સ્ત્રીની સુંદરતાની વાત આવે ત્યારે અનિવાર્ય રીતે તેના વાળના વખાણ થાય જ. સ્ત્રીઓની સુંદરતા માટે કેટલુય લખાયુ, કહેવાયુ અને ગવાયુ છે અને તેમાં પણ તેના વાળની સુંદરતા માટે પણ ઘણું વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ આજે વાત કરવી છે એક સુંદરતાના પર્યાયસમી નારી કેતકી જાની વિષે. કેતકી જાની મૂળ ગુજરાતી છે પરંતુ હાલ પૂણેમાં સ્થાયી થયા છે. ગુજરાતના ગાંધીનગરમાં તેમના સંતાનો અને પરિવાર સાથે તેમનું જીવન ખુબ સુખરૂપ રીતે પસાર થઇ રહ્યું હતું. અચાનક તેમને એલોપેશીયા નામની બિમારી લાગુ પડી અને તેમનું આખુ જીવન બદલાઇ ગયું. એલોપેશીયા એક એવી દુર્લભ બિમારી છે જેના વિષે જાગૃતિ પણ ખુબ ઓછી છે અને તેની હજી કોઇ દવા પણ શોધાઇ નથી. એલોપેશીયા એવી બિમારી છે જેમાં જે વ્યક્તિને આ બિમારી લાગુ પડતા જ તેના શરીર પરથી બધા વાળ નીકળી જાય છે. કેતકી સાથે પણ આમજ થયું. શરૂઆતી તબક્કો તેમના માટે ખુબ મુશ્કેલ હતો તેઓ પૂર્ણ રીતે તુટી ગયા અને ડીપ્રેશનમાં સરી પડ્યા. તેમની આ હાલત થતા એક સમય એવો આવ્યો કે તેમને આત્મહત્યા કરી લેવાનો પણ વિચાર આવી ગયો હતો પરંતુ મિત્રો અને પરિવારના સાથે અને તેમની આંતરિક હિંમતે તેમને હારવા ન દીધા. કેતકીએ સુંદરતાને સાવ અલગ રીતે જ વ્યાખ્યાયીત કરી. જે માથાના વાળ સ્ત્રીની સુંદરતાનો પર્યાય હોય છે તે માથા પરથી બધા જ વાળ એલોપેશીયાને કારણે જતા રહેતા તેમણે માથા પર ટેટુ બનાવડાવ્યું અને ધીરે ધીરે તેમણે સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાની શરૂઆત કરી અને તેમણે પોતાનું જીવન સાવ બદલી નાખ્યું અને પોતાની આગવી ઓળખ બનાવી લીધી. ન માત્ર દેશમાં પણ ઈન્ટરનેશનલ લેવલે પણ તેમની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થઇ છે. એલોપેશીયાની જાગૃતિ માટેનું પણ બીડુ ઝડપ્યુ છે અને તેના માટે પણ કામ કરી રહ્યા છે. સુંદરતાના નવા આયામને દુનિયા સમક્ષ લાવવાનું ચેલેન્જીંગ કામ તેઓ કરી રહ્યા છે. એક સુંદર ગઝલની પંક્તિ છેસફરમેં ધૂપ તો હોગી જો ચલ સકો તો ચલોસભી હૈ ભીડમેં તુમ ભી નિકલ સકો તો ચલો.... કોઇના પણ જીવનમાં પરીસ્થીતી વિકટ આવી શકે છે પણ આ પરીસ્થીતીમાંથી પોતાની જાતને ઓછામાં ઓછુ નુકશાન થવા દઇને પોતાની જાતને વધુ નીખારવાની આ કહાની છે, આ કોઇપણ વ્યક્તિ જીવન માટે હકારાત્મક વલણ કેવી રીતે કેળવી શકે તેની કહાની છે અને એટલે જ અમે કહીએ છીએ કે આ વાત તમારી છે.