Health Tips : શું તમે વધુ પડતી ચાના સેવનથી થતાં નુકસાન વિશે જાણો છો ?
- ચાનું વધુ પડતું સેવન નોંતરે છે અનેક બીમારીઓ
- ચાને ક્યારેય ખાલી પેટે ન પીવી જોઈએ
- ઊંઘ, પાચન, ત્વચા અને રુધિરાભીસરણ સંબંધિત બીમારીઓ થઈ શકે છે
Health Tips : વિશ્વમાં મોટાભાગના લોકોની સવાર ચાની ચુસકીથી પડે છે. ચા પીવાથી તાજગી આવે છે એ ધારણા અનુસાર અનેક લોકો સવારે અને સાંજે ચા પીતા હોય છે. ચાનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવાથી તમને તાજગી (Freshness) અનુભવાય છે પરંતુ જો ચાનું વધુ પડતું સેવન કરવાથી અનેક બીમારીઓ પણ થઈ શકે છે. આજે અમે આપને જણાવીશું કે ચાનું વધુ પડતું સેવન કરવાથી શરીરને ક્યા પ્રકારના નુકસાન થાય છે. કેટલાક કિસ્સામાં આ નુકસાન મોટી બીમારી પણ નોંતરી શકે છે.
ચામાં રહેલા હાનિકારક દ્રવ્યો
માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં અનેક લોકોની સવાર ચાથી શરુ થાય છે. ચાનું મર્યાદિત માત્રામાં સેવન કરવું બહુ આવશ્યક છે. જો તમે અમર્યાદિત પ્રમાણમાં ચાનું સેવન કરશો તો તમે અનેક બીમારીના ભોગ બની શકો છો. જેમાં ઊંઘ, પાચન (Digestion) ત્વચા અને રુધિરાભીસરણ સંબંધિત બીમારીઓનો સમાવેશ થાય છે. જો તમે ચાના લીધે તમારા આરોગ્યને જોખમમાં મુકવામાં ન માંગતા હોવ તો ચાનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરો. ચામાં રહેલા કેફીન અને ટેનીન જેવા તત્વોનું શરીરમાં વધુ પ્રમાણ હાનિકારક છે.
ચાના વધુ પડતા સેવનથી થતાં નુકસાન
નિયમિત અને ગાઢ ઊંઘ માટે ચાથી હંમેશા દૂર રહેવું જોઈએ. જો તમે દિવસમાં 4 કપથી વધુ ચા પીતા હોવ, ખાસ કરીને સાંજે કે રાત્રે તો તે તમારી ઊંઘમાં ખલેલ (Sleep Disorders) પહોંચાડી શકે છે. ચામાં કેફીન (Caffeine) હોય છે. જે શરીરને સજાગ રાખે છે. જેનાથી ઊંઘમાં વિલંબ થાય છે અને સવારે થાક લાગે છે. દરરોજ સારી ઊંઘ માટે સાંજે 5 વાગ્યા પછી ચાથી દૂર રહો. ઘણા લોકોને ખાલી પેટ ચા પીવાની આદત હોય છે. જે પેટ માટે ખૂબ હાનિકારક છે. ચામાં રહેલા ટેનીન (Tannin) તમારા પાચનતંત્રને બગાડી શકે છે. આનાથી ગેસ, અપચો, પેટ ફૂલવું અથવા એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જમ્યા પછી થોડા સમય પછી ચા પીવાનો પ્રયાસ કરો અને દિવસમાં 2-3 કપથી વધુ ચા ન પીઓ. જો તમારી ત્વચા શુષ્ક છે અથવા તમને વારંવાર ખીલ થઈ રહ્યા છે. આ સમસ્યા તમારી ચાની આદતને કારણે થઈ શકે છે. વધુ પડતું કેફીન લેવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે અને હોર્મોનલ ફેરફારો પણ થઈ શકે છે. આનાથી ત્વચા પર ખીલ, ફોલ્લીઓ અને શુષ્કતા આવી શકે છે. તેથી ચા ઓછી માત્રામાં પીઓ અને વધુ પાણી પીઓ.
આ પણ વાંચોઃ COVID Alert: દેશમાં અત્યાર સુધીમાં Corona ના કુલ કેટલા કેસ નોંધાયા ? નવા વેરિઅન્ટે વધારી ચિંતા
ચામાં રહેલ ટેનીન હાનિકારક
ચામાં ટેનીન હોય છે જે તમારા ખોરાકમાં રહેલા આયર્ન (Iron) ને શરીરમાં સંપૂર્ણપણે શોષાઈ જવામાં મુશ્કેલી પેદા કરે છે. ખાસ કરીને જો તમે શાકાહારી છો, તો તમારા શરીરને પહેલાથી જ ઓછું આયર્ન મળે છે અને તે ઉપરાંત, ચા પીવાથી તે શોષાઈ શકતું નથી. તેથી હંમેશા જમ્યાના 1 કલાક પહેલા અથવા પછી ચા પીવાનો પ્રયાસ કરો. વધુ પડતી ચાના સેવનથી તમને વારંવાર પેશાબ થાય છે. જેથી શરીરમાં પાણી ધીમે ધીમે ઓછું થવા લાગે છે. જેના કારણે થાક, ચક્કર અને માથાનો દુખાવો જેવી ફરિયાદો થાય છે. જો તમે ઘણી ચા પીતા હો, તો ડિહાઈડ્રેશન ટાળવા માટે તમારે પુષ્કળ માત્રામાં પાણી પણ પીવું જોઈએ.
આ પણ વાંચોઃ Health Tips : ધાર્મિક મહત્વ સાથે તુલસીના ઔષધિય મહત્વ વિશે જાણો વિગતવાર