સંબંધો ખુબ નાજુક હોય છે, પરંતુ સંબંધોની મજબૂતી જ તમારા માટે જીંદગીની સફળતાનો મોટો આધાર પણ બનતો હોય છે. તેમાં પણ જ્યારે આપણે વાત પતિ પત્નીના સંબંધોની વાત કરીએ તો આજના યુગમાં આ સંબંધો જાણે કે વધુ ને વધુ નાજુક બન્યા છે. તેથી આસંબંધોના ઘડતર માટે, સંબંધોને સીંચવા માટે, સંતુલિત રાખવા માટે ખુબ કાળજીની અનિવાર્યતા ઉભી થઇ છે. પતિ પત્નીનો સંબંધ એવો છે કે, જેમાં નાની નાની બાબતો ધીરે ધીરે અંતર ઉભુ કરે છે અને તેના કારણે તે ખાઇમાં પરિવર્તીત થઇ જાય છે, જેને પૂરવી ક્યારેક કાઠી પડી જતી હોય છે. તમારા સંબંધમાં ક્યારે ખટાશ આવી ગઇ તેનો તમને અંદાજ સુધ્ધા આવતો નથી અને એ હદે સ્થિતી વણસીજાય છે કે તમે તેનામાં બદલાવ લાવવા માંગો તો પણ આવી શકતો નથી. તમારું પાર્ટનર પણ તમારાથી દૂર થઇ ગયું છે? શું તેનું વર્તન પણ પહેલા જેવુ નથી લાગતુ? કેટલાક વર્તનમાં આવેલા ફેરફાર એવા હોય છે જે તમને બહેતર સમજાવી શકશે કે તમારા પાર્ટનરમાં હવે બદલાવ આવી ગયો છે. પરંતુ આના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં તણાવથી લઈને વિશ્વાસઘાત જેવી બાબતો સામેલ હોઈ શકે છે. ઘણી વખત તમે એવા મૂંઝવણમાં પણ પડી જાવ છો કે તમારો પાર્ટનર ખરેખર વ્યસ્ત છે અથવા તે તમારાથી દૂર થઈ ગયો છે. તમારા પતિ તમને ખરેખર પ્રેમ કરે છે કે નહીં તે તમે કેટલીક સરળ રીતે જાણી શકો છો. કેટલીક બાબતો અને કેટલુક વર્તન એવુ હોય છે જે તમને આ સ્થિતિને ઓળખવામાં મદદ કરશે. એક બેડ શેર કરવામાં પણ આનાકાની પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે આત્મીયતા પણ અનિવાર્ય હોય છે. આત્મીયતા બતાવવામાં પણ તમારુ પાર્ટનર દૂર ભાગવા લાગે તો એ તમારા માટે લાલ બત્તી હોય છે. ક્યારેક કોઇ ઝઘડાને કારણે પતિ પત્ની કે પાર્ટનર એકબીજા સાથે વાત પણ કરતા નથી. આવા અંતરને કારણે પણ ક્યારેક વર્તનમાં કટુતા આવે છે. પણ લાંબા સમય સુધી જો તમારું પાર્ટનર તમારી સાથે સામાન્ય વર્તન ના કરે તો તમારે વિચારવાનો સમય આવી ગયો છે. જો કે તમે સૂતી વખતે એક જ બેડ શેર કરો છો, પરંતુ જો તમારા પતિ તેમાં રસ નથી બતાવતા તો તમારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.શું તમારી અવગણના કરવામાં આવે છે? ક્યારેક તમે તમારા સાથી સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા હોવ અને જો એ તમને વારંવાર અવગણે છે તો તમારા માટે વિચારવાનો સમય પાકી ગયો છે. તમારા માટેની લાગણીમાં ઓટ આવી ગઇ છે તેનું આ વાતથી પ્રમાણ મળે છે. તમે સતત વાત કરવાનો પ્રયાસ કરો અને એ વ્યક્તિ જો વારંવાર દૂરી બનાવે તો સમજી જવું કે તેના દિલમાં પહેલા જેવી લાગણી હવે રહી નથી. તમે એ જાણવાનો પ્રયાસ કરો કે શું તેના આવા વર્તન માટે કોઇ વ્યક્તિ જવાબદાર છે કે પછી કોઇ ચોક્કસ કારણ. વાત કરવામાં રસ નથીકોઇપણ તકલીફનો ઉકેલ વાતચીત છે. સંવાદ જ્યાં અટકી જાય ત્યાં વિવાદ પૂર્ણ થવાની શક્યતા પણ અટકી જતી હોય છે. તમારા દિવસ દરમિયાનની એ નાનામાં નાની વાત હોય કે કોઇ મોટા બનાવની વાત, અનિવાર્ય છે સંબંધમાં. પણ જો તમારો પાર્ટનર તમારાથી વાતો છુપાવે છે, એ તમારી સાથે વાત કરવાનું ઓછુ કરી ચુક્યા છે તો તેને તમારામાં રસ હવે નથી એ વાતમાં બેમત નથી. પતિ પત્નીની વચ્ચે સ્વસ્થ ઝઘડો પણ ક્યારેક જરૂરી હોય છે, પણ મૌન એ સંબંધની પૂર્ણતાની નિશાની કહેવાય છે. તમારા પતિ સાથે વધુ વાત નથી કરતા, તો તે સૂચવે છે કે તે તમને હવે પ્રેમ નથી કરતો. આવા સંબંધને આગળ વધારવું તમને ભવિષ્યમાં વધુ નુકસાન પહોંચાડી શકે છે.તમને પ્રોત્સાહન આપવાનું પણ ટાળે છે ? કેટલાક લોકોને એવી આદત હોય છે કે તેઓ ભાગ્યે જ પોતાના પાર્ટનરના વખાણ કરે છે. જોકે, તમારે એ વિચારવું પડશે કે તે પહેલાથી જ આવા છે કે હવે તેમનામાં પરિવર્તન આવ્યું છે ? જો પાછળથી આ પરિવર્તન આવ્યું છે તો આ બાબત પાછળ ચોક્કસ કોઇ કારણ હોઇ શકે છે. તમારા કોઇ કામની શું કદર નથી થતી? તમારા વખાણ પણ નથી થતા? તમારા પ્રત્યે શું દુર્લક્ષ્ય સેવવામાં આવે છે તો તમારે સમજી જવાની જરૂર છે કે તેમનું વલણ બદલાયું છે અને તમારાથી તેમણે દૂરી બનાવી જ લીધી છે. આત્મીયતા અનિવાર્ય છે પતિ-પત્નીના સંબંધોમાં ગમે તેટલા ઝઘડા થાય, પરંતુ તેમની વચ્ચે ક્વોલિટી ટાઈમ હંમેશા જળવાઈ રહેવો જોઈએ. જ્યારે તમારો પાર્ટનર તમને પ્રેમ કરે છે, તો તે તમારાથી વધુ સમય દૂર રહી શકતો નથી. તમારા જૂના દિવસોને યાદ કરો અને તમારા પાર્ટનરમાં શું પરિવર્તન આવ્યું છે? તે જાણવાનો પ્રયાસ કરો. હા, શંકા ન કરો - પણ સ્વસ્થતાથી તેને સમજવાનો પ્રયત્ન જરૂર કરો. તો તમે સમજી શકશો કે તમારા પતિમાં હવે શું બદલાઈ ગયું છે.