Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Support of life : આપણા જેવાં સુખ બીજાને નથી એ જાણવાથી આપણાં સુખ વધુ સુખપ્રદ લાગે

કીડીને કણ અને હાથીને મળ આપનારો ભગવાન
support of life   આપણા જેવાં સુખ બીજાને નથી એ જાણવાથી આપણાં સુખ વધુ સુખપ્રદ લાગે
Advertisement

Support of life : સ્વતંત્ર રીતે જીવવાની, મનની મરજી મુજબ વર્તવાની ગમે એટલી હુશિયારી ઠોકીએ તોય જીવનમાં ક્યાંક ને કયાંક સહારાની જરૂર પડતી હોય છે. આવા ટેકાઓ તે વખત પૂરતા અનિવાર્ય હોય છે.

ક્રેક્ચર થયેલો પગ સાજો થઈ જાય ત્યાં સુધી કાખઘોડી(Walking Stick)ની જરૂર પડે. કચિસનો ઉપયોગ પૂરો થઈ ગયા પછી તમે એને માળિયામાં નાખી દો, હોસ્પિટલમાં દાનમાં આપી દો કે ભંગારવાળાને વેચી દો. તમારા માટે હવે એની કોઈ ઉપયોગિતા રહી નથી.

Advertisement

જીવનમાં વિવિધ તબક્કે મળી ગયેલા કે સામેથી મેળવવામાં આવેલા ટેકાઓને એ નબળી ક્ષણો વીતી ગયા પછી પણ દૂર કરી દેવાનું આપણને સૂઝતું નથી.

Advertisement

એ સહારાઓ વિના ચાલવામાં આવશે તો ફરી પાછા પડી જવાશે એવા કાલ્પનિક ભયના માર્યા આપણે એ ટેકાઓને દૂર કરી નાખતાં અચકાઈએ છીએ.

એટલે એક સમય એવો આવે છે જ્યારે માની લઈએ છીએ કે આપણા અસ્તિત્વનો બધો આધાર આ ટેકાઓ જ છે. કોઈક ક્ષણે એ આધાર છૂટી જશે તો-એવો વિચાર આવે ત્યારે મન ભયભીત બની જાય છે. ઉછીના મળેલા આ ટેકાઓ માટેનું પરાવલંબન સંપૂર્ણ થઇ જાય છે. સ્વતંત્ર રીતે જીવન જીવવાની ઇચ્છા ગમે એટલી બળવત્તર હોય તે છતાં એના પર પાણી ફરી વળે છે.

આજીવિકાનો સૌથી મોટો આધાર હોય છે નોકરી અથવા વ્યવસાય

મોટા ભાગના લોકોની આજીવિકાનો સૌથી મોટો આધાર હોય છે નોકરી અથવા વ્યવસાય અથવા ધંધો અથવા છૂટક કામ અને એમાંથી મળતી આવક. આવક આપતી નોકરી કે આજીવિકા આપતાં કામ તમે એક વર્ષ કર્યું, બે વર્ષ, પાંચ-પંદર વર્ષ કર્યા. ધીમે ધીમે તમે માનતા થઈ ગયા કે આ નોકરી કે આ કામ છે તો જ તમારું, તમારા કુટુંબનું ભરણપોષણ થાય છે અને વાત પણ કંઈ ખોટી નથી.

દર મહિને જે આવક ઘરમાં આવે છે તેમાંથી જ કરિયાણાવાળાનું બિલ ચૂકવાય છે, શાકભાજી અને દૂધ આવે છે, બાળકોની સ્કૂલ ફી ભરાય છે, કપડાં ઈત્યાદિની જરૂરિયાતો પણ આ પગારની રકમમાંથી જ સંતોષાય છે. નોકરી છૂટી ગઈ કે ધંધો પડી ભાંગ્યો કે કામ છૂટી ગયું તો તમે રસ્તા પર આવી જશો એવો વિચાર જ્યારે આવી જાય એ દિવસે તમે હનુમાનજીને બે વાર તેલ ચડાવવા જાઓ છો અને નોકરિયાત કે બિઝનેસમૅન તરીકેના તમારા અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી નિશ્રચિત બની જવાનો પ્રયાસ કરો છો.

નિશ્રચિત બની ગયા પછી પણ તમારા સુષુપ્ત મનમાં એક વિચાર તો ઘર કરી જ જાય છે કે આ કામ છે તો જ તમે ટકી રહ્યા છો આ જાલિમ શહેરમાં, કામ(Support of life) નહીં હોય ત્યારે બિસ્તરાંપોટલાં બાંધીને દેશભેગા થઈ જવું પડશે.

બાંધછોડ વધતી વધતી કયા તબક્કા સુધી પહોંચી શકે

સતત તમારી સાથે રહેતા આ અર્ધજાગ્રત મનના વિચારને કારણે તમે નોકરી કે ધંધો કે તમારું કામ ટકાવી રાખવા જાત સાથે બાંધછોડ કરવાનું શરૂ કરો છો. શરૂઆત નાને પાયે થાય છે. પેલો બૉસ કે ભાગીદાર કે ફાઈનાન્સર દીઠો નથી ગમતો છતાં એને સ્માઈલ આપવું પડે છે. મનમાં બોલો છો કે એટલું સ્મિત કરવામાં આપણા બાપનું શું લૂંટાઈ જવાનું છે પણ અંદરખાનેથી ખબર છે કે એ સિનિયર કે પાર્ટનર તમને કનડી શકે છે એ શક્યતાની તમે કિંમત ચૂકવી રહ્યા છો. બાંધછોડ વધતી વધતી કયા તબક્કા સુધી પહોંચી શકે છે એની તમને ખબર છે, કદાય એનો અનુભવ પણ હોય તમને.

એક દિવસ અચાનક તમને નોકરીમાંથી રુખસદ મળે છે. બિઝનેસ પડી ભાંગે છે. કામ છીનવાઈ જાય છે. તમે લિટરલી ફૂટપાથ પર આવી જાઓ છો. તમને આપઘાત કરવાનું મન થાય છે, કારણ કે હવે જ્યારે તમારી રોજીરોટી(Support of life) જ છીનવાઈ ગઈ છે, તમારા અને તમારા કુટુંબના ભરણપોષણનું સાધન છીનવાઈ ગયું છે તો હવે જીવીને શું કામ છે એવો વિચાર તમને કોરી ખાય છે.

કીડીને કણ અને હાથીને મળ આપનારો ભગવાન

છતાં એ રાત જેમ તેમ પસાર થઈ જાય છે. બીજો દિવસ અને બીજી રાત પણ જેમ તેમ વીતી જાય છે. કીડીને કણ અને હાથીને મળ આપનારો ભગવાન વહેલું મોડું તમને પણ આપવાનો જ છે . તમને એક નવું કામ મળે છે. અગાઉના જેવું જ કે એના કરતાં સારું-ખરાબ એની પરવા નથી, પણ કામ તો મળે જ છે. જિંદગીમાં પહેલીવાર તમને પ્રતીતિ થાય છે કે અત્યાર સુધી તમે જેને અસ્તિત્વનો આધાર માનીને બેઠા રહ્યા એ વાસ્તવમાં પોકળ આશ્રવાસન હતું, તમારા મનનો માત્ર એક બહેલાવ હતો.

કામ જેવું જ વ્યક્તિઓની બાબતમાં પણ બને છે. મા વિના જીવી નહીં શકાય, બાપ વિના જીવી નહીં શકાય, પતિ ગુજરી ગયો તો નિરાધાર થઈ જવાશે, પત્ની વહેલી ગઈ તો મારી ટેકણલાકડી જતી રહેશે, દોસ્તો છે તો આપણે છીએ, પાડોશી ન હોત તો અમે ક્યાંયના ના હોત આવું બધું વિચારવું કે બોલવું બીજા પ્રત્યેની ઉષ્માભરી લાગણી વ્યક્ત કરવાના એક ભાગરૂપે બરાબર છે.

પણ એમાં ભારોભાર અતિશયોક્તિ છે અને એની ખાતરી ક્યારે થાય? જ્યારે આ જ મા, આ જ બાપ, આ જ પતિ, આ જ પત્ની કે દોસ્ત કે પાડોશીથી તમે કાયમ માટે વિખૂટા પડી જાઓ છો ત્યારે. ઘર બદલી નાખ્યું, શહેર કે દેશ છોડીને જતા રહ્યા અથવા તો સંબંધોમાં પૂર્ણવિરામ આવી ગયું અથવા તો છેક છેલ્લા તબક્કાની વાત બની ને એમનું મૃત્યુ થઈ ગયું.

સંબંધોમાં પૂર્ણવિરામ આવી જાય ત્યારે શું થાય? 

આમાંની કોઈ પણ એક પરિસ્થિતિ સર્જાઇ અને તમે કાયમ માટે વિખૂટા પડી ગયા એમનાથી પછી શું થયું!

પહેલાં ચોવીસ કલાક ખૂબ આકરા ગયા.

સ્મશાનેથી પાછા આવીને સંસાર આખો અસાર લાગવા માંડયો.

કોના માટે જીવવું, શા માટે જીવવું એવા સવાલો સતાવવા લાગ્યા.

બીજો દિવસ, ત્રીજો દિવસ. સમય વીતવા લાગ્યો. એક દિવસ એફ.એમ. પર પુરાની જીન્સ'નો કાર્યક્રમ સાંભળવાનું મન થયું. કાંટો સે ખીચ કે યે આંચલ... આજ મૈં ઉપર આસમા નીચે... આંગળીનાં ટેરવાંથી ડાઈનિંગ ટેબલ પર તબલાં વગાડવાનું મન થયું.

શોકગ્રસ્ત ઘરમાં, હજુ વરસી પણ વાળી નથી, ત્યાં આવું બધું ખરાબ લાગે. પણ છેવટે એક ને એક દિવસ એવો જરૂર આવતો હોય છે જ્યારે તમે ખરેખર જ કાંટાઓથી આંચલ ખેંચીને ડિસ્કોમાં મળસ્કાના ચાર વાગી ગયા હોવા છતાં પાર્ટી હજુ બાકી છે એવું ફીલ કરતા થઈ જાઓ છો. લિટરલી નહીં તો મેન્ટલી તો જરૂર.

જતી રહેલી વ્યક્તિ તમારા જીવનના આધાર સમી હતી અને હવે નથી.

છતાં તમારું જીવન ટકી રહ્યું છે એવો વિચાર આવતાં સૌ પ્રથમ તમને ગિલ્ટ ફિલિંગ થાય છે.

અત્યાર સુધી એમની સાથે દિવસરાત જીવ્યા પછી હવે તમે એમને ભૂલી ગયા, એમના વિના જીવતા થઈ ગયા. ગુનાહિત લાગણી થાય છે.

પણ વધુ વિચારતાં મનમાં નવો પ્રકાશ પ્રવેશે છે. જે છૂટી ગયું છે એના વિના પણ જીવવું એમાં કંઈ છૂટી જનાર વ્યક્તિનો (કે છૂટી જનાર નોકરી, ધંધા કે કામનો) અનાદર નથી. એ તબક્કે એના દ્વારા જે કંઈ પ્રાપ્ત થયું તે સર્વના ઋણી છીએ. કબૂલ પણ કરીએ છીએ કે એના વિનાની જિંદગી એવી નથી, જેવી એમની સાથે હતી.

ખોટ સાલે છે?

કદાચ હા. કદાચ ના.

પણ આ બેઉમાંના કોઈ પણ ઉત્તરનો અર્થ એવો નથી કે આપણે જીવવાનું છોડી દીધું છે.

આ પ્રાગટ્ય પછી સમજાય છે કે તે વખતનું પરિસ્થિતિવશ અવલંબન વખત જતાં ટેવવશ બની ગયું તે ખોટું થયું.

વીતેલાને વીતી જવા દઈને ભવિષ્યમાં તમે એકની એક ભૂલ ફરી વાર નહીં કરો એવો સંકલ્પ કરો છો.

તમારી રીતે જીવવાની સ્વતંત્રતા કોઈ છીનવી ન જાય એનો ખ્યાલ રાખો છો.

જિંદગી પોતાની શરતે જીવતાં શીખી જાઓ છો.

બાંધછોડ વિનાની જિંદગી

જે નીતિમૂલ્યો સિદ્ધાંતોમાં આસ્થા હોય તે વિશેનાં સમાધાનો વિનાની જિંદગી.

ભય, ડર અસલામતી જેવા શબ્દો ખુદ હવે શબ્દકોશમાંથી તમારી આત્મકથામાં પ્રવેશતા ડરે છે.

તમને બોધિજ્ઞાન પ્રાપ્ત થાય છે કે ધાર પર ચાલનારને વળી આધાર કેવો.

એના માટે તો આ પાર કે પેલે પાર.

પોતાની જાતને પ્રેમ કરનાર બીજાઓના સંકટોમાંથી પણ કંઈક આશ્રવાસન મેળવે છે.

પોતાને પડેલાં દુ:ખો બીજાઓને પણ પીડા આપી રહ્યાં છે એ જાણવાથી આપણા દુ:ખનો ડંખ હળવો બને છે.

અને આપણા જેવાં સુખ બીજાને નથી એ જાણવાથી આપણાં સુખ વધુ સુખપ્રદ લાગે છે.

Tags :
Advertisement

.

×