત ટોચ પર !


