Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Self-Realization in relationships : સંબંધો કાચના કે સાચના ?

સંબંધ કે સુવર્ણમૃગ? જ્યારે સંબંધો પોકળ બને ત્યારે જાત સાથે કસ્તૂરીમૃગ જેવો સંબંધ કેળવવાની કળા. વેરવૃત્તિ છોડી પ્રેમ તરફ ગતિ કરવી અનિવાર્ય છે. 
self realization in relationships   સંબંધો કાચના કે સાચના
Advertisement

Self-Realization in relationships : સંબંધ કે સુવર્ણમૃગ? જ્યારે સંબંધો પોકળ બને ત્યારે જાત સાથે કસ્તૂરીમૃગ જેવો સંબંધ કેળવવાની કળા. વેરવૃત્તિ છોડી પ્રેમ તરફ ગતિ કરવી અનિવાર્ય છે. 

સંબંધોની બટકણી દુનિયા સાવ બટકણી છે.  સાચા સંબંધો આજના સમયમાં ‘સફેદ હાથી’ જેવા દુર્લભ બની ગયા છે. આપણે જેમને સંબંધો માનીએ છીએ, તે મોટાભાગે કાચના વાસણો જેવા હોય છે—જરાક અમથી ઠેસ લાગે અને કકડભૂસ થઈ જાય! મકરંદ દવેની પંક્તિઓ અહીં બહુ સચોટ બેસે છે:

Advertisement

"ગમતું મળે તો લ્યા, ગુંજે ન ભરીએ, ને ગમતાંનો કરીએ ગુલાલ!" પણ આપણે ગુલાલ કરવાને બદલે ગમતી વ્યક્તિને પણ આપણી માલિકીની બનાવવાની કોશિશ કરીએ છીએ, અને ત્યાં જ સંબંધ નંદવાઈ જાય છે.

Advertisement

Self-Realization in relationships : જાત સાથેની મુલાકાત-કસ્તૂરીમૃગની શોધ

માણસ આખી જિંદગી બીજાને ઓળખવામાં કાઢી નાખે છે, પણ ક્યારેય પોતાની જાત સાથે ‘એપોઇન્ટમેન્ટ’ લેતો નથી. આપણે સંબંધોની માયાજાળમાં એવા ફસાયા છીએ કે પ્રત્યેક સંબંધ સુવર્ણમૃગ લાગે છે, પણ જો સ્થિર થઈને ભીતર જોઈએ તો સમજાય કે આપણે તો ‘કસ્તૂરીમૃગ’ છીએ. આપણી પાસે આપણી પોતાની સુવાસ છે, પણ આપણે તેને બહાર શોધી રહ્યા છીએ. જે માણસ પાસે પોતાનું ‘એકાંત’ અને ‘મૌન’ હોય, તેને બહારના ટેકાની જરૂર પડતી નથી.

Self-Realization in relationships : શબ્દોના ઘા અને સત્યની શોભાયાત્રા

સંબંધો વણસવાનું મુખ્ય કારણ આગ્રહ નહીં, પણ ‘દુરાગ્રહ’ obduracy છે. આપણે સત્ય બોલવાના નામે સામા માણસના હૃદયને વીંધી નાખીએ છીએ. યાદ રાખજો, સત્ય જો કટુતા સાથે પીરસાય તો તે ઝેર બની જાય છે. કોઈના અહમને ઈજા પહોંચાડવી એ પશુને ઉશ્કેરવા બરાબર છે. કવિશ્રી હરદ્વાર ગોસ્વામી કહે છે તેમ:

"શબ્દો તો શસ્ત્રો છે, વાપરતા વિચારજો, ઘા રૂઝાઈ જશે પણ નિશાન રહી જશે."

ટીકાખોરી અને પતનની શરૂઆત આપણે ઘણીવાર ‘અભિપ્રાય’ આપવાના બહાને આપણી શ્રેષ્ઠતા સાબિત કરવા મથતા હોઈએ છીએ. કોઈની મહેનતને ‘આમાં કશો દમ નથી’ કહીને ઉતારી પાડવી એ કળા નથી, પણ આપણી લઘુતાગ્રંથિ છે. માણસ જાણે બીજાને દુઃખ આપવામાં જ સુખ શોધતો થયો છે. મહેણાં-ટોણાં અને મોઢું ચઢાવવું એ સામા પાત્રને ‘સ્લો પોઈઝન’ આપવા જેવું છે. જે ક્ષણે આપણું સુખ બીજાના આંસુ પર નિર્ભર થાય, સમજી લેવું કે આપણું ‘મનુષ્ય’ તરીકેનું પતન શરૂ થઈ ગયું છે.

ભિખારીઓની ભાગીદારી

લૂલા અને આંધળાનું ઊડાહરણ રજનીશજીએ આપેલી વાત માનવ સંબંધોનું વરવું સત્ય છે. આપણે બધા એકબીજા પાસે કંઈક માંગવા જ ઉભા છીએ—કોઈને પ્રેમ જોઈએ છે, કોઈને માન, તો કોઈને સાથ. આપણે ‘સમ્રાટ’ થઈને સંબંધ નથી નિભાવતા, પણ ‘ભિખારી’ થઈને નિભાવીએ છીએ.

જ્યારે ઈશ્વર પ્રગટ થયા અને માંગવાનું કહ્યું, ત્યારે માણસની ઈર્ષ્યા કેવી પરાકાષ્ઠાએ પહોંચી? આંધળાએ પોતાની આંખ ન માંગી પણ લંગડાને આંધળો કરવાનું માંગ્યું! આ વેરવૃત્તિ આપણને ખાડામાં ધકેલી રહી છે. આપણે પ્રેમ પર છેકો મૂકીએ છીએ અને વેરના વ્યાજ ગણીએ છીએ.

કાદવમાં પડેલા રહીને કમળ થવાની આશા ન રખાય. આપણે આપણા આ સંકુચિત વિચારોમાંથી બહાર નીકળવું પડશે. સંબંધોની પાર પણ એક સૃષ્ટિ છે, જ્યાં માત્ર ‘અસ્તિત્વ’નો આનંદ છે. વેણીભાઈ પુરોહિતની આ પંક્તિઓ આપણા જીવનનો મંત્ર હોવી જોઈએ:

"ઊંચે નજર કરો, જરા ઊંચે, હજી ઊંચે, આકાશ છાબ છે અને તારા ગુલાબ છે."

જો દ્રષ્ટિ ઊંચી કરીશું, તો સમજાશે કે આ જગતમાં વેર લેવા માટે જીવન બહુ ટૂંકું છે અને પ્રેમ કરવા માટે આખું આકાશ પણ ઓછું છે.

અંતે તો વાત ત્યાં આવીને અટકે છે કે સંબંધોમાં આપણે 'સાચા' સાબિત થવા માંગીએ છીએ કે 'સુખી'? વેર લેવાની વૃત્તિ આપણને અંદરથી કોતરી ખાય છે, જ્યારે ક્ષમા અને પ્રેમ આપણને વિસ્તાર આપે છે. જો આપણે બીજાના દુઃખમાં પોતાનું સુખ શોધવાનું બંધ કરી દઈએ, તો જ આપણે સાચા અર્થમાં મનુષ્ય બની શકીએ.

યાદ રાખો, આપણો સૌથી પહેલો અને સાચો સંબંધ આપણી પોતાની જાત સાથે છે. જે વ્યક્તિ અંદરથી કસ્તૂરીમૃગ જેવી સુગંધિત છે, તેને બહારના કાચના સંબંધો તૂટવાનો ડર રહેતો નથી. તો ચાલો, આ અહમની આટીઘૂંટીઓ અને વેરના સરવાળા છોડીને, વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ મુજબ આપણી નજર થોડી ઊંચી કરીએ. નીચે કાદવ છે, પણ ઉપર આખું આકાશ આપણી રાહ જોઈ રહ્યું છે—જ્યાં તારાઓ ગુલાબ બનીને ખીલ્યા છે.

આ પણ વાંચો : 14.2 kg LPG cylinder logic : ગેસ સિલિન્ડર પાછળનું અનોખું વિજ્ઞાન

Tags :
Advertisement

.

×