Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Latest News : મહેસાણાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર હિટ એન્ડ રન, 10 વર્ષીય બાળકીનું મોત

gujarat latest news   મહેસાણાના ખેરાલુ સતલાસણા હાઈવે પર હિટ એન્ડ રન  10 વર્ષીય બાળકીનું મોત
Advertisement

ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Advertisement

મહેસાણા: ખેરાલુ-સતલાસણા હાઈવે પર હિટ એન્ડ રન,10 વર્ષીય બાળકીનું મોત

June 3, 2026 11:21 pm

Advertisement

મહેસાણાના ખેરાલુ-સતલાસણા હાઈવે પર મહેકુબપુરા અને અરઠી વચ્ચે ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ ક્રોસ કરી રહેલી 10 વર્ષીય બાળકીને એક અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

મહેસાણામાં ગોઝારો અકસ્માત: માલગાડીની અડફેટે ૩ બાળકોના કરુણ મોત

June 3, 2026 11:13 pm

મહેસાણાના શોભાસણ નજીક રેલવે ટ્રેક ઓળંગતી વખતે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યા છે. સાંજના સમયે માલગાડીની અડફેટે આવતા ત્રણેય બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. મૃતક બાળકો શોભાસણ ગામના ઠાકોર વાસના રહેવાસી હતા, જેમાં ૧૫ વર્ષીય જીગ્નેશ હમીરજી ઠાકોર, ૧૬ વર્ષીય મૌલિકજી ફતેહસિંહ ઠાકોર અને ધોરણ ૯માં અભ્યાસ કરતા ૧૪ વર્ષીય યુવરાજ ઠાકોરનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જ્ઞાન સહાયક ભરતીમાં મોટો ફેરફાર: વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયામાં નવા નિયમો

June 3, 2026 10:43 pm

સરકારે જ્ઞાન સહાયક ભરતી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેતા પ્રાથમિક શાળાઓ માટેના ભરતીના નિયમોમાં સુધારો કર્યો છે. હવે જ્ઞાન સહાયક તરીકે જોડાવવા માટે વયમર્યાદા ૪૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં ટેટ (TET) પાસ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. નવા નિયમો મુજબ, ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ના ઉમેદવારોને આ ભરતીનો સીધો લાભ મળશે. પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે જિલ્લાવાર મેરિટના આધારે હાથ ધરવામાં આવશે અને ખાલી જગ્યાઓ ભરવા માટે નવી મેરિટ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ: ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત

June 3, 2026 10:25 pm

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના સુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર અને વઢવાણ સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. સાયલા, ધ્રાંગધ્રા, પાટડી અને ચોટીલા તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. સાયલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. આ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

ભાવનગરના નવા મેયરની વરણી થયા બાદ વિવાદ સર્જાયો

June 3, 2026 10:21 pm

ભાવનગરના નવા મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થયા બાદ વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના નગરસેવક કિશન મેરે આ મામલે મનપા કમિશનરને કાયદાકીય નોટિસ પાઠવી છે. નોટિસમાં ચૂંટણી પ્રક્રિયા એકતરફી અને પક્ષપાતભરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઉમેદવારી પત્રકમાં કોર્ટ દ્વારા થયેલી સજાની વિગતો છુપાવ્યાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે. સાથે જ, મેયરના ચાર સંતાનો હોવાના વિવાદ અંગે જન્મના આધાર અને સ્કૂલના પ્રમાણપત્રો જાહેર કરવા માંગ કરવામાં આવી છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે.

રાપર: જીરુંની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓની ધરપકડ સાથે રૂ. 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત

June 3, 2026 9:10 pm

કચ્છના રાપરના વજપેર ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી જીરુંની થયેલી ચોરીનો પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસે તપાસ દરમિયાન દિલીપ કોળી અને હિતેશ કોળીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 250 કિલો જીરું, રોકડા રૂ. 80,000 અને એક પલ્સર બાઈક મળી કુલ રૂ. 1.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વજપેર ગામના ગોડાઉનમાંથી 18 બોરી જીરું ચોરાયાની ફરિયાદ બાદ રાપર પોલીસની ટીમે આ સફળ કામગીરી કરી છે.

ગોધરામાં આજે સાંજે વાવાઝોડા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન

June 3, 2026 9:02 pm

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આજે સાંજે વાવાઝોડા સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. દિવસભરના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ પડેલા આ વરસાદને કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ હતી.

વડોદરા: કરજણની નર્મદા નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા

June 3, 2026 8:20 pm

વડોદરાના કરજણ તાલુકાના રણાપુર પાસે નર્મદા નદીમાં આજે દુઃખદ ઘટના સામે આવી છે. નદીમાં નહાવા પડેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો ડૂબી જતાં ભારે ચકચાર મચી ગઈ છે.ઘટનાની વિગતો મુજબ, મિત્રોનું એક ગ્રુપ નદીમાં નહાવા માટે આવ્યું હતું, તે દરમિયાન ત્રણ યુવકો પાણીના ઊંડાણ અને પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બૂમાબૂમ થતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે નદી કિનારે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ એક યુવકને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. હજુ પણ બે યુવકો નદીમાં લાપતા છે. બનાવની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લાપતા બંને યુવકોને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે.

ભચાઉ: પોલીસે રૂ. 3.03 કરોડથી વધુના વિદેશી દારૂનો રોડ રોલર ફેરવી નાશ કર્યો

June 3, 2026 8:10 pm

ભચાઉ પોલીસ દ્વારા પ્રોહિબિશનના વિવિધ ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભચાઉ કોર્ટની મંજૂરી બાદ, કરગરીયા મહાદેવ મંદિર નજીક ગણેશટીંબા વિસ્તારમાં આ મોટાપાયે નષ્ટિકરણની કાર્યવાહી કરવામાં આવી હતી.

પંચમહાલ: મોરવા હડફ પંથકમાં ભારે ધૂળિયું વાવાઝોડું

June 3, 2026 7:57 pm

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પંથકમાં આજે વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. દિવસભરની અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજ પડતાની સાથે જ વિસ્તારમાં ભારે ધૂળિયું વાવાઝોડું ત્રાટક્યું હતું.ભારે પવનના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવનની તીવ્રતાને કારણે પંથકનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. આ વાતાવરણને જોતા પંથકમાં હવે વરસાદના આગમન જેવો માહોલ સર્જાયો છે, જેનાથી કાળઝાળ ગરમીમાં રાહત મળવાની આશા છે.

પશ્ચિમ કચ્છ: પોલીસનું મોટું ઓપરેશન, 8 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

June 3, 2026 7:57 pm

પશ્ચિમ કચ્છ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો સામે લાલ આંખ કરી છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અભિયાન અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 48 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસના અંતે 8 વ્યક્તિઓ બાંગ્લાદેશી હોવાનું સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. હાલમાં આ તમામ શંકાસ્પદ લોકોના ઓળખપત્રો અને દસ્તાવેજોની કાયદેસરની ચકાસણી કરવામાં આવી રહી છે. સરહદી જિલ્લા હોવાથી પશ્ચિમ કચ્છમાં પોલીસ દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે અને ઘૂસણખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કેદારનાથ: જામકંડોરણાના મહિલા યાત્રીની તબિયત લથડતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મદદથી બચાવ કામગીરી

June 3, 2026 7:55 pm

કેદારનાથ યાત્રાએ ગયેલા રાજકોટના જામકંડોરણાના એક યાત્રી જૂથના મહિલા યાત્રીની અચાનક તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ આ બાબતની ગંભીરતા સમજીને ત્વરિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા અને મહિલા યાત્રી માટે મદદ માંગી હતી. કેન્દ્રીય મંત્રીના હસ્તક્ષેપ બાદ તંત્ર તરત જ સક્રિય થયું હતું. કેદારનાથમાં તબીબોની એક ટીમે મહિલા યાત્રીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ, તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ હેલિકોપ્ટર દ્વારા મહિલાને હેમખેમ નીચે ઉતારી સારવાર પૂરી પાડવામાં આવી હતી. સમયસર મળેલી મદદને કારણે મહિલા યાત્રીનો જીવ બચી ગયો હતો.

જસદણ: ભંડારીયામાં કરા સાથે ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

June 3, 2026 7:55 pm

જસદણના ભંડારીયા ગામમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ સાંજના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદની સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી ગ્રામજનોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી.

રાજકોટ: વાતાવરણમાં પલટો, ઠંડા પવન સાથે વરસાદી છાંટા પડતા ગરમીમાંથી રાહત

June 3, 2026 7:51 pm

રાજકોટના વાતાવરણમાં આજે સાંજના સમયે અચાનક પલટો આવ્યો હતો. સાંજે અંદાજે 07:20 વાગ્યાના સુમારે શહેરમાં ઠંડા પવનો ફૂંકાવવાની શરૂઆત થઈ હતી, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલી કાળઝાળ ગરમી અને બફારામાંથી શહેરીજનોને મોટી રાહત મળી હતી. ઠંડા પવનની સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અચાનક આવેલા આ મોસમી ફેરફારથી રાજકોટવાસીઓને ગરમીમાં ઠંડકની અનુભૂતિ થઈ હતી.

આરોપી તથ્ય પટેલની જામીન પર મુક્તિ

June 3, 2026 7:09 pm

જુલાઈ 2023માં અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગંભીર અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. અંદાજે 2 વર્ષ 10 મહિના (આશરે 34 મહિના) જેલમાં રહ્યા બાદ તેની જેલમાંથી મુક્તિ થઈ છે.સુપ્રીમ કોર્ટે આ કેસમાં તથ્ય પટેલને જામીન આપવા માટે ₹1 કરોડની રકમ જમા કરાવવાની શરત રાખી હતી. નોંધનીય છે કે, જુલાઈ 2023માં ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારથી તે જેલવાસ ભોગવી રહ્યો હતો.

સરથાણામાં નશામાં ધૂત કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા

June 3, 2026 6:48 pm

સુરતના સરથાણા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં કાર ચલાવતા એક ચાલકે બે બાઈકને જોરદાર ટક્કર મારતા કુલ 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, કાર ચાલકે બેકાબૂ બનીને વાહનોને ટક્કર મારતા સ્થળ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકચાલકો અને અન્ય રાહદારીઓ સહિત 5 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. બનાવની જાણ થતા જ સરથાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલમાં ઈજાગ્રસ્તો અને અકસ્માત સર્જનાર કાર ચાલકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરગાસણના શ્રીપદ આયંશ ફ્લેટમાં ભીષણ આગ

June 3, 2026 6:21 pm

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલા શ્રીપદ આયંશ ફ્લેટમાં આજે આગ લાગવાની ઘટના સામે આવી છે. ફ્લેટના 13મા માળે અચાનક આગ ભભૂકી ઉઠતા રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વધુ વિગતોની પ્રતીક્ષા છે.

બે બાળકોના મોતથી અરેરાટી, સમગ્ર પંથકમાં શોકનો માહોલ

June 3, 2026 5:54 pm

નવસારી નજીકના ધારાગીરી ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઘર પાસે પાર્ક કરેલી બંધ ગાડીમાં રમતા બે માસૂમ બાળકોના મોત થયા છે.મળતી માહિતી મુજબ, કૈરવ જોગી (ઉંમર ૪ વર્ષ) અને અભિમન્યુ જોગી (ઉંમર 3 વર્ષ) નામના બંને બાળકો ઘરની નજીક આવેલી ગાડીમાં રમવા ગયા હતા. ગાડી બંધ હોવાથી અને અંદર ગરમીનું પ્રમાણ વધી જતાં બંને બાળકો અંદર જ બેભાન થઈ ગયા હતા. એક મહિલાએ બાળકોને ગાડીમાં બેભાન હાલતમાં જોતા તરત જ ગ્રામજનોને જાણ કરી હતી.ગ્રામજનોએ તાત્કાલિક બંને બાળકોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તપાસીને બંનેને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બાળકોના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

મહિલા શિક્ષિકાનો અર્ધ નગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

June 3, 2026 5:51 pm

ધોળકાના કેલિયા વાસણા ગામ પાસે આવેલી નર્મદા કેનાલના પાળા પરથી એક મહિલાનો અર્ધ નગ્ન અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક મહિલા બદરખા ગામના વતની હતા અને તેઓ ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. મૃતદેહ મળ્યાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતદેહ સળગેલી હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ આ ઘટના હત્યા છે કે આત્મહત્યા, તે દિશામાં સઘન તપાસ કરી રહી છે.

ગુજરાતમાં મેઘા ઓપરેશન: 6200 લોકોની તપાસ, 362 બાંગ્લાદેશીઓ ઝડપાયા, ગૃહમંત્રીએ આપી માહિતી

June 3, 2026 5:37 pm

ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી (Harsh Sanghavi) એ જણાવ્યું કે ગુજરાતમાંથી એક-એક બાંગ્લાદેશી ઘૂસણખોરને બહાર કઢાશે. અત્યાર સુધી 6200 શંકાસ્પદોની તપાસમાં 362 બાંગ્લાદેશી (Bangladeshi) ઝડપાયા છે, જ્યારે રેલવે-બસ સ્ટેશને નાકાબંધી દરમિયાન ભાગતા 18 ઘૂસણખોરો પકડાયા છે. હાલ કોઈ રાજકીય કનેક્શન મળ્યું નથી, પરંતુ ઘૂસણખોરોને આશરો આપનારા સામે પણ કડક ગુનો નોંધી કાર્યવાહી કરાશે.

13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

June 3, 2026 5:31 pm

અરવલ્લી જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા એસઓજી (SOG) અને એલસીબી (LCB) ની સંયુક્ત ટીમો દ્વારા મોડાસા ટાઉન સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.આ ઓપરેશન માટે પોલીસે 6 અલગ-અલગ ટીમો બનાવી હતી. કાર્યવાહી દરમિયાન 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ તમામ લોકોના જરૂરી આધાર-પુરાવા અને દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ઘૂસણખોરોને પકડવા માટે જિલ્લા પોલીસની આ કામગીરી સક્રિય બની છે.

જેતપુર: વેપારીઓને ફસાવતી હની-ટ્રેપ ગેંગનો પર્દાફાશ

June 3, 2026 5:24 pm

જેતપુર શહેરમાં ઉદ્યોગપતિઓ અને કારખાનેદારોને ટાર્ગેટ કરી હની-ટ્રેપમાં ફસાવતી એક સક્રિય ગેંગનો જેતપુર સીટી પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગની મુખ્ય મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ જામનગરના કાલાવડની વતની હોવાનું ખૂલ્યું છે.તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ સોશિયલ મીડિયા અને ગૂગલ પરથી સંપર્ક નંબર મેળવીને વેપારીઓને પોતાની જાળમાં ફસાવતી હતી. ખાસ કરીને પૈસાદાર આધેડોને મળવાના બહાને બોલાવી, બાદમાં તેમને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવતી હતી. જેતપુર પોલીસે આ આખી ઓર્ગેનાઈઝ્ડ ગેંગનો પર્દાફાશ કરી અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓને જેલહવાલે કર્યા છે.પોલીસે આ ગેંગનો ભોગ બનેલા અન્ય વેપારીઓને પણ નિર્ભય બનીને સામે આવવા અને ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાબરકાંઠા: પોશીના પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ

June 3, 2026 5:24 pm

સાબરકાંઠા જિલ્લાના પોશીના વિસ્તારમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાની આકસ્મિક એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.પોશીના ઉપરાંત દેલવાડા, આંબા મહુડા, ગણેર અને છોછર સહિતના આસપાસના ગામડાઓમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન સરહદી વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે પોશીનાના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા, જેને પગલે રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે પોલીસનું મોટું ઓપરેશન

June 3, 2026 5:12 pm

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા તમામ જિલ્લાના પોલીસ વડાઓ (SP) સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યની સુરક્ષા સ્થિતિની સઘન સમીક્ષા કરવામાં આવી હતી, જેના પગલે હવે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની સૂચનાઓને પગલે રાજ્યભરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે પોલીસે વ્યાપક ઓપરેશન શરૂ કર્યું છે. વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઘૂસણખોરોને ઝડપી પાડી કાયદાકીય કાર્યવાહી કરવાનો છે. આગામી સમયમાં આ કાર્યવાહી વધુ તેજ બનવાની શક્યતા છે.

સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો, 3 ઝડપાયા

June 3, 2026 4:55 pm

જામ ખંભાળિયામાં એરફોર્સ કન્સ્ટ્રક્શન સાઇટ પરથી થયેલી 15 લાખના લોખંડના સળિયાની ચોરીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ ચોરીમાં સંડોવાયેલા કંપનીમાં જ કામ કરતા ત્રણ પરપ્રાંતિય મજૂરોને પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીઓએ ચોરી માટે એક અનોખી રીત અપનાવી હતી; તેઓએ ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાસ 'ચોરખાનું' બનાવી તેમાં લોખંડના સળિયા છુપાવીને હેરાફેરી કરતા હતા. જામ ખંભાળિયા પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી કુવાડિયા ગામ નજીકના એક ગોડાઉન પર દરોડા પાડી ત્રણેય આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે ઘટનાસ્થળેથી 25,000 કિલો લોખંડના સળિયા, ટ્રેક્ટર-ટ્રોલી અને મોબાઈલ ફોન સહિત કુલ 20.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુ નામ ધારણ કરી પ્રેમજાળમાં ફસાવનાર ઉત્તર પ્રદેશના યુવકની ધરપકડ

June 3, 2026 4:51 pm

ખેડા જિલ્લાના કઠલાલ ગામમાંથી 'લવ જેહાદ'નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કઠલાલ વિસ્તારમાં રહેતી એક પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર નાઝીમ અન્સારી નામના યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને છેલ્લા બે વર્ષથી કઠલાલમાં પંચરની દુકાન ચલાવતો નાઝીમ અન્સારી પોતાનું નામ બદલીને હિન્દુ તરીકે ઓળખ આપતો હતો. આ યુવકે પરિણીતાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સમગ્ર મામલો સામે આવતા કઠલાલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બંનેને શોધી કાઢ્યા છે અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ: ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂક કરવા સાધુ-સંતોની માંગ

June 3, 2026 4:51 pm

જૂનાગઢના પ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં ફરી એકવાર મહંતની નિમણૂક કરવા માટેની માંગ ઉઠી છે. છેલ્લા એક વર્ષથી મંદિરનું સંચાલન સરકાર હસ્તક છે, ત્યારે મંદિર પરિસરના અમરગીરી બાપુએ વીડિયો વાયરલ કરી સરકાર અને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે.પૂર્વ મહંત હરીગીરી બાપુની મુદત પૂર્ણ થયા બાદ સર્જાયેલા વિવાદો અને તેમની ફરી નિમણૂક ન થાય તે માટેના સંતોના વિરોધ બાદ, સરકારે મંદિરમાં વહીવટદારની નિમણૂક કરી હતી. હવે પરંપરા મુજબ ગુરુ-શિષ્યની પરંપરાને ધ્યાનમાં રાખીને નવા મહંતની નિમણૂક કરવાની માંગ પ્રબળ બની છે. વીડિયોમાં અમરગીરી બાપુએ પોતે ભાજપના હોદ્દેદાર અને કાર્યકર હોવાનું જણાવીને વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે. લાંબા સમયથી મંદિરનું સંચાલન વહીવટદાર હસ્તક હોવાથી સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિક રાજકારણ અને ધાર્મિક વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

રાજકોટમાં બાગેશ્વર ધામ સરકારનો દરબાર

June 3, 2026 4:51 pm

રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે, જેમાં તેઓ વિશેષ હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્વે ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા ફેલાવવાના થઈ રહેલા આક્ષેપો અંગે નીરજ મહારાજે વળતો જવાબ આપ્યો છે.નીરજ મહારાજે આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "જે લોકોનું કોઈ અસ્તિત્વ નથી અથવા જેમને કોઈ ઓળખતું નથી, તેઓ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રીને બદનામ કરી રહ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, હજારોની સંખ્યામાં લોકો તેમના દરબારમાં જોડાય છે, જે તેમની પ્રત્યેની અડગ શ્રદ્ધા દર્શાવે છે અને આ લોકોની શ્રદ્ધા જ તેમના કાર્યનો સૌથી મોટો પુરાવો છે.આગામી કાર્યક્રમ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અંધશ્રદ્ધાના વિવાદો વચ્ચે પણ ભક્તોમાં કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જામનગર: 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ

June 3, 2026 4:49 pm

જામનગરમાં એક 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર સગીરાના પાડોશમાં રહેતા 23 વર્ષીય શબ્બીર અબ્બાસ મહુર નામના શખ્સે આ કૃત્ય આચર્યું હતું. પરિવારે હિંમત દાખવીને તાત્કાલિક જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ મથકમાં નરાધમ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મળતા જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શબ્બીરને દબોચી લીધો છે. હાલમાં, આ કેસમાં કડકમાં કડક સજા અપાવવા માટે પોલીસે વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.

અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મોટી કાર્યવાહી

June 3, 2026 4:26 pm

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરનાર 14 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો હોવા છતાં, ચૂંટણી ટાણે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેનારા ઉમેદવારો સામે આ કડક પગલાં લેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોમાં કાશિદ્રા, સિંગરવા, કાયલા, પીપળી, કરથલ અને બદરખાના વિસ્તારના ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પક્ષ દ્વારા ધોળકા નગરપાલિકાના પણ 4 ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેન્ડેટ મળ્યા બાદ ઉમેદવારી પાછી ખેંચી પક્ષને મધદરિયે મૂકી દેનારા આ કાર્યકર્તાઓ સામેની આ કાર્યવાહીથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન

June 3, 2026 3:58 pm

ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી 8 થી 14 જૂન 2026 દરમિયાન 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવામાં આવશે. 'વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' 12 વર્ષ વિષય પર આધારિત આ સંમેલનોનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો છે.આ કાર્યક્રમોમાં પ્રભારી મંત્રીઓ, સાંસદો, પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સંમેલનમાં સાહિત્ય, કલા, સંસ્કૃતિ, શિક્ષણ, કૃષિ અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાશે. આ આયોજન દ્વારા લોકકલ્યાણની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન તથા જનભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને બનનારી જિલ્લાકક્ષાની સમિતિ આ કાર્યક્રમોનું આયોજન કરશે. આયોજન મુજબ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બે-બે જ્યારે અન્ય જિલ્લાઓમાં એક-એક સંમેલન યોજાશે. આ મંચ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની નેમ છે.

રાજ્યમાં પ્રિમોન્સૂન કામગીરીને લઈને હાઈલેવલ બેઠક યોજાઈ

June 3, 2026 3:39 pm

ગુજરાતમાં આગામી ચોમાસાની તૈયારીઓના ભાગરૂપે પ્રિમોન્સૂન કામગીરી અંગે એક મહત્વપૂર્ણ હાઈલેવલ બેઠક યોજાઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં DGP સહિત સરકારના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં રાજ્યમાં પ્રિમોન્સૂન કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં NDRF, SDRF, હવામાન વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ ઉપરાંત આર્મી અને વિવિધ સુરક્ષા દળોના અધિકારીઓ પણ જોડાયા હતા. બેઠક દરમિયાન ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ વિભાગો વચ્ચે આંતરિક સંકલન વધારવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

સુરત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0

June 3, 2026 3:34 pm

સુરત પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે, છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા આ અભિયાન હેઠળ 57 ફરિયાદોમાં અત્યાર સુધીમાં 61 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ લોન અપાવવાના બહાને લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી તેની બેંક કિટ લઈ લેતા હતા. આ પ્રકારના 'મ્યુલ એકાઉન્ટ'નો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહાર માટે થતો હતો. કમિશનરે વધુમાં જણાવ્યું કે, 15 જેટલા એકાઉન્ટ હોલ્ડરોને તો પોતાના નામે એકાઉન્ટ હોવાની જાણ પણ નહોતી.આ એકાઉન્ટ્સમાં કુલ 23 કરોડ જેટલી માતબર રકમ જમા કરાવી તેને વિદેશમાં મોકલી દેવામાં આવતી હતી. પોલીસ હવે બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. તમામ આરોપીઓ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે

June 3, 2026 3:02 pm

08 થી 14 જૂન 2026 દરમિયાન જિલ્લા મથકોએ થશે સંમેલનો. બાર વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના વિષય પર થશે વિશેષ ચર્ચા. વડાપ્રધાનના વિકસિત ભારત સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ, પ્રભારી મંત્રી સાંસદ અને ખાસ વક્તાઓ રહેશે મુખ્ય મહેમાન. પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો રહેશે ઉપસ્થિત. રાજ્યના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને જનભાગીદારી પર રહેશે ભાર લોક કલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ. યુનિવર્સિટીઓ એસોસિએશનો રમતગમત અને સામાજિક સંસ્થાઓનો મળશે સહયોગ. શ્રેષ્ઠ શિક્ષકો શ્રેષ્ઠ ખેડૂતો અને રમતગમત ક્ષેત્રના સિદ્ધહસ્તો પણ જોડાશે. સાહિત્ય કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓની રહેશે હાજરી. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિ કરશે આયોજન. અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં બે બે સંમેલનો યોજાશે. અન્ય જિલ્લાઓમાં એક એક સંમેલનનું આયોજન કરવામાં આવશે. ગુજરાતભરમાં વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ. બાર વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના સંદેશ સાથે રાજ્યવ્યાપી અભિયાન શરૂ થશે.

એસટી બસની ટક્કરે એકનું મોત

June 3, 2026 2:52 pm

મહેસાણાની મોઢેરા ચોકડી પાસે એસ.ટી. બસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત થયું છે અને નવા બસ સ્ટેન્ડ નજીક એસ.ટી. બસે અકસ્માત સર્જ્યો હતો. બસના ડ્રાઈવરે પૂરઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારી આ અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકના પુત્ર મહમદ બિલાલ બીડીવાલાએ બસ ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. બેફામ રીતે એસટી બસ ચલાવી અકસ્માત થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.

પુત્રની નજર સામે જ પિતાનું મોત, કાળ બની દોડી એસટી બસ

June 3, 2026 2:52 pm

Mehsana ની મોઢેરા ચોકડી પાસે એસટી બસની ટક્કરે એકનું મોત થયું છે. પિતા અને પુત્ર જઈ રહ્યાં હતા એકટિવા લઈને તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. તો સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બસના ડ્રાઈવરે ગફલતભરી રીતે બસ હંકારીને અકસ્માત સર્જયો હતો. તો મૃતકના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધી છે.

આણંદ શહેરમાં વધુ એક ડમ્પરનો કહેર

June 3, 2026 2:17 pm

ભાલેજ રોડ પર એક ડમ્પરે એક ને કચળ્યો, ઘટનામાં એક વ્યક્તિ ને પહોંચી જીવલેણ ઇજા, શહેરમાં બેફામ ચાલતા ડમ્પર ને કારણે એક મહિનામાં આ બીજો બનાવ. અગાવ 100ફૂટ રોડ ઉપર ડપ્પરે મહિલાને કચળી નાખતા મહિલાએ જીવ ગયો હતો. ફરી ડમ્પરે યુવક ને કચડ્યો. ઈજાગ્રસ્ત યુવક ને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો. હોસ્પિટલ પહોંચતા યુવક નુ સારવાર દરમ્યાન મોત.

આણંદમાં LCB અને SOG પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું

June 3, 2026 1:50 pm

આણંદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે LCB અને SOG પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હંટ' અંતર્ગત એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોડી રાત્રે અચાનક દરોડા પાડીને પોલીસે 60 જેટલા શંકાસ્પદ ઘૂસણખોરોને ઝડપી લીધા હતા. ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો અને જિલ્લામાં ગેરકાયદેસર રીતે રહેતા તત્વોને ડામવા માટે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પકડાયેલા તમામ વ્યક્તિઓના દસ્તાવેજોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસની આ આક્રમક કામગીરીમાં3 જેટલા શકમંદો પર વિશેષ શંકા હોવાથી તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેણે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.

કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતો પહોંચ્યા સચિવાલય

June 3, 2026 1:50 pm

કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અને મુશ્કેલીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતા. ખેડૂતોનો મુખ્ય આક્રોશ બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે થતી ખરીદીમાં સરકારે નક્કી કરેલી મર્યાદા સામે છે, જેમાં બાજરી માટે 2000 કિલો, જુવાર માટે 1000 કિલો અને મકાઈ માટે 1500 કિલોની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. આ મર્યાદાને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને તેઓ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને મળીને આ મર્યાદામાં વધારો કરવા તથા ખરીદી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે રજૂઆત કરશે.

દસક્રોઇ તાલુકામાં રેશન દુકાનના સંચાલકોના રાજીનામા

June 3, 2026 1:50 pm

દસક્રોઈ તાલુકાના રેશનિંગના વેપારીઓમાં તંત્રની નીતિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે તાલુકાની 69 રેશન દુકાનોના સંચાલકોએ સામૂહિક રાજીનામા ધરી દેતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રેશન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અંબાલાલ ચૌધરીના નેતૃત્વમાં એકઠા થયેલા સંચાલકોએ પુરવઠા મામલતદારને રાજીનામા પત્ર સોંપીને પુરવઠા વિભાગની કામગીરી સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રેશન સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે, દુકાનોમાં મળતા અનાજના જથ્થામાં અવારનવાર ઘટ જોવા મળે છે અને પુરવઠો પણ અનિયમિત રહે છે. આ ઉપરાંત, ખૂબ જ ઓછું કમિશન મળતું હોવા છતાં તેની ચુકવણીમાં પણ વિલંબ થાય છે, જ્યારે બીજી તરફ વિભાગ દ્વારા એડવાન્સમાં ચલણના રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવે છે. પોતાની વિવિધ પડતર ફરિયાદોનો નિકાલ ન આવતા અંતે સંચાલકોએ આકરો નિર્ણય લઈને સામૂહિક રાજીનામા આપ્યા છે, જેથી આગામી સમયમાં રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

160 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અંગે પૂછપરછ ચાલુ

June 3, 2026 12:27 pm

અટક કરાયેલ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોમાં મોટાભાગની મહિલા કે યુવતીઓનો સમાવેશ થાય છે. તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા પુરુષો છૂટક મજૂરી અને યુવતીઓ- મહિલાઓ દેહ વ્યાપારનાં ધંધામાં હતા. તો આગામી દિવસોમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપવાનો આંકડો વધે એવી શક્યતા છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પાસેથી બનાવટી ભારતીય નાગરિકતાનાં પુરાવા મળ્યા છે. અને ગેરકાયદેસર રહેતાં બાંગ્લાદેશી કલકત્તા આંગડિયા પેઢી મારફતે પૈસા મોકલ્યા હોવાની હકિકત સામે આવી છે. 300 થી વધુ રાઉન્ડ અપ કરેલા બાંગ્લાદેશીઓના દસ્તાવેજ તપાસવામાં આવી રહ્યા છે અને કેટલાક એજન્ટો પણ ધ્યાને આવ્યા છે, જેમની સામે કાર્યવાહી થશે.

સમગ્ર ગુજરાતમાં ચાલશે ઓપરેશન ડેલ્ટા હંટ

June 3, 2026 12:27 pm

અમદાવાદ પોલીસે નરોડા, દાણીલીમડા, વટવા, વટવા જીઆઈડીસી, જુહાપુરા વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા છે. તો 300થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે અને તેમાં 166 લોકો ગેરકાયદે અમદાવાદમાં વસવાટ કરતા હોવાની વાત છે, અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, બાળકો, મહિલાઓ અને પુરુષોને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં 150 લોકોની પૂછપરછ પોલીસ કરી રહી છે. તો ઝડપાયેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓમાં એવી પણ વાત સામે આવી છે કે તેઓ ખોટા ડોકયુમેન્ટનો ઉપયોગ કરી ગુજરાતમાં રહેણાંક પુરાવા પણ ઉભા કર્યા છે. અહીયા કમાયેલા રૂપિયા બાંગ્લાદેશમાં કેવી રીતે મોકલે છે અને કયાં એજન્ટો મારફતે આ લોકો ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ કરે છે તેને લઈ તપાસ ચાલી રહી છે, અમદાવાદ પોલીસે અગાઉ 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા હતા. અગાઉ 465 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનરે આપી માહિતી

June 3, 2026 12:26 pm

સમગ્ર ઘટનામાં આ ઓપરેશનની વાત કરીએ તો ગઈકાલે રાત્રે 8 વાગે આ ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી અને અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ પહોંચી હતી. અમદાવાદ એસઓજી, ઈકોનોમિક ઓફેન્સ ઓફ ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઓપરેશન પાર પાડયું છે. તો પોલીસે 25 કરતા વધુ ટીમો બનાવી હતી અને આ ઓપરેન પાર પાડયું છે, આગામી દિવસોમાં પણ આ ઓપરેશન યથાવત રહેશે અને ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ગુજરાતભરમાંથી પોલીસ શોધીને તેમના દેશમાં ડિપોર્ટ કરશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઓપરેશન ડેલ્ટાનો પોલીસને આપ્યો છે આદેશ

June 3, 2026 12:26 pm

તો મહત્વની વાત એ છે કે, ઓપરેશન ડેલ્ટા સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા લોકોને ઝડપી પાડવામાં આવશે અને આ ઓપરેશન લાંબુ ચાલશે તેવી વાત સામે આવી છે, મહત્વનું છે કે, ગુજરાતના અલગ-અલગ જિલ્લાની પોલીસ દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ 30 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાથી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

અમદાવાદના ઘાટલોડિયામાં આકાંક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર

June 3, 2026 11:38 am

400 જેટલા લોકોને ઝાડા ઉલટી થયા હોવાની વાત, છેલ્લા ૩ દિવસથી દૂષિત પાણીની હતી ફરિયાદ. AMC ની મોબાઈલ મેડિકલ વાન પણ સોસાયટીમાં પહોચી. 2 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

અમદાવાદના ઘાટલોડિયામાં આકાંક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર

June 3, 2026 11:38 am

400 જેટલા લોકોને ઝાડા ઉલટી થયા હોવાની વાત, છેલ્લા ૩ દિવસથી દૂષિત પાણીની હતી ફરિયાદ. AMC ની મોબાઈલ મેડિકલ વાન પણ સોસાયટીમાં પહોચી. 2 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

Bhavnagar માં ખુલ્લેઆમ યુવાન પર છરીથી હુમલો કરાયો, મોતીતળાવ વિસ્તારમાં બની ઘટના

June 3, 2026 11:37 am

ભાવનગરમાં ફરી વાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, ત્યારે બોરતળાવ વિસ્તારમાં યુવાન પર છરીથી હુમલો કરી 4 શખ્સ ફરાર થયા છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે આરોપી જલ્દીથી પકડાય તેવી પરિજનોની માગ છે. રૂપિયાની લેવડ-દેવડમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 4 શખ્સો ફરિયાદીને મળવાના બહાને ભેગા થયા અને ત્યારબાદ તેમની પર હુમલો કરવામાં આવ્યો છે. રૂપિયા 5 હજારની લેવડદેવડ મામલે 4 શખ્સે 32 વર્ષીય અજય ચૌહાણને માર માર્યો હોવાના ઈજાગ્રસ્ત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં પશુ ચોર ગેંગનો ભારે આતંક

June 3, 2026 11:04 am

વલ્લભીપુર તાલુકામાં પશુ ચોરો સક્રિય. ભાલ પંથકમાં પશુ ચોરીથી લોકોમાં ફફડાટ. 15 દિવસમાં 50થી વધુ પશુઓની ચોરી. લાખોની કિંમતના પશુઓની થઈ ચોરી. માલધારીઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા. મામલતદાર અને પોલીસ સ્ટેશને રજૂઆત. રજૂઆત કરવા ગયેલા લોકો પર PI ઉકળ્યા. PI ભલગરીયાએ બેજવાબદાર વલણ દાખવ્યું. 'ચોર આવે ત્યારે ફોન કરજો' કહી કાઢી મૂક્યા. PIના નિવેદનથી માલધારીઓમાં ભારે રોષ. 70થી વધુ લોકોને બહાર બેસાડી રાખ્યાનો આક્ષેપ. 'પોલીસને માત્ર દારૂ-જુગારના કેસમાં રસ'.

કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો મળ્યો છે લાભ

June 3, 2026 10:38 am

કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર)ના વધારાના હપ્તાને 01.01.2026થી મંજૂરી આપી પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભાવ વધારા સામે વળતર આપવા માટે, બેઝિક પે/પેન્શનના 58% ના હાલના દર પર 2% નો વધારો કરાયો છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું (ડીએ) અને પેન્શનરોને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો 01.01.2026 થી જાહેર કરવાની મંજૂરી આપી છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક 6791.24 કરોડ રૂપિયા થશે. આનાથી લગભગ 50.46 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.27 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા મુજબ છે, જે 7 મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

નાણાં વિભાગ દ્વારા જાહેર થયો પરિપત્ર

June 3, 2026 10:38 am

સરકારના નિર્ણય મુજબ, કર્મચારીઓને મળવાપાત્ર બાકી રહેલા મોંઘવારી ભથ્થાં તેમજ એરિયર્સની રકમ પણ તબક્કાવાર રીતે ચૂકવવામાં આવશે. લાંબા સમયથી ભથ્થાં અને એરિયર્સની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે આ નિર્ણય ખુશખબર સમાન છે અને નાણાં વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી. પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ ઉપરાંત અનુદાનિત તથા બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.

ગુજરાત સરકારની મોટી ભેટ, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરાયો, નાણા વિભાગે આપી મંજૂરી

June 3, 2026 10:37 am

ગુજરાત સરકારે બાકી રહેલા કર્મચારીઓ માટે પણ જાહેર કર્યું મોંઘવારી ભથ્થું જેમાં પાંચમા પગાર પંચ હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે, કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાં તથા એરિયર્સની રકમ તબક્કાવાર ચૂકવાશે અને નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયો પરિપત્ર. જેમાં રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને લાભ મળશે. પાંચમા પગાર પંચ હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાંચમા પગાર પંચ હેઠળ આવતા રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાં તથા એરિયર્સની રકમ તબક્કાવાર ચૂકવાશે જેમાં રાજ્ય સરકારના પંચાયત કર્મચારીઓ, સ્થાનિક સંસ્થાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના પાત્ર કર્મચારીઓને લાભ મળશે.

વલસાડમાં ડમ્પરની અડફેટે એકનું મોત

June 3, 2026 10:06 am

વલસાડ તાલુકાના અતુલ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48 પર મંગળવારે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. મુંબઈ તરફ જઈ રહેલા એક અજાણ્યા ડમ્પર ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો છે.

બે દિવસ અગાઉ માંગરોળમાં દંપતીનું ડમ્પરની અડફેટે મોત

June 3, 2026 10:06 am

સુરતનું એક દંપતી કોસંબા-માંગરોળ સ્ટેટ હાઈવે પર વેલાછા ગામ નજીક ડમ્પરની અડફેટે આવી ગયું હતું. આ અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પત્નીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. તો બેફામ દોડતા ડમ્પરને લઈ લોકોમાં પણ ભારે રોષ છે, ત્યારે પોલીસ કેમ આવા બેફામ દોડતા ડમ્પરને જોઈ રહી છે પણ કાર્યવાહી કરી નથી રહી.

કાળમુખી ડમ્પરની અડફેટે ભાઠેનામાં મહિલાનું મોત, અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થતા ચાલક થયો ફરાર

June 3, 2026 10:05 am

સુરતના ભાઠેનામાં ડમ્પરનો જીવલેણ કહેર સામે આવ્યો છે જેમાં મહિલા ટુ વ્હીલર લઈને જઈ રહી હતી તે દરમિયાન બેફામ દોડતા ડમ્પરે મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલાનું સ્થળ પર જ મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર ડમ્પરના ચાલકની શોધખોળ આદરી હતી. ગુજરાતમાં બેફામ દોડતા ડમ્પરની અડફેટે અત્યાર સુધી ઘણા લોકોના મોત થયા છે, ત્યારે સુરતમાં વધુ એક ડમ્પરના ચાલકે અકસ્માત સર્જયો છે જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. કાળમુખા ડમ્પરે મોપેડ સવાર મહિલાને કચડી નાખતા લોકોના ટોળા ઉમટયા હતા. ભાઠેના ચીમની ટેકરા પાસે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. અકસ્માત સર્જી બેફામ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થયો છે અને ઘટનાને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઉધના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

સુરતમાં ઓપરેશન મ્યૂલ હંટ અંગર્ગત મોટી કાર્યવાહી

June 3, 2026 9:50 am

બેંક એકાઉન્ટ ભાડે આપનાર ટોળકીના 3 આરોપી ઝડપ્યા. પાર્થ વિરોજા, હાર્દિક રાછડિયા, હિરેન સોરઠિયાની ધરપકડ. સાયબર ફ્રોડના નાણાં લેવા એકાઉન્ટ ભાડે આપ્યું હતું. 1 જાન્યુઆરીએ ખાતામાં લાખો રૂપિયા જમા થયા હતા સાયબર ફ્રોડને લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 131 બાંગ્લાદેશીની અટકાય કરી

June 3, 2026 9:20 am

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે શરૂ થયેલી આ કડક કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારોમાં પોલીસે તપાસ હાથધરી હતી અને ચેકિંગ કર્યુ હતુ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા આ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન અંતર્ગત કસ્ટડીમાં લેવાયેલા તમામ 100 શંકાસ્પદ લોકોને તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવવામાં આવ્યા છે. અહીં તેમની ઓળખ અને નાગરિકતાની ખાતરી કરવા માટે તેમના રહેઠાણના પુરાવા અને ઓળખપત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. જે લોકો પાસે સત્તાવાર ભારતીય નાગરિકતાના માન્ય દસ્તાવેજો નહીં મળી આવે, તેમની સામે કાયદાકીય કલમો હેઠળ કડક ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat Police ની ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક, ઠેરઠેર સર્ચ ઓપરેશન

June 3, 2026 9:20 am

ગુજરાતમાં ગેરકાયદે રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ એકશનમાં આવી છે, મહાનગરોમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે, તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે અને કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. જેમાં 131 બાંગ્લાદેશીઓની અલગ-અલગ વિસ્તારમાંથી અટકાયત કરીને તેમને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. જેમાં 291 લોકોની અટકાયત કરી હતી જેમાંથી 131 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાની વાત સામે આવી છે. તો અન્ય 160 બાંગ્લાદેશીઓની હાલમાં પૂછપરછ ચાલુ છે, તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને વધુ માહિતી આપી શકે છે.

અગરબતીમાં વપરાતા કેમિકલનો ઉપયોગ થયો છે : ઇન્ચાર્જ SP

June 3, 2026 8:57 am

આ સમગ્ર મામેલ જૂનાગઢના ઇન્ચાર્જ એસપી રોહિત ડગરએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતા જ પોલીસે રાતથી જ તપાસ શરુ કરી દીધી છે, અને કેટલાક ઈસમોને પોલીસ મથકે લાવીને પૂછતાછ કરતા એક ઇસમે એવી કબૂલાત આપી છે કે, પૈસાની લાલચમાં અગરબતીમાં વપરાતું ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ નામનું કેમિકલમાં પાણી મિક્ષ કરીને વેચાણ કરવામાં આવતું હતું. જેમાં એક વ્યક્તિના મોતની વાત આવે છે, તેનું મોત ખરેખર હાર્ટએટેકથી થયું છે કે અન્ય રીતે થયું છે તેને લઈ પોલીસને રીપોર્ટ પણ મળ્યો છે. તો અહીના સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે માળીયામાં અલગ-અલગ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે અને પોલીસ કંઈ ઘટના બને પછી દોડતી થાય છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા.

માળીયાના પાણીધ્રામાં ઝેરી કેમિકલ યુકત પદાર્થનું સેવન કરતા એકનું મોત, 4 લોકોની હાલત ગંભીર થતા સારવાર હેઠળ

June 3, 2026 8:57 am

Junagadh : માળીયાના પાણીધ્રામાં ગઈકાલે ઝેરી કેમિકલ યુવક પદાર્થનું સેવન કરતા એક મહિલા સહિત 4 લોકોને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થયું છે તો અન્ય લોકોની હાલત નાજુક હોવાની વાત સામે આવી છે. પોલીસ દ્વારા બનાવ સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને ઝેરી પદાર્થ જપ્ત કરી તેને FSLમાં મોકલવામાં આવ્યો છે. તો પોલીસની પ્રાથમિક તપાસમાં અગરબત્તીનું ઝેરી કેમિકલ દેશી દારૂમાં ભેળવી વેચાણ કર્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

અમદાવાદના નિકોલમાં મહિલાએ યુવતી પાસે ખંડણી માગી

June 3, 2026 8:38 am

ફરિયાદી યુવતીનાં મિત્રની પત્નીએ આડા સંબધ રાખવાની શંકાએ ધમકી આપી. યુવતી પાસે રૂ.3 લાખની ખંડણી માંગી પતિ અને યુવતીનાં ફોટા સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યાં. ફરિયાદી યુવતીને બદનામ કરવાના ઇરાદા મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ.

હવામાન વિભાગની ચેતવણી છતાં વેપારીઓની નિષ્કાળજી આવી સામે

June 3, 2026 8:20 am

બનાસકાંઠાના ગત મોડી રાત્રે વરસેલા વરસાદમાં ડીસા માર્કેટયાર્ડમાં ફરી બોરીઓ પલળી ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રિના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ગઈકાલે પણ ડીસા માર્કેટયાર્ડમાં બોરી પલળી હતી. આગાહીને અવગણી માલ સુરક્ષિત ન રાખતા વેપારીઓને અને ખેડૂતોને નુકસાન થયું છે. બોરીઓ પલળતાં ખેડૂતોના માલની ગુણવત્તા પર પણ પડી અસર. હવામાન વિભાગની ચેતવણી છતાં વેપારીઓની નિષ્કાળજી સામે આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં 9 તાલુકામાં વરસાદ

June 3, 2026 8:17 am

પાટણના સમીમાં અડધો ઇંચ વરસાદ, અન્ય 8 તાલુકામાં સામાન્ય વરસાદ. હજુ બે દિવસ વરસાદનું જોર રહેશે યથાવત. પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી.

અમદાવાદના પાલડીમાં રિક્ષા લોનના હપ્તાના નામે ઠગાઇ

June 3, 2026 8:16 am

ફરિયાદી ડ્રાઈવર સાથે ₹.2.42 લાખની ઠગાઇ. ઠગાઇ મામલે પાલડી પોલીસ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ. આરોપી નવીનચંદ્ર ચાવડાએ ખોટો વેચાણ કરાર બનાવી, હપ્તાની વિગતો છુપાવી અને લોન પર લીધેલ રિક્ષાનાં હપ્તાની વિગતો છૂપાવી હતી

03 અને 04 જૂને આ જિલ્લામાં વરસાદની આગાહી

June 3, 2026 8:14 am

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે, આવતીકાલે 4 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છ સહિતના જિલ્લાઓમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

June 3, 2026 8:14 am

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 જૂન દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, આગામી 24 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 4 ડિગ્રીનો ક્રમશ: ઘટાડો થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રીજનમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે, જેમાં અમદાવાદ અને સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે.

Gujarat Weather : આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉ કાસ્ટ એલર્ટ, આ જિલ્લાઓમાં વરસી શકે વરસાદ

June 3, 2026 8:12 am

ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ બની રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉ કાસ્ટ એલર્ટ જાહેર કર્યુ છે જેમાં આગામી ત્રણ કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે જેમાં કચ્છ, બનાસકાંઠા, વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી તો દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે અને આજે સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનું અનુમાન છે.

2 જૂન 2026 ના રોજ આ તાલુકાઓમાં નોંધાયો વરસાદ

June 3, 2026 7:51 am

નડિયાદમાં 1.46 ઇંચ, વાલોદમાં 1.22 ઇંચ, હાંસોટમાં 1.18 ઇંચ, વઘાઈમાં 1.18 ઇંચ, ભરૂચમાં 1.14 ઇંચ, માણસામાં 1.14 ઇંચ, દસાડામાં 1.14 ઇંચ, વ્યારામાં 1.14 ઇંચ, ઉમરેઠમાં 1.10 ઇંચ, મહુધામાં 1.10 ઇંચ, તલોદમાં 1.10 ઇંચ, ચિખલીમાં 1.06 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અમદાવાદના ધંધૂકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. ધંધૂકામાં 3.74 ઇંચ, ઉમરપાડામાં 2.76 ઇંચ, ખેડામાં 1.73 ઇંચ, માતરમાં 1.57 ઇંચ, લખતરમાં 1.57 ઇંચ, ચુ઼ડામાં 1.54 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ડીસામાં માર્કેટિંગ યાર્ડમાં પલળી જણસી

June 3, 2026 7:51 am

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં ગત મોડી રાત્રે અચાનક પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદના કારણે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ગણાતા ડીસા માર્કેટિંગ યાર્ડમાં ભારે અંધાધૂંધી મચી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર દ્વારા યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને અગાઉથી જ ખેડૂતોનો માલ સુરક્ષિત શેડ નીચે અથવા તાળપત્રીથી ઢાંકીને રાખવા સખત સૂચના આપવામાં આવી હતી.

Banaskantha માં અડધી રાત્રે ગાજવીજ સાથે વરસાદ, બાજરી-મગફળીના પાકને નુકસાનની ભીતિ!

June 3, 2026 7:51 am

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ રહ્યો હતો અને મોડીરાત્રે વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદ વરસવાના કારણે ખેતરમાં રહેલ તૈયાર પાક પર પાણી ફરી વળ્યું હતુ તો ખેતરોમાં પાણી પણ ભરાયા હતા. ડીસા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

બાંગ્લાદેશીઓને લઈ ગુજરાત પોલીસની મેગા ડ્રાઈવ!

June 3, 2026 7:20 am

રાજકોટ શહેર પોલીસે 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. આધારકાર્ડ , પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ કરી છે, રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. કુલ કેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ તેની વિગત પોલીસ ગૃહ વિભાગને સોંપશે અને આ મામલે વધુ વિગતો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે જણાવી શકે છે, ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પોલીસ આ મામલે ડ્રાઈવ કરી રહી છે અને ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી શકે છે અને તેમના દેશમાં મોકલી તેમને ડિપોર્ટ કરી શકે છે.

ગુજરાતમાં પહેલા પણ બાંગ્લાદેશીઓ ઝડપાયા

June 3, 2026 7:20 am

ગુજરાત પોલીસનું અલગ-અલગ જિલ્લામાં બાંગ્લાદેશીના ગેરકાયદેસર વસવાટને લઈ ઓપરશેન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન વધુ મજબૂત બનશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે, ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી ટીમ ખાસ આ પ્રકારની મુહિમ ચલાવી રહી છે, બાંગ્લાદેશની બોર્ડરથી ગુજરાતમાં એજન્ટો મારફતે રૂપિયા આપી પ્રવેશ કરતા હોય છે અને ગુજરાતમાં નોકરી કરતા હોય છે. ત્યારે રાજકોટ,ભાવનગર,અમદાવાદ,સુરત એસઓજી આ મામલે સખત કાર્યવાહી કરી છે અને આગામી દિવસોમાં હજી ઘણા બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી તેમના દેશમાં ડિપોર્ટ કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

June 3, 2026 6:50 am

સવારે 9.30 કલાકે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાશે મહત્વની બેઠક. PM મોદીના આગામી ગુજરાત કાર્યક્રમોને લઈ થશે સમીક્ષા. PM મોદીના 12 વર્ષના શાસનના ઉપલક્ષમાં કાર્યક્રમો અંગે ચર્ચા. ચોમાસાના આગમન પહેલા વિભાગોની તૈયારીઓનું લેવાશે સ્ટેટસ. ગુજરાતમાં ઈંધણના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે થશે મંથન. શાળા પ્રવેશોત્સવ અને કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો પર ચર્ચા.

પંચમહાલ ગોધરાના લીલેસરા પાસે આવેલ જેટકોના સબ સ્ટેશનમાં લાગી આગ

June 3, 2026 6:50 am

આગને લઈને સબ સ્ટેશનની પેનલ થઈ ક્ષતિગ્રસ્ત, પેનલ ક્ષતિગ્રસ્ત થતા ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થયો, આગ પર કાબુ મેળવાયો પરંતુ પેનલ ને પૂર્વવત કરતા લાગી શકે છે સમય. આગની ઘટનાને તેમજ ગરમીમાં વિજ પુરવઠો ખોરવાતા લોકટોળા સબ સ્ટેશન ખાતે એકત્ર થયા.

અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર કાકરી ડુંગરી નજીક ગમખ્વાર અકસ્માત

June 3, 2026 6:49 am

લાકડા ભરેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ગયું. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત. હાઈવે પર 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, ટ્રાફિક જામ દરમિયાન દાભડા ગામે બે વ્યક્તિઓને ટ્રકે કચડ્યા. 45 વર્ષીય જયંતીભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ કરુણ મોત. અન્ય એક વ્યક્તિ અભેસિંગ ચૌહાણને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા. સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે, ટ્રાફિક હટાવવાની કામગીરી તેજ પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

બનાસકાંઠામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત

June 3, 2026 6:49 am

ગત મોડી રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદ. ડીસા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અડધી રાત્રે વરસ્યો વરસાદ. અનેક ખેડૂતોના ખેતરોમાં લણણી કરેલી બાજરી અને મગફળીનો પાક પડ્યો છે. વરસાદથી બાજરી અને મગફળીના પાકમાં નુકસાન.

રાજકોટ પોલીસનું મોડી રાત્રે ઓપરેશન

June 3, 2026 6:48 am

શહેર પોલીસે 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી. આધારકાર્ડ , પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટ્સની ચકાસણી શરૂ. જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની મોટી કાર્યવાહી. કુલ કેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ ? તેની વિગત પોલીસ ગૃહ વિભાગને સોંપશે. વધુ વિગતો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે જણાવી શકે છે.

This Live Blog has Ended
Advertisement

.

×