21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાયો, સમગ્ર રાજ્યમાં, જુદી જુદી રીતે માતૃભાષા દિનની ઉજવણીના સમાચારો મળ્યા. રાજ્યસરકારે પણ જાહેર સ્થળોએ મુકાતા સૂચનાઓના બોર્ડ (બેનર) ગુજરાતી ભાષામાં જ મુકવા તેવી ભલામણ કરી. પ્રદર્શનો યોજાયા, વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઇ અને વળી ક્યાંક ક્યાંક તો માતૃભાષા દિન નિમિત્તે હલકા ફુલકા કવિતાના મુશાયરા પણ યોજાયા. આ યાદીપણ લાંબી થઇ શકે અને એ બધું સાવ ખોટુ થયું છે કે ખોટુ છે એવું કહેવાનો આ ઉપક્રમ નથી પણ, એટલું કહ્યા વિના પણ રહી શકાતું નથી કે, માતૃભાષા બચાવવાના કે ટકાવવાના કે એનું સંવર્ધન કરવાના એક મહત્વના માધ્યમ તરીકે સૌથી મોટી જવાબદારી માતાને માથે - સ્ત્રીને માથે રહેલી છે. જેમ અન્ય જવાબદારીઓે પણ સ્ત્રીઓ વહન કરી શકશે એવો દાવો થતો હોય ( ખોટો પણ નથી )તો માતૃભાષાના જતનની જવાબદારીમાંથી સ્ત્રી છટકી શકે નહીં. કદાચ વાત થોડી નકારાત્મક લાગે તો પણ પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ અને પાશ્ચાત્યટેક્નોલોજીને હાથવગી કરી લેવાની ઘેલછાએ આપણી બહેનો - માતાઓ પોતાના સંતાનોના શિક્ષણના માધ્યમ પસંદ કરવામાં દેખાદેખીની માયાજાળમાં ફસાઇ પડી છે. દિકરો કે દિકરી ભણેગણે, ડોકટર એન્જીનીયર કે એમબીએ થઇને અમેરિકા પહોંચી જાય એટલે કે, જાણે પોતાની સાતેય પેઢીઓનું કલ્યાણ થઇ જશે એવી અધૂરી માહિતી ઉપર આધારીત અધૂરી માન્યતાને લીધે પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ધકેલે છે, જેના પરિણામે શરૂઆતના ઉત્તમ વર્ષોમાં દિકરી કે દિકરો કદાચ ટ્વીંકલ ટ્વીંકલ લીટલ સ્ટારનું પોપટીયું શિક્ષણ તો મેળવે છે, પણ “ ઓ ઇશ્વરભજીએ તને, મોટું છે તુજ નામ; ગુણ તારા નીત ગાઇએ, સદાય રાખ દિલ સાફ.” એ મૂળભૂત કેળવણીનો પાયો પાકો કરવાનું ચુકાઇજવાય છે. અંગ્રેજી મીડિયમમાં ભણાવવાની ઘેલછાને કારણે આપણે પોતે જ માતાઓએ જ બાળકને હાલરડાંથી, હિંચકાથી અને પોતાનીમાટીની મહેંકથી અળગો કરીને પોયમ્સ અને રાઇમ્સની ગોખણપટ્ટીમાં નાખી દેતા “ બાવાના બેય બગડ્યા હોય “ તેવો ઘાટ થાય છે. “ મારા sonને ગુજરાતીમાં બહુ ખબર પડતી નથી” એવું કહેવામાં માતા ગૌરવ અનુભવે છે ત્યારે માતાના એ કહેવાતા ગૌરવ આગળ માતૃભાષા ખોડંગાતી દેખાય છે. નોબેલ પારિતોષીક વિજેતા અમર્ત્ય સેનના જન્મ પછી તેમના પિતાશ્રી પોતાના બાળકને લઇને ભારતના પ્રથમ નોબેલ વિજેતા ગુરૂવર્ય રવિન્દ્રનાથ ટાગોર પાસે લઇ ગયા અને તેમનાં ખોળામાં બાળક મુકીને વિનંતી કરી કે “ગરુદેવ ! મારા આ દિકરાનું નામ તમે પાડો “ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે બાળકના માથે હાથ મુકી તત્કાલ કહ્યું કે, એનું નામ અમર્ત્ય રાખજે અને પછી આશિર્વાદ આપતા કહ્યું કે મારી જેમ અમર્ત્ય પણ નોબેલ પારિતોષિક મેળવે તેવી આશા રાખું છું. પિતાએ બીતા બીતા પુછ્યું, “ ગુરુદેવ, આપના આશિષ માથે ચઢાવું છું પણ, આપની જેમ તે પણ નોબેલ પારિતોષીક જીતે એ માટે મારે શું કાળજી રાખવી જોઇશે ?” ગુરુદેવ રવિન્દ્રનાથ ટોગેરે જવાબ આપ્યોકે, “ તેને માતૃભાષામાં જ ભણાવજે.”આજ બાળક અમર્ત્ય- મોટો થઇને નોબેલ વિજેતા બન્યો , માત્ર અમર્ત્ય સેન જ નહીં ભારતમાં નોબેલ પારિતોષીક ખેંચી લાવનારા બધા જમહાનુભાવો અને શિકાગોની ધર્મ પરિષદમાં ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી કે, જ્ઞાનપીઠ વિજેતા ઉમાશંકર જોષીબધા જ માતૃભાષામાં ભણ્યા હતા, સ્થાન, માન અને સન્માન પામ્યા હતા અને સારુ અંગ્રેજી પણ જાણતા હતા. ઉપરોક્ત બધા જમહાનુભાવોના જીવન વિકાસમાં માતૃભાષા અને માતૃભાષાની પસંદગીમાં તેમની માતાઓની દીર્ધદ્રષ્ટિ કહો કે માતૃત્વ શક્તિની આત્મસુઝ ઝળહળે છે. આજની આપણી માતાઓએ પણ - સ્ત્રીઓએ પણ પોતાના સ્ત્રીઆર્થને સમર્થ અર્થ આપવો હશે તો પોતાની દિકરી કે દિકરાને માતૃભાષામાં જ ભણાવવા માટે હિંમત દાખવવી પડશે. ઝાંસીની રાણી કે મહાલક્ષ્મી બાઇ જેવી આ પણ આજના યુગની સ્ત્રીઓની સાચી વીરતા બનશે ને તો જ એમનો સ્ત્રીઆર્થ સાચા અર્થમાં ચરિતાર્થ થશે.