Health Tips : ચોમાસામાં તમારા પરિવારજનોને ડેન્ગ્યૂથી બચાવા કરો આ ઉપાયો
- સામાન્ય હલનચલનથી પણ આંખો પાછળ દુખાવો થાય છે
- Dengue ના અન્ય લક્ષણોમાં સ્નાયુ અને સાંધાનો દુખાવો અનુભવાય છે
- રક્તસ્ત્રાવ થવાથી શરીરમાંથી પ્લેટલેટ ઘટી જાય છે
- ફૂલોના કુંડા, કુલર, વાઝ અને પક્ષીઓ માટે મૂકવામાં આવેલ પાણીને નિયમિત બદલો
Health Tips : વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર ચોમાસા દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂ (Dengue)ના કેસીસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે ચેપગ્રસ્ત એડીસ એજીપ્ટી (Aedes aegypti) મચ્છરના કરડવાથી ફેલાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ભારે તાવથી લઈને જીવલેણ સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી ડેન્ગ્યૂથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો આવશ્યક છે. આ ઉપાયો જાણતા અગાઉ તમારે ડેન્ગ્યૂના લક્ષણો પણ જાણી લેવા જોઈએ.
ડેન્ગ્યૂના લક્ષણો
ડેન્ગ્યૂનું પ્રથમ અને સૌથી સામાન્ય લક્ષણ અચાનક આવતો હાઈફીવર છે. જેમાં દર્દીને 100 ડીગ્રીથી વધુનો તાવ સતત રહે છે. આ ઉપરાંત સામાન્ય હલનચલનથી પણ આંખો પાછળ દુખાવો થાય છે જે ડેન્ગ્યૂ તાવનું એક સામાન્ય લક્ષણ છે. ડેન્ગ્યૂના અન્ય લક્ષણોમાં સ્નાયુ અને સાંધાનો દુખાવો અનુભવાય છે. જેનાથી સામાન્ય હલનચલન કરવામાં પણ તકલીફ અનુભવાય છે. ડેન્ગ્યૂમાં ઘણીવાર રક્તસ્ત્રાવ પણ જોવા મળે છે. જેમાં પેઢા, નાક, ઉલટી વગેરેમાં રક્તસ્ત્રાવ (Bleeding) થવાથી શરીરમાંથી પ્લેટલેટ ઘટી જાય છે. આ ઉપરાંત પાંસળી નીચે સોજો, બળતરા અથવા લીવરમાં દુઃખાવો જેવા લક્ષણો જોવા મળે છે.
આ પણ વાંચોઃ જો તમને એકલા હોવ અને Heart Attack આવે તો, આ રીતે જીવ બચાવજો, ડોક્ટરે જણાવી સરળ ટિપ્સ
ડેન્ગ્યૂથી બચવાના ઉપાયો
ડેન્ગ્યૂ મુખ્યત્વે ચેપગ્રસ્ત એડીસ એજીપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર સાફ પાણીમાં પોતાના ઈંડા મૂકે છે. તેથી ઘરની અંદર કે બહારના ભાગમાં જ્યાં પાણી જમા થતું હોય તેવી જગ્યાઓએ ખાસ સ્વચ્છતા રાખો. જેમકે ફૂલોના કુંડા, કુલર, વાઝ અને પક્ષીઓ માટે મૂકવામાં આવેલ પાણીને નિયમિત બદલો. ટાંકીઓના ઢાંકણને ચૂસ્તપણે બંધ રાખો. આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સૂકો રાખો. કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો, ગટર સાફ કરો અને મચ્છરના પ્રજનન સ્થળો ઘટાડવા માટે પાણીનો સંચય અટકાવો. મચ્છરને દૂર રાખતી ક્રીમ, સ્પ્રે, અગરબત્તી અને મચ્છરદાનીનો ઉપયોગ કરો. ત્વચાના સંપર્ક અને કરડવાથી બચવા માટે સંપૂર્ણ બાંયના શર્ટ, સંપૂર્ણ લંબાઈવાળા પેન્ટ અને મોજા પહેરો અને બાળકોને પહેરાવો. વિટામિન સી, ઝિંક અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર ખોરાક લો. રોજ પુષ્કળ પાણી પીઓ. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય તેનું ખાસ ધ્યાન રાખો.
આ પણ વાંચોઃ વારંવાર મોબાઈલ જોવાની આદત કેવી રીતે છોડી શકાય?