Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Know thy self : એક ઓળખાણ: પોતાની જાત સાથે

એકલતા અને એકાંત વચ્ચેનો ભેદ સમજીને પોતાની જાત સાથે ઓળખાણ કરીયે.પોતાની ઓળખ જ જીવનનાં પરિમાણો બદલી નાખશે. સગાં વ્હાલાં,મિત્રોની ભીડ વચ્ચે ય માણસ તો એકલો જ છે.
know thy self   એક ઓળખાણ  પોતાની જાત સાથે
Advertisement

Know thy self : એકલતા અને એકાંત વચ્ચેનો ભેદ સમજીને પોતાની જાત સાથે ઓળખાણ કરીયે.પોતાની ઓળખ જ જીવનનાં પરિમાણો બદલી નાખશે. સગાં વ્હાલાં,મિત્રોની ભીડ વચ્ચે ય માણસ તો એકલો જ છે.

આજના આધુનિક અને ડિજિટલ યુગ(Digital Era)માં માણસ આખી દુનિયા સાથે જોડાયેલો છે, છતાં ક્યાંક ને ક્યાંક ભીતરથી તે એટલો જ વિખૂટો પડી ગયો છે-એકલતા(Loneliness)થી પીડાય છે.સોશિયલ મીડિયા(Social Media)ની આભાસી ભીડમાં આપણને લોકોનો સાથ તો દેખાય છે, પરંતુ સાચો સધિયારો મળતો નથી. જીવનની આ આંધળી દોડમાં આપણે દુનિયાના સૌ લોકોને ઓળખવાનો પ્રયાસ કરીએ છીએ, પણ જેની સાથે આખું જીવન વિતાવવાનું છે તે 'પોતાની જાત'ને મળવાનો સમય જ આપણી પાસે નથી.

Advertisement

Know thy self : એકલતાના ભ્રમને તોડીને પોતાની જાત સાથે એક નવી ઓળખાણ 

જ્યારે જીવનના કોઈ વળાંકે માણસ અચાનક વિષાદથી ઘેરાઈ જાય છે, ત્યારે ઘણીવાર તેને સમજાય છે કે બહારની દુનિયાના ઘોંઘાટમાં તે પોતાની જાતને જ ક્યાંક ખોઈ બેઠો છે. આવા સમયે, જ્યારે સઘળા સંબંધોના સમીકરણો ખોટા પડતા લાગે અને માત્ર ઈશ્વર જ અંતિમ આશા બની રહે, ત્યારે માણસે પોતાની ભીતર ડોકિયું કરવું જ પડે છે. આ એ જ ક્ષણ છે જ્યાં માણસે પોતે જ પોતાનો હમસફર બનવું પડે છે.

Advertisement

આ સંદર્ભમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા- Bhagavad Git (અધ્યાય ૬, શ્લોક ૫) નો આ શ્લોક મનુષ્યને પોતાની જાત સાથે જોડવા માટેનો સર્વોત્તમ માર્ગ બતાવે છે:

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् ।

आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः ॥

માણસે પોતાના વડે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાની જાતને ક્યારેય નીચે ન પાડવી (હતાશ ન કરવી) જોઈએ. કારણ કે, મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.

Know thy self : માણસની ચેતનાને વધુ ધારદાર બનાવવાની એક અદભુત પ્રયોગશાળા

એવું કહેવાય છે કે એકલા રહેવાની કળા જાણનાર વ્યક્તિઓ આંતરિક રીતે અત્યંત સક્ષમ હોય છે. એકાંત એ કોઈ સજા નથી, પરંતુ એ તો માણસની ચેતનાને વધુ ધારદાર બનાવવાની એક અદભુત પ્રયોગશાળા છે.

આપણે ત્યાં 'એકલતા' (Loneliness) અને 'એકાંત' (Solitude) વચ્ચે મોટો ભ્રમ પ્રવર્તે છે. એકલા હોવું એ એકલતા નથી, પણ ભીડમાં હોવા છતાં પોતાની જાતને નોંધારી માનવી એ એકલતા છે. તત્વચિંતક ઓશો (Osho)એ આ ભેદને ખૂબ સુંદર રીતે સમજાવ્યો છે: "એકલતા એટલે કોઈ બીજાની ગેરહાજરી સાલવવી, જ્યારે એકાંત એટલે પોતાની જ હાજરીનો ઉત્સવ મનાવવો."

લોકો અને સંબંધો વચ્ચે ઘેરાયેલો માણસ પણ ભીતરથી ભયંકર ખાલી

ઘણી વખત અસંખ્ય લોકો અને સંબંધો વચ્ચે ઘેરાયેલો માણસ પણ ભીતરથી ભયંકર ખાલીપો અને એકલતા મહેસૂસ કરતો હોય છે, જ્યારે ક્યારેક સાવ તરછોડાયેલો કે સાવ એકલો બેઠેલો વ્યક્તિ પણ પોતાના અસ્તિત્વનો અને દુનિયાભરનો આનંદ માણી લેતો હોય છે. કારણ કે તેણે પોતાની જાત સાથે મૈત્રી કરી લીધી હોય છે.

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

(જવાહર બક્ષી)

પ્રત્યેક ક્ષણને પૂરેપૂરી માણી લેવી એ માત્ર એક વિચાર નથી, પણ એક કળા છે. જો દુનિયાની દરેક વ્યક્તિ આ કળા વિકસાવે તો કોઈ પણ વ્યક્તિ હતાશ કે દુઃખી ન જોવા મળે. અંગ્રેજીમાં કહેવાયું છે તેમ, "Life is an art, and for that, we have to become an artist." અર્થાત્, જિંદગીના આ વિશાળ રંગમંચ પર જીવન જીવવું એ પણ એક કળા છે, અને એ માટે આપણે જ આપણા દિગ્દર્શક અને કલાકાર બનવું પડશે. આ કલાકાર બનવાની પહેલી શરત છે: પોતાની જાત સાથે પ્રમાણિક ઓળખાણ.

"લોકો શું વિચારશે? લોકોને કેવું લાગશે? સમાજનો પ્રતિભાવ શું હશે?"

આજના દેખાદેખીના સમયમાં માણસ દુનિયાને બતાવવાની લ્હાયમાં અને પારકાંઓ સાથે પોતાની સરખામણી કરવામાં સૌથી વધુ દુઃખી થઈ રહ્યો છે. માણસ પોતાના કેન્દ્રમાંથી ખસીને બીજાની નજરમાં જીવવા લાગ્યો છે. "લોકો શું વિચારશે? લોકોને કેવું લાગશે? સમાજનો પ્રતિભાવ શું હશે?" - આવા પ્રશ્નોથી ઘેરાયેલો માણસ આજે જીવન માણવાને બદલે માત્ર ઉધાર શ્વાસો લઈ રહ્યો છે.

આપણે શા માટે દુનિયાની નજરે આપણું મૂલ્યાંકન કરવું જોઈએ? તમે જેમના અભિપ્રાયોની આટલી ચિંતા કરો છો, શું એ લોકો ખરા અર્થે સંકટ સમયે તમારી પડખે ઊભા રહેશે ખરા? જો આ સવાલનો જવાબ 'ના' હોય, તો પછી તમારી ખુશીની ચાવી પારકાંઓના હાથમાં શા માટે સોંપવી? આજના સમયની વાસ્તવિકતા તો એ છે કે જમાનો એટલો ભૌતિકવાદી થઈ ગયો છે કે સૌથી નજીકના લોહીના સંબંધોમાં પણ અપેક્ષાઓનું સ્થાન શૂન્ય થતું જાય છે.

જીવનના કપરા તબક્કે આપણે જાતે જ નિર્ણયો લેતા શીખવું પડે

જ્યારે કોઈ આપણી સાથે નથી હોતું ત્યારે આપણી 'Self' (જાત) જ આપણને સાથ આપે છે. કોઈ બાળક જન્મે ત્યારે તેને શ્વાસ લેતા શીખવવું નથી પડતું, તે જાતે જ શીખે છે; તેવી જ રીતે જીવનના કપરા તબક્કે આપણે જાતે જ નિર્ણયો લેતા શીખવું પડે છે.

ઘણીવાર આપણે ભૂતકાળની કડવી સ્મૃતિઓને વાગોળીને કે પછી ભવિષ્યની કાલ્પનિક ચિંતાઓમાં અટવાઈને આપણું જીવંત 'વર્તમાન' વેડફી નાખીએ છીએ. જો જિંદગીને યાદગાર અને સાર્થક બનાવવી હોય તો તેને 'અત્યારે' જ માણતા શીખવું પડશે. ગુજરાતી ગઝલકાર અબ્બાસ અબ્દુલઅલી વાસી 'મરીઝ' સાહેબે આ ક્ષણભંગુર જીવન અને વર્તમાનને માણવાની વાત એક જ શેરમાં અદભુત રીતે કહી છે:

માણસ એકલો જ જન્મે છે અને એકલો જ વિદાય લે છે

"What if? Life is NOW and HERE." (જીવન શું છે? જીવન માત્ર 'અત્યારે' અને 'અહીંયા' જ છે). અડધી દુનિયા જીતનાર સિકંદર પણ અંત સમયે ખાલી હાથે જ ગયો હતો. તે દર્શાવે છે કે અઢળક સંપત્તિ કે દુન્યવી સંબંધો અંતિમ સફરમાં સાથે નથી આવતા. માણસ એકલો જ જન્મે છે અને એકલો જ વિદાય લે છે.

આપણે જ એ સમજવાની તાતી જરૂર છે કે આપણી ભીતરની શાંતિ અને સુખ માટે આપણે પોતે જ જવાબદાર છીએ.

કંઈક પામવાની તીવ્ર તાલાવેલી હોય પણ ખરેખર 'પામવું શું છે' એ જ ખબર ન હોય—તેનું નામ એકલતા. એકલતામાં ગરકાવ થયેલી વ્યક્તિને સતત એવું જ લાગે છે કે આ દુનિયામાં કોઈ તેને સમજતું નથી; પરંતુ વરવી હકીકત તો એ છે કે એ વ્યક્તિ પોતે જ પોતાની જાતને સમજી શકી નથી હોતી.

જીવનની આ સફરમાં સંબંધો, સંપત્તિ અને સફળતા એ માત્ર મુકામો છે, પરંતુ તમારો કાયમી હમસફર તો તમારો પોતાનો 'આત્મા' જ છે. જ્યારે આપણે આપણી જાતને સ્વીકારી લઈએ છીએ, ત્યારે એકલતા (Loneliness) એ એકાંત (Solitude) ના સુંદર ઉત્સવમાં પરિવર્તિત થઈ જાય છે. દુનિયાની ભીડમાં ખોવાઈ જવા કરતાં, પોતાના એકાંતમાં પોતાને શોધી લેવા એ જ જીવનની સાચી સિદ્ધિ છે.

જો જિંદગીને તેના અસલી લય અને તાલમાં માણવી હોય, તો આપણે વર્તમાનમાં રહેતા શીખવું પડશે. અન્યો પર નિર્ભર રહેવાને બદલે ખુદને એટલા સક્ષમ અને ભીતરથી એટલા સમૃદ્ધ બનાવવા પડશે કે ગમે ત્યારે, ગમે તેવી મુસીબતો કે આંધીઓ આવે, તો પણ આપણે તેને હસતા મુખે સ્વીકારી શકીએ. કારણ કે, જે પોતાની જાતનો મિત્ર બની શકે છે, તેને ક્યારેય કોઈ સાથની કમી વર્તાતી નથી. પોતાની જાત સાથેની આ ઓળખાણ જ જીવનનો સૌથી મોટો રોમાંચ છે!

આ પણ વાંચો :Emotional Intelligence in Relationships : સંવેદનાનું સરવૈયું

Tags :
Advertisement

.

×