Power of Gratitude : કૃતજ્ઞતા કેળવો: જિંદગી જીવવાની ‘જાદુઈ જડીબુટ્ટી’
Power of Gratitude : લગભગ દરેક માણસ સતત ચિંતા અને માનસિક તણાવથી ઘેરાયેલો રહે છે. જાણો કેવી રીતે કૃતજ્ઞતા અને ઈશ્વરીય શરણાગતિ તમારી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. ભગવદ્ ગીતાના સંદર્ભ અને જીવનલક્ષી ઉદાહરણો સાથે ચિંતા છોડી આનંદમય જીવન જીવવાનો માર્ગ બતાવ્યો છે.
આપણું જીવન અત્યારે એક એવા સ્ટેશન જેવું બની ગયું છે જ્યાં 'ચિંતા' નામની ટ્રેન સતત આવતી-જતી રહે છે. ક્યારેક સંતાનોની ચિંતા, ક્યારેક સ્વાસ્થ્યની, તો ક્યારેક ભવિષ્યની. પણ શું તમે જાણો છો કે આ બધી મથામણ વચ્ચે એક એવો શબ્દ છે જે તમારી જિંદગીનો આખો નકશો બદલી શકે છે? એ શબ્દ છે — 'કૃતજ્ઞતા' (Gratitude).
Power of Gratitude : ચિંતા: મનનું મૃગજળ
મનોવિજ્ઞાન કહે છે કે માણસ જે વાતોની ચિંતા કરે છે, તેમાંથી 90 ટકા તો માત્ર કલ્પના જ હોય છે. આપણે એવા પહાડો ચડવાની ચિંતા કરીએ છીએ જે રસ્તામાં આવતા જ નથી!
જેની પાસે સુંદરતા છે, તેને એ કરમાઈ જવાનો ડર છે.
જેની પાસે ધન છે, તેને તે ચોરાઈ જવાનો કે ઓછું થવાનો ડર છે.
આ ડરને દૂર કરવાનો એક જ રસ્તો છે: સ્વીકાર. જે ક્ષણે તમે સ્વીકારી લો છો કે "જે મારી પાસે છે તે પર્યાપ્ત છે," તે ક્ષણે ચિંતાનો અંધકાર ઓગળવા લાગે છે.
૨. વિષાદ છોડો, કૃષ્ણનો સંદેશ પકડો
શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે 'અર્જુન વિષાદ યોગ'. અર્જુન રણમેદાનમાં ચિંતાથી ઘેરાયેલો છે, તેના હાથમાંથી ધનુષ સરી રહ્યું છે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને જીવનનું સૌથી મોટું સૂત્ર આપે છે:
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે | ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ ||
ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું કે, "તું એના માટે શોક કરે છે જે શોક કરવા યોગ્ય જ નથી." જિંદગીની શરૂઆત અને અંત બંને ઈશ્વરના હાથમાં છે, તો વચગાળાના સમયમાં ચિંતા કરીને આપણે શું મેળવી લેવાના? ગીતાનો સાર જ એ છે: 'મા શુચ:' — શોક ન કર, ચિંતા ન કર.
૩. કુદરતનું ‘મેનેજમેન્ટ’ જુઓ
આપણે ક્યારેય પક્ષીઓને ડિપ્રેશનમાં જોયા છે? કે કાલે ખાવાનું ક્યાંથી મળશે એ વિચારીને એ લોકો રાત્રે જાગતા હોય?
સવારે સૂરજ નિયમ મુજબ ઊગે છે.
કમળ કાદવ વચ્ચે પણ હસતું ખીલે છે.
તમે જ્યારે નાના બાળક હતા, કશું જ સમજી શકતા નહોતા, ત્યારે પણ તમારી ભૂખ અને સુરક્ષાની ચિંતા કુદરતે કરી જ હતી ને?
જો એ દિવ્ય હાથોએ તમને અત્યાર સુધી સંભાળ્યા છે, તો આગળ પણ એ જ સંભાળશે. આ ભરોસો એટલે જ કૃતજ્ઞતા.
૪. સફળતાનો સીડી: અન્યનો આભાર
જે માણસ બીજાએ કરેલી મદદને યાદ રાખે છે, તેના જીવનમાં સફળતા આપોઆપ આવે છે. કૃતજ્ઞ ભાવ ધરાવતો માણસ મુશ્કેલ સંજોગોમાં પણ ‘શું ખરાબ થયું’ એ જોવાને બદલે ‘હજી શું સારું છે’ એના પર ધ્યાન આપે છે.
એક આંખ વગરનો માણસ રડવાને બદલે એક આંખથી આ દુનિયા જોઈ શકે છે એનો આનંદ માણે છે.
ટપકતા છાપરા નીચે રહેતો ગરીબ પણ વરસાદના સંગીતનો આનંદ લઈ શકે છે જો તેનામાં સંતોષ હોય.
૫. આસક્તિનું પરિવર્તન
દુન્યવી વસ્તુઓની આસક્તિ શરૂઆતમાં સુખ આપે છે, પણ ધીમે ધીમે તે આપણને ગુલામ બનાવી દે છે. જ્યારે ઈશ્વર પ્રત્યેની આસક્તિ શરૂઆતમાં અઘરી લાગે, પણ એકવાર તેની લત લાગી જાય પછી દુનિયાનું કોઈ દુઃખ તમને ડગાવી શકતું નથી.
યાદ રાખવા જેવી પંક્તિ:
"ચિંતા કરવાથી કદી મુશ્કેલી ટળતી નથી, ભરોસો રાખ રાખ એના પર, જેની મરજી વિના પાંદડું પણ હલતું નથી."
તમારા માટે આજનો મંત્ર: રોજ રાત્રે સૂતા પહેલા એવી ૫ બાબતો યાદ કરો જેના માટે તમે ભગવાનના આભારી છો. ધીરે ધીરે તમે જોશો કે તમારી ચિંતાઓ વામણી થઈ ગઈ છે અને તમારામાં એક નવી જ ઉર્જાનો સંચાર થયો છે.
જીવન એ ચિંતાનો વિષય નથી, પણ કૃતજ્ઞતાનો ઉત્સવ છે!
આ પણ વાંચો : Science behind yawning : બગાસું-મગજનું હાઈ-ટેક ‘રીબૂટ’ બટન


