હીટવેવમાં હાનિકારક કોલ્ડ ડ્રિન્કસ કરતા....પીવો આ નેચરલ હોમમેડ જ્યૂસ
- ઉનાળામાં શરીરને ડિહાડ્રેશનથી બચાવવું બહુ જરૂરી છે
- તરબૂચ, કાકડી, દ્રાક્ષ, શેરડીના નેચરલ જ્યૂસનું સેવન ફાયદાકારક
- આ નેચરલ હોમમેડ જ્યૂસથી શરીરને ઠંડક ઉપરાંત તાજગી પણ મળી રહેશે
Ahmedabad: ઉનાળામાં વધુ પરસેવો થાય છે તેથી ગરમી દરમિયાન શરીરને હાઈડ્રેટ રાખવા માટે વધુ પાણીની જરૂર પડે છે. આ સ્થિતિમાં ઉનાળામાં થતી સમસ્યાઓ ખાસ કરીને ડિહાઇડ્રેશનથી બચવા માટે દરરોજ પૂરતું પાણી પીવું મહત્વપૂર્ણ છે. તેવી જ રીતે શરીરને ઠંડુ રાખવા માટે ઘરે બનાવેલ નેચરલ જ્યૂસ પણ પીવો. અમે આપને અહીં 3 શ્રેષ્ઠ નેચરલ હોમમેડ જ્યૂસ વિશે જણાવીએ છીએ જેના ઉપયોગથી આપ અને આપના પરિવારજનો હીટવેવ દરમિયાન રાહત મેળવી શકશે.
તરબૂચનો જ્યૂસ
તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને થોડા પ્રમાણમાં શર્કરા હોય છે. તેથી ઉનાળામાં ડિહાઈડ્રેટ થયેલ વ્યક્તિ જો તરબૂચના જ્યૂસનું સેવન કરે તો તેને તાત્કાલિક રાહત મળે છે. તરબૂચમાં રહેલ પોષકતત્વોથી શરીરને ઊર્જા પણ મળી રહે છે. તરબૂચનો જ્યૂસ બનાવવાની રીત. તરબૂચને કાપીને તેના નાના નાના ટુકડા કરી લો. આ ટુકડાને મિક્સચરમાં ક્રશ કરતી વખતે તેમાં થોડી ખડી સાકર, કાળુ મીઠું, સ્વાદ અનુસાર ચાટ મસાલો નાખો. લિકવિડ બરાબર મિકસ થઈ ગયા બાદ તેને ફ્રિજમાં ઠંડુ થવા દો. ઠંડુ થઈ ગયા બાદ આ જ્યૂસને સર્વ કરો. આ જ્યૂસને સર્વ કરતી વખતે તેમાં આઈસ ક્યૂબ પણ ઉમેરી શકો છો.
દ્રાક્ષનો જ્યૂસ
દ્રાક્ષ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. દ્રાક્ષના તત્વો પાચન સુધારવા, શરીરને ઊર્જા આપવા અને ત્વચાની ચમક માટે પણ ખૂબ ફાયદાકારક છે. હીટવેવમાં દ્રાક્ષનો જ્યૂસ બનાવીને પીવાથી શરીરને ઊર્જા અને ઠંડક મળે છે. દ્રાક્ષનો જ્યૂસ બનાવવા માટે તેને ધોઈને છોલી લો. દ્રાક્ષને મિકસચર કે ક્રશરમાં ક્રશ કરીને તેમાં તમે સ્વાદ અનુસાર કાળુ મીઠું, થોડીક હિંગ અને થોડા પ્રમાણમાં ખડી સાકર ઉમેરી શકો છો. દ્રાક્ષના જ્યૂસને ઠંડો કરીને સર્વ કરવાથી બાળકો તેને હોંશે હોંશે પીશે જેનાથી તેમના શરીરને ગરમીથી રક્ષણ મળશે.
આ પણ વાંચોઃ કયા ફળો અને શાકભાજીમાંથી કેટલું પાણી? આંકડા તમને આશ્ચર્યચકિત કરશે
કાકડીનો જ્યૂસ
ઉનાળામાં કાકડીનો જ્યૂસ શરીરને અનેક રીતે ફાયદાકારક છે. કાકડીના જ્યૂસમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખીને ડિહાઈડ્રેશનથી બચાવે છે. તે શરીરને ઠંડક પણ પૂરી પાડે છે. આ ઉપરાંત કાકડી પાચન માટે પણ ફાયદાકારક છે. કાકડીનો જ્યૂસ બનાવવાની રીત. કાકડીને છોલીને તેના લાંબા ટુકડા કરો અને પાણી સાથે મેળવીને મિક્સચરમાં ક્રશ કરી લો. તેમાં મરચાંનો પાવડર, સરસવનો પાવડર અને કાળું મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને ફ્રિજમાં યોગ્ય તાપમાને ઠંડું કરીને સર્વ કરો. જ્યારે તડકામાંથી તમે ઘરે આવો ત્યારે કાકડીનો જ્યૂસ પીવાથી શરીરને જરૂરી પોષક તત્વો તેમજ ઠંડક મળી રહેશે.
શેરડીનો જ્યૂસ
ઉનાળામાં ગરમીમાં રાહત મેળવવા માટે શેરડીના જ્યૂસ જેવું શ્રેષ્ઠ પીણું બીજું કોઈ નથી. જો કે શેરડીનો જ્યૂસ ઘરે બનાવવો થોડો અઘરો છે. તેથી બેટર છે કે બહારથી લાવીને પીવો. ગરમીમાં શરીરની ખતમ થઈ ગયેલ ઊર્જા અને પાણી શેરડીના રસથી સત્વરે મળી રહે છે. શેરડીના રસમાં રહેલ શર્કરાથી શરીરને તરત જ નવી શક્તિ મળી રહે છે. શરીરનું તાપમાન નીચું આવે છે અને આપને સ્ફુર્તિ અનુભવાય છે.
આ પણ વાંચોઃ ફ્લોર પરની ગંદી ટાઈલ્સને સરળતાથી સાફ કરવાની ટિપ્સ...જાણી લો