Highway to success : મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
Highway to success :
“મારી સાથે જો આવું ના થયું હોત તો હું અત્યારે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત.”
“મને જો આટલું જ મળી ગયું હોત તો એમાંથી મેં કેટલું બધું ઊભું કરી લીધું હોત તો....”
“મને એણે આ રીતે દગો ના આપ્યો હોત તો …”
“પેલાએ મને આટલી મદદ આપી દીધી હોત તો …”
જિંદગીમાં જે કંઈ નથી મેળવી શક્યા કે જે કંઈ નથી કરી શક્યા એનાં કારણો હાથવગાં છે. અને પાછાં આ કારણો જ છે, જેન્યુઈન કારણો. બહાનાં નથી. ખરેખર જ જો તમારી સાથે એવું ન થયું હોત તો તમે આજે ક્યાંના ક્યાં હોત. પણ થયું. કમનસીબે એ થયું. અને તમે ત્યાંના ત્યાં રહી ગયા અથવા તો હતા એના કરતાં પણ પાછળ ધકેલાઈ ગયા.
કોઈ વખત એવું સાંભળ્યું છે ? કે સચિન – ધોની – વિરાટ પાસે કે પેલાએ આવો બૉલ ના નાખ્યો હોત તો હું આઉટ થઈને પેવેલિયનમાં પાછો આવવાને બદલે હજુય ક્રિઝ પર હોત. આ બેટ્સમેનો પાસેથી એવું ક્યારેય સાંભળ્યું છે ? કે પેલા બૉલરે જો આવો નહીં પણ તેવો બૉલ નાખ્યો હોત તો મેં સિક્સર લગાવી હોત, પેલા ફિલ્ડરે મારો કૅચ ના પકડ્યો હોત તો મેં સેન્ચ્યુરી ફટકારી હોત. અને બૉલરોએ પણ ક્યારેય ફરિયાદ નથી કરી કે મારા પેલા બૉલમાં બૅટ્સમેને બાઉન્ડ્રી ન લગાવી હોત તો મારી મેઈડન ઓવર થઈ હોત.
ક્રિકેટમાં દરેક બૅટ્સમેનને ખબર છે કે 'મને ક્રિઝ પરથી પેવેલિયન ભેગો કરવા માટે જ બૉલર બૉલ નાખવાનો છે અને બૉલરની મદદ કરવા એના બીજા દસ સાથીઓ મેદાનમાં છે. '....અને આમ છતાં બૅટ્સમેને કોઈ ફરિયાદ કર્યા વિના ક્રિઝ પર ટકી રહેવાનું છે, લાગ જોઈને ચિકી સિંગલ રન લઈ લેવાનો છે અને મોકો આવ્યે ચોકો કે છગ્ગો મારવાનો છે.
જિંદગી રોતડા માણસો માટે નથી
આ જિંદગી રોતલ લોકો (diffident) માટે નથી. પોતાની સાથે કેટલો અન્યાય થતો રહ્યો છે એવી ફરિયાદ કરવાવાળાઓ માટે નથી. ઑફિસમાં બૉસ, ઉપરી સુપરવાઈઝર કે ક્લીગ આડા આવતા હોય તો સમજવાનું કે એ તો આડા આવવાના જ. દરેકને તમારા કરતાં આગળ વધી જવું છે તો એ શું કામ તમને આગળ વધવા દે. તમારે તમારું પરફોર્મન્સ દેખાડીને, તમારે એમના નવ્વા પર તમારો દસ્સો ઊતરીને એમનાથી આગળ રહેવું પડશે.
કોઈ જો ચાલબાજીથી આગળ વધતું હોય તો એવું કહીને તમારે તમારી સંતની છબિ ઊપસાવવાની કોઈ જરૂર નથી કે ભાઈ, આપણને એમના જેવું પોલિટિક્સ ના આવડે. તમને આવડે જ છે. અને તમે રાજકારણ રમ્યા પણ છો, પરંતુ એ ગેમમાં પણ પેલી વ્યક્તિ તમારા કરતાં વધારે ટેલન્ટેડ છે એટલે એ જીતી, તમે મ્હાત થયા. અને ગ્રેસફુલી(Gracefully) એટલું સ્વીકારી લેવાને બદલે કે તમે કાચા ખેલાડી નીકળ્યા, તમે પલટી મારીને પોતાને હોલીઅર ધૅન ધાઉ ચીતરતા થઈ ગયા – આપણને તો આવું પોલિટિક્સ રમતાં ન ફાવે.
ગામ આખું તમારી સાથે નથી હોવાનું
જે લોકો તમને તમારા કામમાં મદદરૂપ થાય છે, ફાયદો કરાવી આપે છે કે તમને અણીને વખતે કામ લાગે છે એ તો તમારા સાથીઓ જ છે. પણ ગામ આખું તમારી સાથે નથી હોવાનું. લાઈફમાં જ્યારે જ્યારે હાથમાં બેટ લઈને સેન્ચ્યુરી મારવાની ઈચ્છાએ તમે મેદાનમાં ઊતરશો ત્યારે ત્યારે તમારા એકની સામે બીજા અગિયાર એ જ મેદાનમાં એવા હોવાના છે જેઓ તમને ઝીરોમાં આઉટ થઈને પેવેલિયન ભેગા થતા જોવાનું સપનું સાકાર કરવા માટે તનતોડ મહેનત કરવાના જ છે. એ અગિયાર જણાની મહેનત વર્સસ તમારા એકલાની મહેનત. એમની સહિયારી ટેલન્ટ વિરુદ્ધ તમારા એકલાની. આમાં ક્યાંય નસીબફસીબની વાત નથી હોવાની. આમાં ક્યાંય ‘પેલા લોકો તો મને આઉટ કરવા માગે છે’ એવું બોલીને ભેંકડો તાણવાની જરૂર નથી.
સફળ વ્યક્તિઓના વિષમ પરિસ્થિતિઓ સર્જાઈ જ નથી હોતી એવું નથી
જેમની જિંદગી સડસડાટ ચાલી હોય, જેમણે ઉત્તરોત્તર સફળતાના વધુ ને વધુ મોટાં શિખરો સર કર્યા હોય એમની જિંદગીમાં ક્યારેય વિષમ પરિસ્થિતિઓ સર્જાઈ જ નથી હોતી એવું નથી. એવા અનેક બૉલ એમની સામે ફેંકાયા છે જેમાં એ બાલ બાલ આઉટ થતા બચી ગયા. એવા અનેક બૉલનો એમણે એવી ખૂબીથી સામનો કર્યો જેમાં એ ક્લીન બોલ્ડ થવાને બદલે સિક્સર ફટકારી શક્યા. કોઈક વેળા ફિલ્ડરે એમનો કૅચ મિસ કર્યો હોય તો એટલા પૂરતું એમનું નસીબ. પણ બાકીનો બધો જ એમનો પોતાનો પુરુષાર્થ. અને કોઈ વેળા કોઈએ તમારો કૅચ છોડી દીધો હોય તો એને કારણે તમે સેન્ચ્યુરી કરી શકશો એવી કોઈ ગેરન્ટી નથી. સદી ફટકારવામાં નસીબ કામ નથી લાગતું. તમારી પ્રેક્ટિસ, તમારી ધીરજ, રમતની સમજ અને તમારાં બાંવડાંનું બળ કામ લાગતું હોય છે.
કોઈ પણ દુર્ઘટના માટે બીજાને દોષી ના ઠેરવી શકાય
અકસ્માતો બધાને નડતા હોય છે. અઘટિત Unformed બધાના જીવનમાં બનતું હોય છે. પછડાટો દરેકના ભાગે આવતી હોય છે. પછડાટો જ નહીં લાતો પણ આવતી હોય છે. પણ આમાંની કોઈ પણ દુર્ઘટના માટે બીજાને દોષી ના ઠેરવી શકાય. એ લોકો તો તમને આઉટ કરવાના હેતુથી જ બૉલિંગ કરવાના છે, તમે સિક્સર મારો એવો બૉલ કોઈ નહીં નાખે. તમારામાં આવડત હોવી જોઈએ બીજાઓએ ફેંકેલા પથરાઓમાંથી તમારો અભેદ્ય કિલ્લો ચણી લેવાની. તમારામાં આવડત હોવી જોઈએ. તમને બદનામ કરવાના આશયથી શરૂ થયેલા કેમ્પેનને તમારું ફૅન ફૉલોઈંગ વધારવામાં પલટી નાખવાની. આવી રહેલી દરેક મુસીબતને તકમાં પલટી નાખવાની આવડત હોય તો જ તમે કંઈક બની શકવાના.