પીરિયડ્સ પાછળ ઠેલવવાની કિંમત યુવતિએ જીવ આપીને ચુકવી, તમે ભૂલ ના કરતા
- પિરિયડ્સ પાછળ ઠેલવવાની દવા જોખમી સાહિત થઇ
- 18 વર્ષની યુવતિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો
- હોર્મોનલ ગોળીઓનો તબિબોના માર્ગદર્શન હેઠળ જ ઉપયોગ હિતાવહ
Women's Health : છોકરીઓ ખાસ પ્રસંગોએ અથવા ધાર્મિક પ્રસંગો દરમિયાન માસિક સ્રાવથી (Female Period) અસ્વસ્થતા અનુભવે છે, અને તેનાથી બચવા માટે, તેઓ માસિક સ્રાવની તારીખો પાછળ ઠેલવતી દવાઓનું સેવન (Period Delay Medicine) કરે છે. તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 18 વર્ષની છોકરીનું માસિક સ્રાવમાં વિલંબ કરતી દવાઓ ખાવાથી મૃત્યુ થયું હતું. માસિક સ્રાવમાં વિલંબ કરતી દવાઓ હોર્મોનલ ગોળીઓ (Hormonal Pills) હોય છે, જો આ દવાઓ ડૉક્ટરની સલાહ વિના લેવામાં આવે તો તે સ્ત્રીઓ માટે જીવલેણ બની શકે છે.
ગંઠ શરીરમાં ફેફસાં અથવા મગજ સુધી પહોંચે
બેંગ્લોરના વેસ્ક્યુલર સર્જન ડૉ. વિવેકાનંદે (Dr. Vivekanand In Podcast) એક પોડકાસ્ટમાં 18 વર્ષની છોકરીના મૃત્યુનો ઉલ્લેખ કર્યો છે, જે માસિક સ્રાવમાં વિલંબની ગોળીઓ ખાવાથી મૃત્યુ પામી હતી. ડૉક્ટરે કહ્યું કે, આ ગોળી ખાધા પછી છોકરીના પગમાં ભારે દુખાવો અને સોજો આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, તેણીમાં લોહીની ગાંઠો થઇ ગઇ હતી. જેના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. ડૉક્ટરના મતે જ્યારે આ ગંઠ શરીરમાં ફેફસાં અથવા મગજ સુધી પહોંચે છે, ત્યારે તે જીવલેણ સાબિત થઈ શકે છે, કારણ કે તે લોહીના પ્રવાહને અવરોધિત કરી શકે છે. ચાલો નિષ્ણાતો પાસેથી સમજીએ કે, માસિક સ્રાવ અટકાવવાની દવા શા માટે લેવામાં આવે છે, અને તે કેવી રીતે કાર્ય કરે છે, તેનું સેવન કોના માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
પીરિયડ્સ અટકાવવાની ગોળીઓ શા માટે લેવામાં આવે છે ?
દિલ્હીની ખાનગી હોસ્પિટલના સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. નીલમ સુરી કહે છે કે, મહિલાઓ ઘણીવાર પરીક્ષા, લગ્ન, મુસાફરી અથવા કોઈ ખાસ પ્રસંગ દરમિયાન માસિક સ્રાવ અટકાવવા માટેની દવાઓ લે છે. આ દવાઓ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, અને છોકરીઓમાં પણ તેનો ઉપયોગ સામાન્ય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ડૉક્ટરની સલાહ લીધા વિના આ ગોળીઓ લેવી ખતરનાક બની શકે છે. આ દવાઓ લોહીના ગંઠાવવાનું જોખમ વધારે છે, જેને તબીબી ભાષામાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ (DVT) કહેવાય છે.
આ દવાઓ કેવી રીતે કાર્ય કરે છે ?
માસિક સ્રાવ અટકાવવા માટેની દવાઓમાં પ્રોજેસ્ટેરોન અથવા એસ્ટ્રોજન જેવા કૃત્રિમ હોર્મોન્સનો ઉપયોગ થાય છે, જે શરીરમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર જાળવી રાખે છે. આ ગર્ભાશયના સ્તરનું લિકેજ બંધ કરે છે, અને માસિક સ્રાવ બંધ થાય છે. આ દવાઓ તમારા શરીરને "ગર્ભાવસ્થા જેવી સ્થિતિમાં" મૂકે છે, જે માસિક સ્રાવને મુલતવી રાખે છે. આ ગોળીઓ માસિક સ્રાવ આવે તે પહેલાં થોડા દિવસ લેવામાં આવે છે. તેનું સેવન કરવાથી પ્રોજેસ્ટેરોનનું સ્તર વધે છે. આ ગોળીઓ રક્તસ્રાવનો સમય બદલી નાખે છે.
માસિક સ્રાવ મુલતવી રાખવા માટેની દવાઓની આડઅસરો
આ ગોળીઓની એક મોટી આડઅસર એ છે કે, તે લોહીના જાડા થવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. કેટલીક સ્ત્રીઓમાં, ખાસ કરીને જેમને પહેલાથી જ આવી સ્વાસ્થ્ય સમસ્યા હોય અથવા જેમના પરિવારમાં લોહી ગંઠાવવાનો ઇતિહાસ હોય તેમના માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જો આ લોહી ગંઠાઈ જાય અને ફેફસાં સુધી પહોંચે, તો પલ્મોનરી એમ્બોલિઝમ થઈ શકે છે, જે અચાનક શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા તો હૃદયરોગનો હુમલો પણ લાવી શકે છે.
કઈ સ્ત્રીઓને આ ગોળીઓથી વધુ જોખમ હોય છે ?
આ ગોળીઓ લેતી દરેક સ્ત્રીને સમાન જોખમ હોતું નથી. જેમના પરિવારમાં લોહી ગંઠાઈ જવાનો, સ્થૂળતાનો અથવા બેઠાળુ જીવનશૈલીનો ઇતિહાસ હોય, ધૂમ્રપાન કરતી સ્ત્રીઓ, હાઈ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓ, PCOS જેવી હોર્મોનલ સમસ્યાઓ ધરાવતી સ્ત્રીઓ, લીવર અથવા હૃદય રોગ ધરાવતી સ્ત્રીઓને આ દવાઓથી સૌથી વધુ જોખમ હોય છે. ડૉક્ટરો સામાન્ય રીતે તબીબી ઇતિહાસ તપાસે છે અને જો જરૂર પડે તો, કેટલાક પરીક્ષણો પણ કરાવે છે, ત્યારબાદ તેઓ છોકરીઓને આ દવાઓ લેવાની મંજૂરી આપે છે.
શું આ ગોળીઓ સ્ત્રીઓ માટે સલામત છે ?
ડૉક્ટરની સલાહથી અને યોગ્ય રીતે લેવામાં આવતી આ ગોળીઓ થોડા સમય માટે સલામત રહી શકે છે. પરંતુ જ્યારે તે જાતે લેવામાં આવે છે, ત્યારે શરીર પર તેની અસર ખતરનાક બની શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સ્ત્રીઓએ આ દવાઓ જાતે ના લેવી જોઈએ. આ શરદી અને ફ્લૂ માટેની દવાઓ નથી, તે હોર્મોનલ દવાઓ છે, જે શરીરની ઘણી સિસ્ટમોને અસર કરે છે. ડોકટરો દરેક સ્ત્રીના પ્રોફાઇલને જાણ્યા પછી ડોઝ અને સમય નક્કી કરે છે.
આ લક્ષણોને અવગણશો નહીં
- જો તમે હોર્મોનલ દવા લઈ રહ્યા છો, તો પગમાં અચાનક સોજો, દુખાવો અથવા લાલાશને અવગણશો નહીં. આ લક્ષણો નસના ગંઠાવવાનું સંકેત છે.
- છાતીમાં તીવ્ર દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ ફેફસામાં ગંઠાવવાના સંકેત હોઈ શકે છે.
- માથાનો દુખાવો, ચક્કર અથવા ઝાંખી દ્રષ્ટિ મગજમાં ગંઠાવાનું સંકેત છે. આ લક્ષણો દેખાય કે, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો, કારણ કે, વિલંબ જીવલેણ સાબિત શકે છે.
આ પણ વાંચો ----- ડાયેટિંગ વગર મહિલાએ 20 કિલો વજન ઘટાડ્યું, સફળતાના સુત્રો હમણાં જ જાણો