Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Social Media vs Real Relationships : જગત જીત્યા, પણ ઘર હાર્યા!

આખી દુનિયાને જીતી લેવી પણ પોતાના પરિવારને ગુમાવી દેવો એ વિજય નથી, પણ હાર છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની વાહ-વાહ મેળવવાની આ આંધળી દોડને આજે જ અટકાવો અને તમારા વાસ્તવિક સંબંધોનું મૂલ્ય સમજો!
social media vs real relationships   જગત જીત્યા  પણ ઘર હાર્યા
Advertisement

Social Media vs Real Relationships : આખી દુનિયાને જીતી લેવી પણ પોતાના પરિવારને ગુમાવી દેવો એ વિજય નથી, પણ હાર છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની વાહ-વાહ મેળવવાની આ આંધળી દોડને આજે જ અટકાવો અને તમારા વાસ્તવિક સંબંધોનું મૂલ્ય સમજો!

આજના આધુનિક યુગમાં આપણે અજાણતા જ એક એવી વિચિત્ર અને આંધળી દોડમાં સામેલ થઈ ગયા છીએ, જેનો કોઈ અંત નથી. આ દોડ છે—પારકાને પોતાના કરવાની અને પોતાનાને જ પારકા બનાવી દેવાની!

Advertisement

આજે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાના ડિજિટલ ચોતરે અજાણ્યા અને અપરિચિત લોકો પર પ્રેમનો અમૃત છાંટવા આતુર છે, પણ ઘરની ચાર દીવાલો વચ્ચે પોતાના જ લોહીના સંબંધો, પરિવાર કે જૂના મિત્રો સાથે કટુતાની મૂડી સંઘરીને બેઠી છે. ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર અપરિચિતોની પોસ્ટ પર કમેન્ટ્સમાં મીઠાસ ઓગળે છે, જ્યારે ઘરના ડાઇનિંગ ટેબલ પર ‘મૌનના તીર’ ચાલે છે.

Advertisement

આવી સ્થિતિમાં જગત આખાને જીતીને પણ માણસ જે મેળવે છે, શું એ ખરેખર વિજય છે? જગવિખ્યાત ચિંતક અને લેખક લિયો ટૉલ્સટૉયે(Leo Tolstoy)એક જગ્યાએ લખ્યું છે: “દરેક વ્યક્તિ દુનિયાને બદલવા વિશે વિચારે છે, પણ કોઈ પોતાના ઘર અને પોતાની જાતને બદલવા વિશે નથી વિચારતું.” બરાબર આ જ વાત આપણા આજના ભ્રમિત સમાજને લાગુ પડે છે.

Social Media vs Real Relationships :  પરાજયની રાહ જોતું ઘર અને બહારનો પોકળ વિજય

સમાજનું એક વરવું દર્પણ એ છે કે, “ત્યાં વિજયનો કોઈ અર્થ નથી, જ્યાં તમારા પોતાના જ લોકો તમારી હારની રાહ જોઈને બેઠા હોય.”

આજે ઘરના સભ્યો વચ્ચે તંદુરસ્ત સંવાદ-Healthy communication રહ્યો નથી. પતિ-પત્ની એકબીજાની નિષ્ફળતાઓની ગણતરી રાખે છે, બાળકો માતા-પિતાની કમજોરીઓ શોધે છે અને મિત્રોના સુખમાં ઈર્ષ્યાના કીડા સળવળે છે. પરંતુ આ જ લોકો જ્યારે બહાર નીકળે છે અથવા સ્ક્રીન સામે બેસે છે, ત્યારે અજાણ્યા લોકો માટે ‘લાઈક’, ‘કોમેન્ટ’ અને ‘હાર્ટ’ની વર્ષા કરે છે!

આ દોડનો અસલી ઉદ્દેશ્ય શું છે? માત્ર એટલો જ કે અજાણ્યાની નજરમાં ‘સારા’ સાબિત થવું, ભલે પછી પોતાનાની નજરમાં આપણે ‘સાચા’ ન રહીએ. માન્યતા (Validation) મેળવવાની આ ભૂખ એટલી પ્રબળ બની ગઈ છે કે આપણે આપણા અસલી ઓથ અને આધારસ્તંભોને જ કુહાડી મારી રહ્યા છીએ.

“મળતા મળી ગયો મોંઘો મનુષ્યદેહ, એનો ભવરોગ કઢાવો રે... હૃદય મિલન વિણ બધું જ નકામું!”

જો હૃદયનું મિલન પોતાના ઘરના આંગણે જ ન થાય, તો ઓફિસની વાહ-વાહ, સોશિયલ મીડિયાના લાખો ફોલોવર્સ કે સંબંધીઓની મીઠી વાણી—બધું જ કેન્સરના ઘા પર લગાડેલા મોંઘા મલમ જેવું છે, જે બહારથી સારું દેખાડે પણ અંદરનો સડતો રોગ મટાડી શકતું નથી. વાસ્તવિક વિજય તો એ છે કે તમારા ઘરના લોકોની આંખમાં તમારા માટે સાચું સન્માન હોય અને તમારા પોતાના દિલમાં પરમ શાંતિ હોય.

સંબંધોની આત્મહત્યા

પારકાને પોતાના કરવાની આ હોડમાં આપણા પોતાના જ ક્યાંક કાયમ માટે ખોવાઈ જાય છે. આજે માણસ અજાણ્યા સગા કે સોશિયલ મીડિયાના મિત્રો માટે કવિતાઓ અને ગીતો શેર કરે છે, પણ ઘરમાં બેઠેલા વૃદ્ધ પિતા સામે બે મિનિટ બેસીને એમની તકલીફ પૂછવામાં એ મૌન થઈ જાય છે. દુનિયાને મોંઘી ભેટો આપનારો માણસ, પોતાના જીવનસાથીની નાની-નાની લાગણીઓની ચોરી કરે છે.

આથી જ, આજનો સૌથી મોટો સંઘર્ષ કોઈ વૈશ્વિક સ્પર્ધા જીતવાનો નથી, પણ પોતાના સંબંધોમાં ‘સાચા અને પ્રમાણિક’ રહેવાનો છે. જાણીતા ફિલસૂફ સોક્રેટીસે કહ્યું હતું: “સૌથી મોટો વિજય એ છે કે તમે તમારા પોતાના પર વિજય મેળવો અને પોતાના લોકોને પ્રેમ આપતા શીખો.” જ્યાં સુધી ઘરના ઉંબરા પર વિશ્વાસનો દીવો નહીં પ્રગટે, ત્યાં સુધી વૈભવના ગમે તેવા મહેલો પણ નકામા છે. પોતાનાઓને પારકા કરવાની આ દોડમાં જો કોઈ મેડલ કે વિજય મળે, તો તે વિજય નથી, પણ લાગણીઓની અને છેવટે આપણા પોતાના અસ્તિત્વની આત્મહત્યા છે.

સાચી સંપત્તિની આખરી દોડ

સાચો મનુષ્ય એ નથી જેણે આખી દુનિયા પાસે ‘વાહ વાહ’ કહેવડાવ્યું, પણ સાચો માણસ એ છે જેના ઘરમાં પ્રવેશતાની સાથે જ તેના સૌથી નજીકના લોકો માનસિક હળવાશ અને સુરક્ષા અનુભવે. વિજય એ નથી કે તમે કેટલા અજાણ્યા લોકોના મગજમાં જગ્યા બનાવી, પણ એ છે કે તમારા પોતાના પરિવારના મનમાં તમારી કઈ અને કેટલી સાચી જગ્યા છે.

આંગણું ઉજ્જડ અને વેરાન હોય તો અબજોના મહેલો પણ સ્મશાન જેવા ભાસે છે, અને જો ઘરનું આંગણું વ્હાલ અને પરસ્પર વિશ્વાસથી પ્રફુલ્લિત હોય તો ઝૂંપડીમાં પણ સ્વર્ગનો અનુભવ થાય છે.

આ જમાનાની ‘સૌથી લોકપ્રિય દોડ’માં આપણે જેને વિજય માનીને છાતી ફુલાવી રહ્યા છીએ, તે વાસ્તવમાં છૂપી હારનો જ બીજો ચહેરો છે. ખરો વિજય પોતાનાને છોડીને ભાગવામાં નથી, પણ પોતીકાંની સાથે અડીખમ ઊભા રહેવામાં છે. જ્યાં સુધી તમારા અંગત લોકો તમારી જીત પર સાચા હૃદયથી હરખાય નહીં, ત્યાં સુધી દુનિયા જીતીને પણ સિકંદર ખાલી હાથે જ પાછો ફરે છે. સંબંધો જ જીવનની એકમાત્ર સાચી મૂડી છે, અને તેને સાચવવી એ જ આ પૃથ્વી પરની એકમાત્ર સાર્થક દોડ છે.

આ પણ વાંચો :Keratin At Home : મોંઘી હેર ટ્રીટમેન્ટના પૈસા બચશે, અપનાવો આ હોમ મેડ માસ્ક

Tags :
Advertisement

.

×