Self-esteem : મહેનતનો રોટલો
Self-esteem: જગદીશભાઈ રોજ સવારે ૭ વાગ્યે મૉર્નિંગવૉકમાં નીકળે, કાયમ એ મસ્તીમાં રહે. કોઈક ગીત ગણગણતાં જાય કે રસ્તામાં દરેક વૃક્ષને કે પક્ષી -નીરખતાં જાય, લીમડા પર મોર આવ્યો છે કે નહીં? ગરમાળાના વૃક્ષ પર પીળાં ફૂલો ઝુમ્મરની જેમ ઝૂમી રહ્યાં છે કે નહીં ? સૂર્યનો કૂણો તડકો... બોગનવેલ કેટલી સરસ રંગથી ઊભરાતી લાગે છે. આમ, કુદરતને માણતાં માણતાં આગળ વધે. વૃક્ષો અને છોડવાઓ સાથે વાતો કરે. જાણે એ સામો જવાબ આપતાં હોય એવું લાગે..
સેવા એમના માટે વ્યસન
માનવદૃષ્ટિ કેળવીએ તો આ પૃથ્વી પર ઘણું-ઘણું વિવિધતાભર્યું જોવા મળે.જગાભાઈ રસ્તા પર બંધાતાં નવા મકાનોની ડિઝાઈન થઈ રહી હોય તો તે પણ જોતા જાય. વિચારે કે હવે આર્કિટેકટ અને એન્જિનિયર સ્થાપત્ય કેવું સરસ બનાવી રહ્યા છે, વાહ ! એમ થાય કે કમાલ કરી.. બંધાતા ફલૅટના કેટલા માળ બની રહ્યા છે ? પાર્કિંગની શું વ્યવસ્થા કરી છે એ બધુ જોતાં જાય અને ક્યારેક ખુશ તો ક્યારેક હસતાં હસતાં હળવી ટીકા પણ કરતા જાય. મજૂરો સાથે વાતો કરે. અરે,કોણ આજે કામ પર નથી આવ્યું એની નોંધ પણ લે અને ખબર પણ પૂછે. કોઈને સુવાણ ન હોય તો એનું સરનામું લઈ એની ઝૂંપડી જઇ યોગ્ય મદદ પણ કરે. સેવા એમના માટે વ્યસન બની ગયું હતું. મજૂર બહેનો તેમનાં નાનાં બાળકોને કોઈક આછા પાતળા છાંયડે રાખી ઝોળી જેવા ઘોડિયામાં સુવાડીને કામ કરતી હોય એ નિહાળે.
ગરીબની ખુદ્દારી
નવા બંધાતા ફ્લૅટના નજીકના વૃક્ષના છાયામાં એક પાંચ વરસની બાળકી તેના ભાઈ સાથે બેઠી છે. બંને નિર્દોષ બાળકો વહાલાં લાગે તેવાં. બીજા દિવસે જગદીશભાઈ બિસ્કિટનાં બે પૅકેટ્સ લઈને નીકળ્યાં. બંને બાળકો હાથમાં એક-એક બિસ્કિટનું પૅકેટ મૂકવા જતાં હતાં, ત્યાં તો તેમની મજૂર મા બોલી, સાહેબ, ઊભા રહો. જગદીશભાઈ તુરત જ થંભી ગયાં. પ
પેલી બહેન પાસે આવીને બોલી “સાહેબ, તમે બિસ્કિટનાં પૅકેટ્સ આપો છો તેનો આભાર! પણ અમે તે ના લઈ શકીએ, કારણ કે પછી અમારાં બાળકોને આવું ભેટ-ભીખનું ખાવાની ટેવ પડી જાય. અમારો મહેનતનો રોટલો ખાતાં શીખે સારું.'' અને એણે બે હાથ જોડ્યાં.
જગદીશભાઈએ એ મજૂર બેનને ભાવપૂર્વક નમન કર્યાં અને એની Self-esteem ખુદ્દારીને મનોમન સલામ મારી.
આ પણ વાંચો: Health Tips: રોટલી અને ભાત સાથે ખાવા કેટલા હાનિકારક ?