Men@50 : 50 પછીનો પુરુષ: ન કહેવાય, ન સહેવાય, બસ... જીવાય!
Men@50- પચાસની ઉંમર એટલે એવો વળાંક, જ્યાં પુરુષ માટે સ્થિતિ ચોમેરથી કફોડી બને છે. તે એક એવા 'ચક્રવ્યૂહ'માં ફસાય છે જ્યાંથી બહાર નીકળવાનો રસ્તો તે એકલો જ શોધે છે.પચાસનો આંકડો એટલે ઘરના વડલાનું એવું પાન, જેને પવન સાથે ઝૂલવું પણ છે અને મૂળને સાચવવું પણ છે
પુરુષના આંસુ કદી જમીન પર નથી પડતા, એ તો અંદર જ ઉતરે છે અને હૃદયને પથ્થર બનાવે છે.
Men@50 - જવાબદારીઓનું વિષચક્ર
તેની સ્થિતિ શારીરિક ફેરફારો કરતાં સામાજિક અને આર્થિક વધુ છે. એક બાજુ શરીરને ઘસારો લાગવા માંડ્યો છે, તો બીજી બાજુ આર્થિક જવાબદારીઓ મોં ફાડીને ઉભી છે. સંતાનની ફી, ઘરનું ડાઉનપેમેન્ટ કે દીકરીના લગ્નનો ખર્ચ—બધું જ તેની નજર સામે નાચતું હોય છે. ઉપરથી મેડિક્લેઇમ અને વીમાના અનંત ખર્ચાઓ!
"દુનિયાને મન એ માત્ર 'કમાતું યંત્ર' છે, પણ કોઈને ખબર નથી કે એ યંત્રના સ્પેરપાર્ટ્સ (શરીર) હવે ઘસાઈ રહ્યા છે."
Men@50- નોકરીમાં 'અનુભવ' વિરુદ્ધ 'યુવાની'
કોર્પોરેટ જગતમાં તેને હવે 'મોંઘા કર્મચારી' તરીકે જોવામાં આવે છે. મેનેજમેન્ટને હવે ૨૪ કલાક દોડતું યુવાન લોહી જોઈએ છે. જેણે માંડ કમ્પ્યુટર શીખ્યું હતું, તેની સામે આજે AI નો રાક્ષસ ખડો છે. તે પરિવર્તનથી ડરે છે, પણ ટકી રહેવા મજબૂર છે.
Men@50-વિધુર પુરુષોની અસહ્ય વેદના
Men@50-આ જ ઉંમરે જો જીવનસાથીનો સાથ છૂટી જાય, તો પુરુષ સાવ પાંગળો બની જાય છે. પત્નીના ગયા પછી ઘર માત્ર પથ્થરોનું માળખું બની રહે છે. પચાસ પછી જ્યારે સંતાનો વિમુખ થતા જાય, ત્યારે તેને એક 'સાથી'ની સૌથી વધુ જરૂર હોય છે, પણ સમાજની મર્યાદા તેને મૌન રહેવા મજબૂર કરે છે. આ ભાવનાત્મક રિક્તતા તેને અંદરથી કોતરી ખાય છે.
"ઘરના પાયામાં પત્નીનો સાથ હોય તો જ છત સલામત લાગે છે, બાકી પચાસ પછી તો આખું આકાશ પણ એકલું લાગે છે."
પરિવારમાં વધતું અંતર
સંતાનોને બગડતા રોકવા તે કડક થાય છે, પણ સંતાનો તેને 'જૂનવાણી' માની લે છે. પત્ની બાળકોમાં વ્યસ્ત છે અને પુરુષ પોતાના જ ઘરમાં એકલો પડતો જાય છે. મનમાં છુપા ડર પજવે છે: "દીકરીનું ભવિષ્ય કેવું હશે?", "શું વહુ સાથે ઘર સચવાશે?"
છતાં... તે હારતો નથી!
પણ પુરુષ એ પુરુષ છે! બધી જ પીડા અને એકલતાને તે રાતની ઊંઘમાં પચાવી જાય છે. બીજી સવારે તે જ મક્કમતા સાથે, નિરાશા ખંખેરીને એ નવું 'યુદ્ધ' લડવા ઘરની બહાર નીકળી જાય છે. તે જાણે છે કે તે આખા પરિવારનો 'મોભ' છે!
બસ,પચાસ પાર કરી ગયેલ પુરૂષ માટે એટલું જ કહી શકાય કે -
- થાક્યો છે પગથી, પણ હૈયું હજી અડીખમ છે, પુરુષ છે સાહેબ, એના ખભા પર આખા ઘરનો દમ છે!
- દીકરાની કારકિર્દી અને દીકરીના કરિયાવરમાં, પોતાની કરચલીઓ જોવાનું પણ એ ભૂલી જાય છે.
આ પણ વાંચો : The Trap of Carelessness: જિંદગી 'જીવવી' છે કે માત્ર 'કાપવી' છે?


