Philosophy of Life : વેણની કિંમત, માણસની કિંમત
Philosophy of Life : અડધી દુનિયા એવા લોકોની છે જે કંઈ કહી શકતા નથી..." રોબર્ટ ફ્રોસ્ટના આ વિખ્યાત કથન અને તેમના જીવનના ગહન ચિંતન વિશે જાણીએ. જાણો કે કેવી રીતે આ મહાન કવિએ પ્રકૃતિ અને માનવ સ્વભાવ (Human nature)ના વિરોધાભાસ સાવ સરલતાતાહી સમજાવ્યો છે
અમેરિકન સાહિત્યના આકાશમાં રોબર્ટ ફ્રોસ્ટ(Robert Frost) એક એવા સૂર્ય સમાન છે, જેમનો પ્રકાશ જેટલો સૌમ્ય છે, એટલો જ તેજસ્વી પણ છે.1874 માં કેલિફોર્નિયામાં જન્મેલા અને ન્યૂ ઈંગ્લેન્ડની ગ્રામીણ ધરતી પર ઉછરેલા ફ્રોસ્ટની કવિતાઓ વાંચતા એવું લાગે જાણે કોઈ આપણી સાથે બેસીને નિખાલસ વાતો કરી રહ્યું હોય. પરંતુ એ સાદી વાતોમાં જીવનના ગહન સત્યો અને દાર્શનિક રહસ્યો છુપાયેલા હોય છે.
Philosophy of Life : પ્રકૃતિ અને માનવ સંઘર્ષનો ચિતાર
ફ્રોસ્ટની કલમ માત્ર કુદરતના સૌંદર્યનું વર્ણન નથી કરતી, પણ પ્રકૃતિના માધ્યમથી માનવીય એકલતા, સંઘર્ષ અને સમયના વહેણને આલેખે છે. તેમની પ્રખ્યાત કાવ્યપંક્તિ 'Stopping by Woods on a Snowy Evening' આજે પણ એટલી જ પ્રસ્તુત છે. ફ્રોસ્ટ માનતા હતા કે પ્રકૃતિ હંમેશા શાંત નથી હોતી; તે ક્યારેક કઠોર અને અણધારી પણ હોઈ શકે છે. તેમના જીવનમાં આવેલા આર્થિક સંકટો અને અંગત સ્વજનોના વિરહે તેમની કવિતાઓને વધુ ભાવનાશીલ અને સચોટ બનાવી હતી.
Philosophy of Life : આજના સમયનું કડવું સત્ય: ફ્રોસ્ટનું અદભૂત અવતરણ
રોબર્ટ ફ્રોસ્ટનું એક વિધાન આજે સોશિયલ મીડિયા અને માહિતીના વિસ્ફોટના યુગમાં ખૂબ જ સચોટ બેસે છે:
"અડધી દુનિયા એવા લોકોની બનેલી છે જેમની પાસે કહેવા માટે ઘણું છે પણ તેઓ કહી શકતા નથી, અને બાકીની અડધી દુનિયા એવા લોકોની છે જેમની પાસે કહેવા જેવું કંઈ નથી છતાં તેઓ સતત બોલ્યા જ કરે છે."
આ વિધાન આધુનિક સમાજની વિરોધાભાસી સ્થિતિ પર સચોટ પ્રહાર કરે છે. આ જગતમાં બે પ્રકારના પક્ષો છે:
જ્ઞાની પણ મૌન: જેમનામાં અનુભવનું ભાથું છે, જેમના વિચારોમાં ઊંડાણ છે, પણ કદાચ આત્મવિશ્વાસના અભાવે અથવા તકની ઉણપને કારણે તેઓ મૌન રહી જાય છે.
અજ્ઞાની પણ મુખર: જેમની પાસે કોઈ તથ્ય કે અર્થપૂર્ણ વાત નથી, પરંતુ સત્તા અથવા અહંકારના જોરે તેઓ મંચ ગજવતા રહે છે. 'ખાલી ચણો વાગે ઘણો' જેવી આ સ્થિતિ છે.
"तावच्च शोभते मूर्खो यावत्किञ्चिन्न भाषते।"
(મૂર્ખ માણસ ત્યાં સુધી જ શોભે છે જ્યાં સુધી તે કંઈ બોલતો નથી.)
મૌન અને શબ્દનું સંતુલન
ફ્રોસ્ટની કવિતા આપણને શીખવે છે કે સાચો સંવાદ એ જ છે જેમાં શબ્દો ઓછા અને અર્થ વધારે હોય. ચાર વાર પુલિત્ઝર પ્રાઈઝ મેળવનાર અને પ્રમુખ જ્હોન એફ. કેનેડીના શપથગ્રહણ સમારોહમાં પોતાની કૃતિ રજૂ કરનાર આ કવિએ હંમેશા પરંપરાગત છંદ અને લયને વળગી રહેવાનું પસંદ કર્યું. તેમણે સાબિત કર્યું કે નવીનતા લાવવા માટે જૂની પરંપરાઓને તોડવી જરૂરી નથી, પણ તેમાં નવા પ્રાણ ફૂંકવા જરૂરી છે.
રોબર્ટ ફ્રોસ્ટનું જીવન અને સાહિત્ય આપણને યાદ અપાવે છે કે આપણી આસપાસની સામાન્ય ક્ષણોમાં પણ અસામાન્ય અર્થો છુપાયેલા હોય છે. તેમની ફિલસૂફી આપણને પ્રેરણા આપે છે કે બોલવા ખાતર બોલવા કરતાં, હૃદયની સંવેદનાને સમજીને મૌન ધારણ કરવું અથવા યોગ્ય સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો એ જ સાચી સમજદારી છે.
જીભલડી તો એવી ભઈલા, પાલખીએ બેસાડે,
કવેણ જો બોલો તો ઈ જ, ગધેડે ચડાવે!
કાગડો કોઈનું કાંઈ લેતો નથી, હારું ગાય છે મોર,
પણ મીઠું જે બોલે જગમાં, એનું જ હાલે જોર.
રૂપિયો તો આથમી જાશે, ને આથમી જાશે કાયા,
પણ મુખેથી બોલેલું વેણ, જગમાં અમર રહી જાય.
હોય ભલેને ભીતર ખાલી, તોય બહુ ફટફટાવે,
ને જ્ઞાની હોય ઈ છાનો માનો, હૈયામાં હરખાવે!
આ પણ વાંચો : War and Human Emotions : યુદ્ધના ઓથાર વચ્ચે માણસાઈ બચાવવાની છેલ્લી તક


