Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Identity crisis : જ્યારે આપણું અસ્તિત્વ પારકે પદરે જીવાય છે!

પહેલાં તો આ એક સત્ય ગાંઠે બાંધી લો : જ્યારે તમને પોતાની સૂઝ, સમજણ, સામર્થ્ય, સંવેદનાઓ, સંસ્કૃતિ… ટૂંકમાં, તમારા અસ્તિત્વમાં જ સંદેહ પેદા થાય, ત્યારે તમે તમારી સાચી ઓળખ ફેંકીને ચાલવા માંડો છો; અને એથી'ય એક ડગલું આગળ, બીજાએ ઓઢાડેલી ઓળખ લઈને જીવવા માંડો છો!
identity crisis   જ્યારે આપણું અસ્તિત્વ પારકે પદરે જીવાય છે
Advertisement

Identity crisis : પહેલાં તો આ એક સત્ય ગાંઠે બાંધી લો : જ્યારે તમને પોતાની સૂઝ, સમજણ, સામર્થ્ય, સંવેદનાઓ, સંસ્કૃતિ… ટૂંકમાં, તમારા અસ્તિત્વમાં જ સંદેહ પેદા થાય, ત્યારે તમે તમારી સાચી ઓળખ ફેંકીને ચાલવા માંડો છો; અને એથી'ય એક ડગલું આગળ, બીજાએ ઓઢાડેલી ઓળખ લઈને જીવવા માંડો છો!

Identity crisis-પંચતંત્રનું રૂપક: ઠગ અને બ્રાહ્મણની બકરી

ચાલો, આ કડવી વાસ્તવિકતાને પંચતંત્ર(Panchatantra)ની એક અમર કથાથી સમજીએ.

Advertisement

એક નાનકડા ગામમાં મિત્ર શર્મા નામનો ધર્મપરાયણ બ્રાહ્મણ રહે. એક દિવસ તે દક્ષિણામાં મળેલી જીવતીજાગતી બકરી ખભે લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં ત્રણ ઠગોની ટોળકીએ આ બકરી પડાવી લેવાનું ષડયંત્ર ઘડ્યું.

Advertisement

ઠગ ક્રમશઃ જુદા જુદા અંતરે ગોઠવાયા.

પહેલા ઠગે બ્રાહ્મણને આંતર્યો: “અરે બ્રહ્મદેવતા, સવાર સવારમાં આ કૂતરું ખભે નાખીને ક્યાંથી આવો છો?” બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું: “ભાઈ, તારી ભૂલ થાય છે, આ બકરી છે!” પહેલા ઠગે ચાલાકીથી જવાબ વાળ્યો: “હું તો હકીકત કહું છું, હવે તમને એને બકરી માનવી હોય તો ભલે.”

થોડે આગળ વધતાં બીજા ઠગે આંતર્યો: “દેવ, તમારા ખભે આ મરેલું વાછરડું અને એ પણ પવિત્ર ખભે?!” બ્રાહ્મણ અકળાયો: “અલ્યા, તું દેખતો નથી કે શું?! જીવતી બકરી અને મરેલા વાછરડામાં ભેદ નથી દેખાતો?” અને ઝડપભેર આગળ ચાલવા માંડ્યો.

ત્યાં જ ત્રીજા ઠગે મળીને છેલ્લો ઘા કર્યો: “માફ કરજો મહારાજ, પરંતુ તમારા પવિત્ર ખભે આ ખોલકું (બકરો) શોભતું નથી.”

હવે બ્રાહ્મણના મનમાં શંકાનો વડવાનળ પ્રગટ્યો. ‘બકરી, કૂતરું, વાછરડું, ખોલકું?! શું કોઈ રૂપ બદલતું ભુતડું મારા ખભે બેઠું છે?’ તેણે એક પળ પણ વિચાર્યા વગર બકરીને ફેંકી દીધી અને એવી દોટ મૂકી કે પાછું વાળીને જોયું પણ નહીં. ત્રણે ઠગ બ્રાહ્મણની મૂર્ખાઈની મજા લેતા અને પોતાની ચાલાકી પર પોરસાતા બકરી ઉઠાવીને ચાલવા માંડ્યા.

Identity crisis :  વિસરાયેલી સ્વતંત્રતા: ઓળખનું વિસ્થાપન

વાર્તામાં બકરી તો માત્ર એક રૂપક છે. મૂળ વાત તો આપણી માનસિક ગુલામીની છે.

આપણે સ્વતંત્રતાની પોણી સદી વટાવી દીધી, પણ આજે પણ અંગ્રેજો અને પશ્ચિમીઓએ મચડેલી માનસિકતા અને ઓળખ લઈને જીવી રહ્યા છીએ. તેમણે આપણી સંસ્કૃતિ, ધર્મ, વેદો, ઉપનિષદો, ચિકિત્સા પદ્ધતિ અને જીવનશૈલીમાં સંદેહ પેદા કર્યો, મજાક ઉડાવી, અને એ બધું ઉઠાવી ગયા. અને સમય સમય પર એ જ્ઞાનને માસ્ટર પેકેજિંગ અને પેટેન્ટ દ્વારા આપણને પાછું પધરાવતા ગયા.

બ્રહ્મદેવતાની જેમ, આપણે પણ આપણી બકરી ફેંકી દીધી!

  • આપણા આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાને ‘વૈજ્ઞાનિક આધાર વગરની’ કહીને હસી કાઢ્યું, અને પાછલે બારણે તેમણે જ લીમડો, હળદર, તજ વગેરેની પેટન્ટ-Patent કરાવી લીધી.

  • આપણે યોગને ગૂંગળાવી નાખ્યો, અને પશ્ચિમીઓએ તેને 'યોગા', 'પાવર યોગા', 'પિલેટ્સ' અને 'એરિયલ યોગા'-Airal Yoga જેવું ગ્લેમરસ નામ આપીને ફરીથી વેચ્યો, જેની પાછળ આજે આપણે ગાંડા થઈને દોડી રહ્યા છીએ.

  • તરબૂચ-ટેટીના બીજ સૂકવીને બાળકના ખિસ્સામાં મૂકી આપતી પ્રજાને ‘બેકવર્ડ’ ગણી, અને આજે એ જ બીયા બાટલીમાં ભરીને 'સુપર સીડ્સ' નામે મોંઘા ભાવે કોણ વેચી રહ્યું છે?

  • આપણે ઘરે ઘરે હળદરનું દૂધ પીતા હતા, આજે સ્ટારબક્સ તેને 'ગોલ્ડન દૂધ' કે **'ટર્મરિક લાતે'-Turmeric Latte**ના નામે વિશ્વને પીવડાવી રહ્યું છે!

આપણે બબુચક જેવા, પોતાની અસલી ઓળખ ભૂલીને, પશ્ચિમીઓને આજની તારીખે પણ અનુસરી રહ્યા છીએ.

સેન્ડવીચ જનરેશન: પશ્ચિમનો યુ-ટર્ન અને આપણો વિનાશ

જેમના રવાડે ચઢીને આપણે સંયુક્ત કુટુંબની ઘોર ખોદી નાખી, એ જ પશ્ચિમીઓને તાજેતરમાં ‘જ્ઞાન’ લાધ્યું છે! વિભક્ત કુટુંબની સરખામણીએ સંયુક્ત કુટુંબ વધુ ખુશી, સુરક્ષા અને માનસિક શાંતિ આપનારું છે. દાદા-દાદીની છાયામાં ઉછરેલા બાળકો વધુ શિક્ષિત અને તંદુરસ્ત વ્યક્તિત્વ ધરાવનારા હોય છે.

પેકેજિંગ અને નામકરણમાં ઉસ્તાદ એવા પશ્ચિમીઓએ સંયુક્ત કુટુંબને નામ આપ્યું: 'સેન્ડવીચ ફેમિલી', અને એમાં વચ્ચેની પેઢીને 'સેન્ડવીચ જનરેશન'! અમેરિકન સમાજમાં આજે આ સેન્ડવીચ જનરેશનની સંખ્યા વધી રહી છે—સંતાનો, માતા-પિતા અને દાદા-દાદી. જો ભવિષ્યમાં તેમાં કાકા-કાકી અને પિતરાઈ ભાઈ-બહેનો ઉમેરાય, તો નવાઈ નહીં! આ તો આપણી સંસ્કૃતિનું અસ્સલ સંયુક્ત કુટુંબ જ થયું!

વિચાર કરો: જે બાબતોથી પીડાઈને પશ્ચિમી પેઢીઓ હવે પૂર્વની મૂળ ફિલસૂફી અને જીવનશૈલી તરફ વળી રહી છે, તે જ બાબતોના મોહમાં આપણે અંધ થતા જઈએ છીએ. સ્વતંત્રતા-પ્રાઈવસીના નામે કુટુંબ અને સમાજથી વિખૂટા પડીને એકલતાનો બોજ એમણે ભોગવી લીધો, હવે આપણે ભોગવીશું.

આજે જે યુગલો વયસ્ક માતા-પિતાને 'ડસ્ટબીન' ગણી રહ્યા છે, એમના સંતાનોને આવનારા સમયમાં દાદા-દાદી ક્યાંથી મળવાના છે? એમના છોકરાઓ એકલતા, મોબાઈલ, ડ્રગ્સ, પોર્ન વગેરેના રવાડે ચઢીને ગંભીર મનોરોગોથી ના પીડાય તો જ નવાઈ!

આજનું સરવૈયું: જવાબદારીનો સ્વીકાર

સમાજમાં વધતી જતી માનસિક સમસ્યાઓનો દોષ માત્ર કોવિડને કે કેમિકલ લોચાને જ આપી શકાય નહીં. તૂટતી જતી સમાજ વ્યવસ્થા, નબળા સંબંધો, વધતી ગુનાખોરી, બેફામ અકસ્માતો વગેરે ઘણું બધું જવાબદાર છે.

મારું સ્પષ્ટ માનવું છે: તમારું આજનું જીવન એ તમારા વીતેલા દિવસોનું સરવૈયું છે. તમારી ગઈકાલ અને તેમાં તમે કરેલી પસંદગીઓને ઝીણવટથી તપાસો, તો આજનો તાળો મળી જાય.

પરંતુ, મોટાભાગના લોકો આવું કરવાથી દૂર ભાગે છે, કારણ કે એમાં બધી જવાબદારી પોતાના શિરે લેવાની થાય છે. જ્યારે વાસ્તવમાં તેમને તો દોષ અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ પર ઢોળવો હોય છે. "મારું મેં બગાડ્યું" એવું કહેવું કે સાચા અર્થમાં સ્વીકારવું તેના કરતાં "અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ જવાબદાર છે" એમ કહેવું વધુ સહેલું છે.

મૂળિયાં મજબૂત કરો: સ્વસ્થતા એ જ રાષ્ટ્રભક્તિ

જો આ બધું સમજાતું હોય તો હજી પણ મોડું થયું નથી. આપણી સંસ્કૃતિ, ધર્મ, જીવનશૈલી, સંસ્કારો, સમાજ, સંબંધો અને ગ્રંથો-સાહિત્યનો અભ્યાસ કરો, સમજો અને આપણા મૂળિયાં મજબૂત કરો.

યાદ રાખો, જો તમારા મૂળ મજબૂત હશે તો કોઈ તણાવ, ડિપ્રેશન કે ચિંતા તમને હલાવી નહીં શકે. મજબૂત મૂળિયાંવાળું વૃક્ષ માત્ર ટકી જ નથી રહેતું, પણ અન્યને છાંયડો અને ફળ-ફૂલ પણ આપે છે.

એક વ્યક્તિ તરીકેની તમારી સ્વસ્થતા તમને ખુદને, તમારા કુટુંબને, તમારા સમાજને અને તમારા દેશને લાભદાયી અને મજબૂતી આપનારી છે.

સત્ય તો એ છે કે : દુઃખના મૂળિયાં ભૂતકાળમાં હોય છે, પરંતુ આપણે પાણી તો એને વર્તમાનમાં જ પીવડાવતા હોઈએ છીએ!

આ પણ વાંચો :Vidur Neeti : 'વિદુર નીતિ' જે આજના CEO માટે પણ વરદાન છે

Tags :
Advertisement

.

×