Gujarat Latest News : ગાંધીધામ: લૂંટ અને તોડફોડ કેસનો પર્દાફાશ, 10 શખ્સોની ધરપકડ
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
બોટાદ: અધિકારીઓની જાસૂસી કરી ખનિજ માફિયાઓને લોકેશન મોકલતા 7 શખ્સો સામે ગુનો
July 15, 2026 11:42 pm
બોટાદમાં ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓના લોકેશન અને વાહનોની હિલચાલની વોટ્સએપ દ્વારા રેકી કરી ખનિજ ચોરોને મદદ કરતા 7 શખ્સો સામે પાળીયાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી અધિકારીઓના ફોટા અને લોકેશન શેર કરતા હતા. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોધરાની ફરિયાદના આધારે પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી: ખાંભા તાલુકામાં યુવકની હત્યા, પ્રેમસંબંધમાં હુમલો કર્યાનો આક્ષેપ
July 15, 2026 11:16 pm
અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળાથી નાની ધારી વચ્ચેના સીમ વિસ્તારમાં જયરાજ ઉર્ફે લાલા ધાખડા નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતક બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ કાર વડે ટક્કર મારી તેને નીચે પાડી, તલવાર અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના પ્રેમસંબંધના કારણે બની હોવાનું સામે આવ્યું છે. આ મામલે મયુર વરૂ અને અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વર: નેશનલ હાઈવે પર અકસ્માતમાં આફ્રિકન યુવાનનું કરુણ મોત
July 15, 2026 10:53 pm
અંકલેશ્વર નેશનલ હાઈવે પર એક હોટલ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આફ્રિકન યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝા: ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત મસાલાનું પ્રથમ કન્ટેનર યુકે રવાના
July 15, 2026 10:33 pm
ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના અમલ સાથે એશિયાના સૌથી મોટા મસાલા બજાર ઊંઝાથી મસાલાનું પ્રથમ કન્ટેનર યુકે રવાના કરવામાં આવ્યું છે. સ્પાઈસીસ બોર્ડના ચેરપર્સન સંગીતા વિશ્વનાથને એશિયન સ્પાઈસીસ કંપની ખાતેથી લીલી ઝંડી આપીને આ કન્ટેનરને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરીને તૈયાર કરાયેલા આ કન્ટેનરમાં જીરું, વરિયાળી અને ધાણા મોકલવામાં આવ્યા છે. આ નવા કરારથી ભારતીય નિકાસને મોટો વેગ મળશે, જેને લઈને ખેડૂતો અને સ્થાનિક વેપારીઓમાં ભારે ખુશીનો માહોલ છે.
અમદાવાદ: સરસપુર સ્વામિનારાયણ મંદિરે રથયાત્રા નિમિત્તે ભવ્ય ભંડારો
July 15, 2026 10:30 pm
અમદાવાદમાં રથયાત્રાના પવિત્ર અવસરે સરસપુર સ્વામિનારાયણ મંદિરે ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. બાપુનગર ભાજપ દ્વારા આયોજિત આ ભંડારો છેલ્લા 24 વર્ષથી પરંપરાગત રીતે યોજાઈ રહ્યો છે. ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહા સહિતના આગેવાનોએ સેવા આપી હતી, અને રાત્રિ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાત લેશે.
સુરત: દિલ્હીમાં એર કનેક્ટિવિટી અંગે મહત્વની બેઠક, બંધ ફ્લાઈટ્સ શરૂ થવાની આશા
July 15, 2026 9:35 pm
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડૂ વચ્ચે નવી દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરતની એર કનેક્ટિવિટી મજબૂત કરવા અને સુરતથી નવા શહેરો માટે વધુ ફ્લાઈટ્સ શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં બંધ કરાયેલી ફ્લાઈટ્સના મુદ્દે કેન્દ્રીય મંત્રીએ આગામી વિન્ટર સીઝનમાં તેને ફરી શરૂ કરવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી છે. આ બેઠકમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
ગાંધીધામ: લૂંટ અને તોડફોડ કેસનો પર્દાફાશ, 10 શખ્સોની ધરપકડ
July 15, 2026 9:03 pm
ગાંધીધામના ગણેશનગરમાં 11 જુલાઈના રોજ હથિયારો સાથે કરવામાં આવેલી લૂંટ અને તોડફોડની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. LCB અને બી-ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને એક સગીર સહિત કુલ 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મોરબીના શખ્સોનો પણ સમાવેશ થાય છે, જેમાંથી ઘણાનો ગુનાહિત ઇતિહાસ છે. પોલીસ હાલ લૂંટાયેલી રોકડ અને વાહન શોધવા માટે તપાસ કરી રહી છે.
દાહોદ: ઝાલોદ બસ સ્ટેશન પાસે વકીલ પર જીવલેણ હુમલો
July 15, 2026 8:56 pm
દાહોદના ઝાલોદ બસ સ્ટેશન પાસે ત્રણ ઈસમોએ વકીલ પર જીવલેણ હુમલો કર્યો હતો. વકીલની પત્નીએ વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વકીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે નીતિન વસૈયા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હુમલાને લઈને સ્થાનિક વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દ્વારકા: જમીન વિવાદમાં ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ
July 15, 2026 7:34 pm
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે જમીન બાબતની માથાકૂટમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ડેમ પાસે આવેલી વિવાદિત જમીનના કબજા મામલે થયેલા આ વિવાદમાં લાંબા ગામના દેવસી ચેતરીયા નામના વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં નાવદ્રા ગામના લખમણ કરમૂરના પગમાં ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ બાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર: 'રોબોફેસ્ટ ગુજરાત 6.0'નું લોન્ચિંગ, ડ્રોન યુનિવર્સિટીની સ્થાપના થશે
July 15, 2026 5:30 pm
ગાંધીનગર ખાતે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે 'રોબોફેસ્ટ ગુજરાત 6.0'નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને ઇનોવેશનને વેગ આપવાનો છે. આ સાથે જ ગુજરાતમાં ડ્રોન લેબોરેટરી નેટવર્ક ઊભું કરવામાં આવશે અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી (RRU) ખાતે ડ્રોન યુનિવર્સિટી શરૂ કરવા માટે રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે કરાર (MOU) કરવામાં આવ્યા છે.
અમદાવાદ-ઉદયપુર હાઈવે પરથી પિસ્તોલ અને કારતૂસ સાથે શખ્સ ઝડપાયો
July 15, 2026 5:30 pm
અમદાવાદ-ઉદયપુર હાઈવે પર આવેલ શામળાજી નજીક વાંટડા ટોલ પાસે મોડાસા રૂરલ પોલીસ અને એસઓજીની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. રથયાત્રા પૂર્વે મળેલી બાતમીના આધારે પોલીસે એક ક્રેટા કારમાંથી અંકલેશ્વરના સાજીદ કુરેશી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોરબંદર: 11 માસના બાળકનું અપહરણ કરનાર ટોળકી ઝડપાઈ, બાળક સુરક્ષિત
July 15, 2026 5:30 pm
પોરબંદરમાં 11 મહિનાના બાળકનું અપહરણ કરનાર ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી છે. ભીખ મંગાવવાના ઈરાદે આ અપહરણ કરવામાં આવ્યું હતું. માતાની ફરિયાદ મળતા જ પોલીસે સમગ્ર જિલ્લામાં કડક નાકાબંધી કરી હતી અને એસટી બસનો ફિલ્મી ઢબે પીછો કરીને માંગરોળ નજીકથી ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે બાળકને હેમખેમ છોડાવી તેની માતાના હવાલે કર્યું છે. આરોપીઓ સામે અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ગોંડલ: શિવભક્તિમાં લીન વૃદ્ધનું કૂવામાં પડતા કરુણ મોત
July 15, 2026 5:19 pm
ગોંડલમાં 65 વર્ષીય શિવભક્ત કાબાભાઈ ઉમરેટિયાનું કૂવામાં પડી જતાં મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક પૂજા પૂર્ણ કરીને વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસતા તેઓ કૂવામાં પડ્યા હતા. આ દુર્ઘટનાના થોડા સમય પહેલા જ તેઓ શિવભક્તિમાં લીન થઈને નાચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ: સિંહના હુમલામાં મૃતક બાળકનો પરિવારને 10 લાખની સહાય; વન વિભાગ એલર્ટ
July 15, 2026 5:05 pm
ગિરનાર વિસ્તારમાં સિંહના શિકારનો ભોગ બનેલા બાળક મયુરસિંહના પરિવારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. આ દુઃખદ ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી હતી.
પોરબંદર: 11 માસના બાળકનું અપહરણ કરનાર ટોળકી ઝડપાઈ, બાળક સુરક્ષિત
July 15, 2026 5:05 pm
પોરબંદરમાં 11 મહિનાના બાળકનું અપહરણ કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ભીખ મંગાવવાના ઈરાદે આ અપહરણ કરવામાં આવ્યું હતું. માતાની ફરિયાદ મળતા જ પોલીસે જિલ્લાભરમાં કડક નાકાબંધી કરી હતી. પોરબંદર અને વેરાવળ ક્રાઈમ બ્રાંચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માંગરોળ નજીક એસટી બસનો પીછો કરીને બાળકને હેમખેમ છોડાવ્યું હતું. અપહરણ કરાયેલા બાળકને પોલીસે તેની માતાના હવાલે કરી દીધું છે, જ્યારે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા: VIP રોડ પર હિટ એન્ડ રન, 3 બાઈક સવાર ઘાયલ
July 15, 2026 4:46 pm
વડોદરાના VIP રોડ પર કાર ચાલકે બેફામ ગતિએ આવી બાઈકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં 3 બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો છે. કારમાં નંબર પ્લેટ ન હોવાથી અને કાચ પર બ્લેક ફિલ્મ હોવાથી વાહનચાલકની ઓળખ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાલ પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરી રહી છે.
અમદાવાદ: કોંગ્રેસ નેતાઓએ ભગવાન જગન્નાથના દર્શન કરી રથ પૂજન કર્યું
July 15, 2026 4:18 pm
અમદાવાદમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ ભગવાનની આરતી અને પૂજાનો લાભ લીધો હતો અને ત્યારબાદ રથ પૂજન પણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વધુમાં, તેમણે રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં હોવાનો ઉલ્લેખ કરી, ખેડૂતોની સમસ્યાઓનું નિરાકરણ આવે અને રાજ્યમાં સારો વરસાદ થાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી.
મહેસાણા: ખેરવા લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો
July 15, 2026 3:44 pm
મહેસાણાના ખેરવા ગામમાં 1.5 લાખ રોકડ અને 10 તોલા સોનાની લૂંટની ફરિયાદ કરનાર રમેશ પટેલ જ આરોપી હોવાનું બહાર આવ્યું છે. આર્થિક ભીંસના કારણે તેમણે પોતાના દીકરા-વહુના દાગીના વેચી માર્યા હતા. દીકરા-વહુ વિદેશથી પરત આવવાના હોવાથી પોતે કરેલા વેચાણનો ભાંડો ન ફૂટે તે માટે ફરિયાદીએ લૂંટનું ખોટું નાટક રચ્યું હતું. પોલીસની પૂછપરછમાં સત્ય સામે આવતા આ કથિત લૂંટનો પર્દાફાશ થયો છે.
મોરબીમાં વીજ લાઈન મુદ્દે સરકાર-ખેડૂતો વચ્ચે ફરી તણાવ વધ્યો
July 15, 2026 3:35 pm
મોરબીના વાંકાનેરમાં વીજ લાઈન મુદ્દે સરકાર અને ખેડૂતો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. મામલતદાર કચેરી ખાતે આયોજિત બેઠકમાં કલેક્ટર અને અન્ય જવાબદાર અધિકારીઓ ગેરહાજર રહેતા ખેડૂતો ઉગ્ર બન્યા હતા. તંત્રની બેદરકારીથી રોષે ભરાયેલા ખેડૂતોએ 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવી બેઠકનો બહિષ્કાર કર્યો હતો અને અધિકારીઓ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે
July 15, 2026 3:25 pm
રથયાત્રામાં અનિશ્ચનિય ઘટનાને રોકવા માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રામાં ગજરાજ ભડકે નહીં અને બેકાબૂ ન થાય તેની માટે ખાસ દેશની પ્રથમ ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી અને ડ્રોન દ્વારા રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવશે.
રથયાત્રા માટે અમદાવાદમાં 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત, સરસપુરમાં 1500 કિલો મોહનથાળ તૈયાર
July 15, 2026 3:24 pm
અમદાવાદમાં 149મી રથયાત્રા માટે 30,000થી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે. રથયાત્રામાં ગજરાજ બેકાબુ ન થાય તેની માટે ગજરક્ષક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. સરસપુરમાં ભગવાન અને ભક્તોના જમણવાર માટે રસોડા ધમધમવા લાગ્યા.
21 એકમોને નોટિસ આપવામાં આવી
July 15, 2026 3:04 pm
ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા દૂષિત પાણી અને હવામાં ફેલાતા ઝેરી વાયુઓ અંગે અનેક ફરિયાદો મળ્યા બાદ GPCB એ આ ‘ઓપરેશન’ હાથ ધર્યું હતું. સ્થાનિક સ્તરે પ્રદૂષણની સમસ્યા ઘટાડવા માટે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. ઉદ્યોગપતિઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, આર્થિક વિકાસ જરૂરી છે, પરંતુ પર્યાવરણના ભોગે કોઈપણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. GPCB ની આ કાર્યવાહીથી જામનગરના જાગૃત નાગરિકોમાં રાહતની લાગણી પ્રસરી છે. પ્રદૂષણ મુક્ત જામનગર બનાવવાના હેતુથી લેવાયેલા આ પગલાં આગામી સમયમાં અન્ય ઉદ્યોગો માટે પણ એક ચેતવણી સમાન છે. નિયમોનું પાલન અને પર્યાવરણની જાળવણી એ દરેક ઔદ્યોગિક એકમની નૈતિક અને કાયદાકીય ફરજ છે.
રાત્રિના ચેકિંગ દરમિયાન કાર્યવાહી
July 15, 2026 3:04 pm
આ તપાસ દરમિયાન બે ઔદ્યોગિક એકમો એવા મળી આવ્યા હતા, જે પ્રદૂષણ નિયંત્રણ માટેના નિયત ધોરણોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ એકમો સામે બોર્ડ દ્વારા કડક પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને આ અંગેનો વિસ્તૃત અહેવાલ ગાંધીનગર સ્થિત વડી કચેરીને મોકલી આપવામાં આવ્યો છે. GPCB ના આ અભિયાનને છેલ્લા ત્રણ મહિનાના આંકડાઓ પરથી સમજી શકાય છે. પર્યાવરણ સુરક્ષાને પ્રાથમિકતા આપતા બોર્ડ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં પ્રદૂષણ ફેલાવતા 21 જેટલા એકમોને કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 10 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન આપી નિયમો સુધારવા તાકીદ કરવામાં આવી છે, જ્યારે 13 જેટલા એકમોને તાત્કાલિક અસરથી બંધ કરવાના (ક્લોઝર) હુકમો પાઠવી દેવામાં આવ્યા છે.
Jamnagar માં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર GPCBનો સપાટો, છેલ્લા 3 મહિનામાં 21 એકમોને નોટિસ આપી 13 એકમ સીલ કર્યા
July 15, 2026 3:03 pm
Jamnagar માં વધતા જતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા અત્યંત આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. તાજેતરમાં બોર્ડની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા રાત્રિ ચેકિંગ ઓપરેશન દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવતા ઉદ્યોગ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે. Jamnagar શહેરના શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર અને વિવિધ GIDC વિસ્તારોમાં GPCB દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને ચેલા-ચંગા રોડ પર આવેલા ઇલેક્ટ્રોપ્લેટીંગ અને અન્ય રસાયણિક પ્રક્રિયાઓ કરતા ઔદ્યોગિક એકમો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
અમદાવાદના મેઘાણીનગરનો પોક્સો કેસ
July 15, 2026 2:46 pm
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીના પડોશમાં જ રહેતા એક વૃદ્ધ દ્વારા આ પ્રકારનું કૃતિ આચરવામાં આવ્યું હતું. અગાઉ પણ આરોપી દ્વારા બાળકોને બોલાવીને શારીરિક અડપલાં પ્રકારના કૃત્યો કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ પોલીસ માટે એક મોટો પડકાર હતો, કારણ કે તે સમયે રથયાત્રાનો મોટો બંદોબસ્ત અને ત્યારબાદ શનિ-રવિની રજાઓ હતી. બાળકીનું અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું. આરોપી અને ભોગ બનનારના બ્લડ સેમ્પલ તથા DNA માટેના નમૂના લઈ તાત્કાલિક એફ.એસ.એલ. કચેરીમાં મોકલી આપવામાં આવ્યા. FSL અધિકારી હાજરીમાં ઘટના સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી ઉપરાંત 30 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા અને આખા કિસ્સાને આરોપી સામે મજબૂત પુરાવા પ્રસ્થાપિત થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા.
100 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી
July 15, 2026 2:46 pm
પોક્સો એક્ટ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 74 વર્ષના વૃદ્ધ આરોપીએ બાળકી જ્યારે રમતી હતી ત્યારે રમવાના બહાને બોલાવીને તેનું શોષણ કર્યું હતુ. બાળકી એ પોતાની ફોઇનેને તેની સાથે બનેલી ઘટના અંગે જણાવ્યું ત્યારે ભાંડો ફૂટ્યો હતો. જે બાદ અડપલાં કરનાર 74 વર્ષીય નંદલાલ ઉર્ફે નંદુભાઈ મગનભાઈ આસવાણી સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની જાણ થતા જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની ટીમ માત્ર ૪ મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીને વિશ્વાસમાં લઈને તેની પૂછપરછ કરી અને તુરંત જ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેના આધારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી અને 100 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.
Ahmedabad : માત્ર 100 કલાકમાં પોલીસે ચાર્જશીટ કરી ફાઈલ, મેઘાણીનગરની માસૂમ બાળકીને ન્યાય
July 15, 2026 2:45 pm
મેઘાણીનગર વિસ્તારમાં ચાર વર્ષની નાની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર આરોપી સામે માત્ર 100 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. એક તરફ જ્યાં અમદાવાદ શહેરમાં રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ પણ પાછલા કેટલાક દિવસોથી સતત રથયાત્રા અને VIP મુવમેન્ટના બંદોબસ્તની વ્યસ્તતા વચ્ચે પણ કેસની ગંભીરતાને જોતા ટૂંકા સમયમાં આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરી છે. જેથી ઝડપથી ટ્રાયલ પૂર્ણ થાય અને આરોપીને કડક સજા મળે. 10 જુલાઈ ના રોજ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણી અને શારીરિક અડપલાંની ફરિયાદ નોંધાઈ હતી.
વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
July 15, 2026 2:22 pm
02 - Surat News: સુરતનું કામરેજ બન્યું નકલી વસ્તુઓનું હબ, વધુ એક નકલી ઘીનું કારખાનું ઝડપાયું
સુરતના ખાડીપુરના નિવારણ માટે સરકાર એક્શનમાં
July 15, 2026 2:03 pm
શહેરી વિકાસ વિભાગની ટીમે સુરતની લીધી મુલાકાત, ગઇકાલે ટીમે સુરતમાં તબક્કાવાર બેઠકો કરી. ખાડીની પાણી વહન ક્ષમતા કેવી રીતે વધી શકે તે મુદ્દે ચર્ચા, સુરતમાં ખાડીપુર ન સર્જાય તે માટે આયોજન કરાયું છે. પૂરની સ્થિતિ ન ઉભી થાય તે માટે કોંક્રિટ કામ કરવા આદેશ, દબાણોને હટાવવા માટે પણ સૂચના અપાઇ, ખાડી રિ-ડેવલપમેન્ટ માટે સરકારે 500 કરોડની જાહેરાત કરી છે.
સુરતમાં ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ ને નુકસાની થઈ હશે તેવા એકમો માટે મહત્વની જાહેરાત
July 15, 2026 1:33 pm
આ તમામ એકમોને સુરત મનપાના વેરામાંથી મુક્તિ અપાશે. કલેકટર અને મનપા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાશે. વરસાદ ઓછો પડ્યો ત્યાં મુખ્યમંત્રીનો નિર્ણય. વરસાદ ઓછો પડ્યો છે ત્યાં પશુધન માટે ઘાસચારાની કોઈ તકલીફ ન પડે તે માટે કલેકટરને સતા અપાઈ. કલેકટર પશુધન માટે ઘાસચારાનો નિર્ણય કલેકટર દ્વારા લેવાશે.
સુરત પુર નુકસાની અંગે નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
July 15, 2026 1:32 pm
લારી કે રેકડી માટે 7500 રૂપિયા સહાય અને 40 ફૂટની દુકાન હોય તો રૂપિયા 25 હજારની સહાય, 40 ફૂટથી વધુની દુકાન હોય તો 50 હજાર રૂપિયાની સહાય અપાશે, અને પાકી દુકાનદારોને 1 લાખની સહાય. GST સહાય ભર્યું હશે તેમને 1 લાખ સહાય અપાશે. પાકી દુકાનદારોને લોન આપશે.લોન માટે 7ના દરે વ્યાજ સહાય અપાશે. રોકડ સહાય કે વ્યાજ સહાય પૈકી કોઈ એકની પસંદગી કરવાની રહેશે. 5,8, અને 10 લાખ સુધીની વ્યાજ સહાય રાજ્ય સરકાર આપશે. કલેકટર માર્ગદર્શન હેઠળ 48 કલાકમાં ફોર્મ સ્વીકારવામાં આવશે, જ્યાં જ્યાં વરસાદના કારણે કોમર્શિયલ વિસ્તારમાં નુકસાની થઈ હશે ત્યાં રાહત પેકેજ લાગુ પડશે.
નાયબ મુખ્યમંત્રીનું સુરત રાહત પેકેજ અંગે નિવેદન
July 15, 2026 1:29 pm
સુરત શહેરમાં કપરા સમયે રાજ્યની સરકાર પ્રજાની પડખે છે. અચાનક વરસાદના કારણે વેપારીઓને નુકસાની થઈ છે. રાજ્ય સરકાર મદદરૂપ બને તેવો અમારો આશ્રય છે. ડિટેલ સરવેના આધારે કેબિનેટ બેઠકમા નિર્ણય લેવાયો છે, 19 હજારથી વધુ નાગરિકોને કેશડોલ અને ઘર વકરી ચૂકવાઈ છે. ઘરમાં પાણી ભરાયા હોય તેમને પણ સહાય અપાઇ છે.
વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધવાનો નિર્ધાર
July 15, 2026 12:53 pm
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અન્ય પદાધિકારીઓની શુભેચ્છાઓનો સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ગુજરાત હંમેશા રાષ્ટ્રહિતની ભાવના સાથે આગળ વધતું રહેશે." તેમણે રાજ્યના દરેક નાગરિકની સેવા માટે પોતાની જાતને સમર્પિત કરવાનો સંકલ્પ ફરી દોહરાવ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની આ ઉજવણી માત્ર એક વ્યક્તિગત પ્રસંગ નથી, પરંતુ ગુજરાતની વિકાસની ગતિ અને જનસેવાની નેમનું પ્રતીક છે. રાજ્યના ખૂણે-ખૂણેથી મળી રહેલી શુભેચ્છાઓ તેમના સફળ નેતૃત્વ અને સૌમ્ય સ્વભાવની સાબિતી પૂરી પાડે છે. સમગ્ર ગુજરાત આજે તેમના નેતૃત્વ હેઠળ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના લક્ષ્ય તરફ અગ્રેસર છે.
આધ્યાત્મિકતા અને આસ્થાનું સંગમ
July 15, 2026 12:53 pm
રાજકારણના વ્યસ્ત જીવનની વચ્ચે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ હંમેશા આધ્યાત્મિક આસ્થા સાથે જોડાયેલા રહે છે. પોતાના જન્મદિવસની શરૂઆત તેમણે સોમનાથ મહાદેવના વર્ચ્યુઅલ દર્શન કરીને કરી હતી. તેમણે વિશેષ રજિસ્ટ્રેશન કરાવીને ભગવાન સોમનાથના રુદ્રાભિષેક અને વિશેષ મહાપૂજામાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. આ ઉપરાંત, સચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ સહિત વિવિધ ધાર્મિક સંતોએ પણ તેમને દીર્ઘાયુષ્ય અને જનકલ્યાણના કાર્યોમાં વધુ સફળતા મળે તેવી આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી છે.
Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો 64મો જન્મદિવસ, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પાઠવી શુભકામનાઓ
July 15, 2026 12:53 pm
Gujarat ના લોકપ્રિય અને મૃદુ-મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે 64 મો જન્મદિવસ છે. એક સામાન્ય કાર્યકરથી લઈને મુખ્યમંત્રી પદ સુધીની તેમની સફર નિષ્ઠા, સાદગી અને જનસેવાના મૂલ્યોથી ભરેલી રહી છે. આજે જન્મદિવસના આ ખાસ દિવસે તેમને દેશભરમાંથી શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરતા તેમને 'લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મોખરે રહેનાર નેતા' ગણાવ્યા છે. આ પ્રતિભાવ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનનો આભાર માનતા જણાવ્યું હતું કે, "આપના આશીર્વાદ અને માર્ગદર્શન મારા માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે. વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણપણે કટિબદ્ધ છે." તેવી જ રીતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ તેમને દીર્ઘાયુની કામના સાથે ગુજરાતની વિકાસયાત્રામાં તેમના સરાહનીય યોગદાનને બિરદાવ્યું છે.
સલામતી અને સંવર્ધનનો સંદેશ
July 15, 2026 12:28 pm
આ ઘટના વન્યજીવો પ્રત્યે માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જો વન વિભાગે સમયસર પગલાં ન લીધા હોત તો સિંહ પરિવાર કે વાહનચાલકો માટે જોખમ સર્જાઈ શક્યું હોત. આ બનાવ બાદ હાઈવે પરથી પસાર થતા મુસાફરોએ પણ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. ગીરના જંગલોમાં રહેતા સિંહ હવે માનવ વસ્તી અને હાઈવેની નજીક જોવા મળે છે, જે વન્યજીવ સંરક્ષણ માટે એક મોટો પડકાર છે. આવી પરિસ્થિતિમાં વન વિભાગની સતર્કતા જ વનરાજોને સુરક્ષિત રાખી શકે છે. આજના આ બનાવથી ફરી એકવાર સાબિત થયું છે કે જ્યારે વન વિભાગ અને જાગૃત નાગરિકો સાથે મળે, ત્યારે જંગલના રાજાઓને પણ આપણે સુરક્ષિત જીવન આપી શકીએ છીએ.
વન વિભાગની સરાહનીય કામગીરી
July 15, 2026 12:27 pm
વન વિભાગના કર્મચારીઓએ પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા બતાવતા તરત જ ટ્રાફિકને અંકુશમાં લીધો હતો. સલામતીને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે હાઈવે પરનો વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, સિંહ પરિવારને કોઈ પણ પ્રકારની મૂંઝવણ કે ભય વિના નિરાંતે રસ્તો પાર કરી જંગલ તરફ જવામાં મદદ કરી હતી. વન વિભાગની આ ટીમે સિંહ પરિવારની આસપાસ સુરક્ષાનું કવચ બનાવી તેમને સુરક્ષિત રીતે માર્ગ ઓળંગાવ્યો હતો.
Gir Somnath : વનરાજના રક્ષક બન્યા વનકર્મીઓ, સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર સિંહ પરિવારને સુરક્ષિત રીતે રસ્તો કરાવ્યો પાર
July 15, 2026 12:27 pm
વેરાવળ રેન્જ વિસ્તારમાં એક અત્યંત પ્રશંસનીય અને રાહતજનક ઘટના સામે આવી છે. અહીંના સુત્રાપાડા–કોડીનાર હાઈવે પર સિંહ પરિવારના આગમન સાથે વન વિભાગની ટીમે ત્વરિત તત્પરતા દાખવીને એક મોટો અકસ્માત ટાળ્યો હતો. પોતાની સુરક્ષા અને સિંહ પરિવારના સંરક્ષણ માટે વન વિભાગની આ કામગીરી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. સુત્રાપાડા–કોડીનાર હાઈવે પર અચાનક ચાર સિંહણો પોતાના બચ્ચાઓ સાથે આવી ચડી હતી. ગીરના જંગલોમાંથી નીકળીને આ સિંહ પરિવાર હાઈવે પર આવી જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી અને અકસ્માતનો ભય પણ રહેલો હતો. જોકે, ગીર સોમનાથ વન વિભાગને આ બાબતની જાણ થતા જ ટીમ તત્કાલ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ સુરક્ષિત બનશે
July 15, 2026 11:58 am
આ નવા નિયમો સાથે સરકાર એવી આશા સેવી રહી છે કે મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ સુરક્ષિત બનશે. સરકારે આ અંગેના વિસ્તૃત નિયમો સાથેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જે હવેથી અમલી ગણાશે. આ ફેરફારો રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને મિલકત ખરીદ-વેચાણ કરનાર નાગરિકો માટે અત્યંત મહત્વના સાબિત થશે.
મિલકત વેચાણ વધુ પારદર્શક બનશે
July 15, 2026 11:58 am
નવા નિયમો હેઠળ, મિલકત વેચાણની પ્રક્રિયા હવે વધુ પારદર્શક અને કડક બનાવવામાં આવી છે. મિલકત વેચાણ માટેની અરજીઓ બાબતે કલેક્ટર કક્ષાએથી તપાસ કરવામાં આવશે. આ તપાસ માટે વિશેષ એસઆઈટી (SIT) ની પણ રચના કરવામાં આવશે. કોમી તણાવ કે શાંતિ ભંગ જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ તપાસ બાદ જ મિલકત વેચાણને મંજૂરી આપવામાં આવશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો મિલકતનું ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યું હશે, તો તે ટ્રાન્સફર રદ્દ કરવામાં આવશે. આવા કિસ્સામાં વેચાણ કરનારને છ માસની અંદર રકમ પરત કરીને મિલકતનો કબજો પરત આપવાનો રહેશે. આ નિયમોનો હેતુ કોમી સૌહાર્દ જાળવવાનો અને બિનજરૂરી સ્થળાંતર અટકાવવાનો છે.
Gandhinagar Beraking News : ગુજરાતમાં 'અશાંત ધારા' નો નવો ઇતિહાસ, સરકારે અમલમાં મૂક્યો 'સ્પેસિફાઈડ એરિયા'નો નવો નિયમ
July 15, 2026 11:58 am
ગુજરાત સરકાર દ્વારા મિલકત વેચાણ અને કોમી સંવેદનશીલ વિસ્તારોને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દાયકાઓથી અમલી 'અશાંત ધારા' કાયદાના નામ અને તેની કાર્યપદ્ધતિમાં હવે આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ, હવે 'અશાંત ધારા' શબ્દને બદલે 'સ્પેસિફાઈડ એરિયા' (Specified Area) અથવા ગુજરાતીમાં 'નિયત કે વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. સરકારના નવા નોટિફિકેશન મુજબ, હવે કોઈ પણ વિસ્તારને 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરતા પહેલા તેની ચકાસણી માટે એક 'મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટી'ની રચના કરવામાં આવશે. આ સમિતિની સલાહ અને ભલામણના આધારે જ કલેક્ટર દ્વારા તે વિસ્તારને 'સ્પેસિફાઈડ એરિયા' તરીકે જાહેર કરવામાં આવશે. જે વિસ્તારોમાં કોમી તણાવની શક્યતા હોય અથવા ભવિષ્યમાં સ્થળાંતર થવાની સંભાવના જણાય, ત્યાં જ આ પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવશે.
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
July 15, 2026 11:25 am
01 - Rajkot : 'લવ જેહાદ' જેવી ઘટનાનો પર્દાફાશ, યુવતી પર દુષ્કર્મ ગુજારી આરોપીએ નામ બદલાવીને ફસાવી દીધી!
03 - Vadodara : 1 લાખની લેતી-દેતીમાં 17 વર્ષના સગીરની હત્યા, 9 આરોપી જેલના સળિયા પાછળ
07 - Ahmedabad Ratha Yatra 2026: 149મી રથયાત્રાની તૈયારીઓ તેજ, આજે ભગવાનના સોના વેશના દર્શન
08 - Indian Weather : ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર ! જાણો તમારા રાજ્યનું લેટેસ્ટ વેધર અપડેટ
09 - Petrol-Diesel Price : માત્ર 1 મિનિટમાં જાણો આજે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેટલો છે
10 - Gold Rate Today : સોના-ચાંદીના ભાવમાં 3 દિવસથી કડાકો, જાણો અમદાવાદ, સુરતમાં શું છે ભાવ
રાજકોટમાં મેઘરાજાની મહેર
July 15, 2026 11:10 am
રાજકોટ શહેરમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે રેશકોર્ષ રીંગરોડ, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, દોઢસો ફૂટ રીંગ રોડ અને ત્રિકોણ બાગ સહિતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન શહેરીજનોને આ વરસાદથી મોટી રાહત મળી છે.
પોલીસે કાર્યવાહી કરી તપાસ શરૂ કરી
July 15, 2026 11:06 am
યુવતી પર થયેલા અત્યાચાર અને ધર્મ પરિવર્તનના આ ગંભીર કિસ્સાથી પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ, હાલ પોલીસ દ્વારા આરોપી સાહિલ ચાનીયાને પકડવા માટે સઘન કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે અને ટૂંક સમયમાં તેને પકડી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા અને ધાર્મિક સંવેદનશીલતાના મુદ્દાઓને ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
Rajkot : 'લવ જેહાદ' જેવી ઘટનાનો પર્દાફાશ, યુવતી પર દુષ્કર્મ ગુજારી આરોપીએ નામ બદલાવીને ફસાવી દીધી!
July 15, 2026 11:05 am
Rajkot શહેરના રેલનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે. એટલું જ નહીં, આરોપીએ યુવતીને ધાક-ધમકી આપીને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે રાજકોટના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પીડિતાની ફરિયાદ મુજબ, આરોપી સાહિલ ચાનીયાએ યુવતીનો વિશ્વાસ જીતી તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એટલો હદે ક્રૂર હતો કે તેણે દુષ્કર્મ દરમિયાન યુવતીના ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આરોપી સતત યુવતીનું શોષણ કરતો રહ્યો હતો.
કિશનવાડીમાં 17 વર્ષના સગીરની હત્યાનો મામલો
July 15, 2026 10:27 am
એસીપીએ જણાવ્યું હતું કે, 1 લાખ રૂપિયાના સામાન્ય લાગતા વ્યવહારને કારણે આ હત્યા થઈ છે. 17 વર્ષના સગીરની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે તમામ આરોપીઓને જેલ હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પોલીસની આ ત્વરિત કામગીરીથી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ એક યુવાનના અકાળે મૃત્યુએ પરિવારમાં જે શૂન્યાવકાશ પેદા કર્યો છે, તે ક્યારેય ભરાઈ શકે તેમ નથી. પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી સત્ય સામે આવી શકે અને મૃતક સગીરને ન્યાય મળી શકે. આ કિસ્સો દરેક માટે એક બોધપાઠ સમાન છે કે નાની બાબતોમાં ઉશ્કેરાઈને કાયદો હાથમાં લેવો કેટલો જોખમી બની શકે છે.
પોલીસની ત્વરિત કાર્યવાહી
July 15, 2026 10:27 am
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાની બાપોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. એસીપીની દેખરેખ હેઠળ પોલીસે આસપાસના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરીને હત્યામાં સંડોવાયેલા તમામ 9 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં ધર્મેશ ઉર્ફે ધમો વણઝારા, અજય વણઝારા, મેઘરાજ ઉર્ફે રમેશ વણઝારા, વિક્રમ વણઝારા, વિષ્ણુ વણઝારા, કાળુ ઉર્ફે વિજેશ વણઝારા, વિનોદ વણઝારા, પંકજ વણઝારા અને જયેશ વણઝારાનો સમાવેશ થાય છે.
Vadodara : 1 લાખની લેતી-દેતીમાં 17 વર્ષના સગીરની હત્યા, 9 આરોપી જેલના સળિયા પાછળ
July 15, 2026 10:27 am
Vadodara શહેરના કિશનવાડી વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પૈસાની લેતી-દેતીના સામાન્ય લાગતા ઝઘડાએ એક 17 વર્ષના સગીરનો જીવ લઈ લીધો છે. આ હત્યાકાંડમાં સંડોવાયેલા તમામ 9 આરોપીઓને બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાના સકંજામાં લીધા છે. કિશનવાડી વિસ્તારમાં 1 લાખ રૂપિયાની લેતી-દેતી બાબતે બે જૂથો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો. આ તણાવ આખરે ખૂની ખેલમાં પરિણમ્યો હતો. એક જૂથના 9 જેટલા શખ્સોએ હુમલો કરી 3 યુવકોને ચાકુના ઘા માર્યા હતા, જેમાં 17 વર્ષના એક સગીરનું કરુણ મોત નિપજ્યું હતું. અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગજરાજને ઈકો ફ્રેન્ડલી હર્બલ કલરથી શણગારવામાં આવશે
July 15, 2026 10:05 am
વર્ષોથી રથયાત્રામાં સેવા આપતા આ ગજરાજો શહેરની ધરોહર સમાન છે. મંદિર પ્રશાસન દ્વારા તેમના ખોરાક અને સ્વાસ્થ્યની પણ પૂરેપૂરી કાળજી રાખવામાં આવી રહી છે. ભક્તોમાં ગજરાજના દર્શન માટે ભારે ઉત્સાહ છે, અને મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ વચ્ચે રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. આવતીકાલે જ્યારે ગજરાજોના મસ્તક પર કલાત્મક શણગાર સાથે તેઓ રથની આગળ ચાલશે, ત્યારે અમદાવાદના રાજમાર્ગો પર આસ્થાનો અદ્ભુત નજારો જોવા મળશે. શહેરના લોકો આતુરતાપૂર્વક આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે.
ગણપતિ સ્વરૂપે પૂજન કરાય છે
July 15, 2026 10:05 am
રથયાત્રા પૂર્વે આજે વિધિપૂર્વક ગજરાજનું પૂજન કરવામાં આવશે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ, ગજરાજને ગણપતિનું સ્વરૂપ માની તેમની પૂજા-અર્ચના થશે. ભગવાન જગન્નાથની રથયાત્રાના પ્રતીક સમાન આ ગજરાજો માટે ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ શણગારેલા હાથીઓને જોઈને ધન્યતા અનુભવે છે. રથયાત્રા દરમિયાન ગજરાજોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ શાંતિપૂર્વક રથની આગળ ચાલે તે માટે મહાવતો દ્વારા તેમને વિશેષ તાલીમ આપવામાં આવી છે.
Ahmedabad RathYatra 2026 : આજે વિધિપૂર્વક થશે ગણપતિ સ્વરૂપ ગજરાજનું પૂજન, જગન્નાથ મંદિર હાથીખાનામાં ગજરાજને શણગારવાની તૈયારીઓ શરૂ
July 15, 2026 10:05 am
અમદાવાદમાં પરંપરાગત રીતે નીકળતી જગન્નાથ રથયાત્રા હવે ગણતરીના કલાકો દૂર છે, ત્યારે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાયો છે. રથયાત્રાનું સૌથી મુખ્ય અને આકર્ષક પાસું ગણાતા 'ગજરાજ' (હાથીઓ) માટે જગન્નાથ મંદિરના હાથીખાનામાં વિશેષ તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે નીકળનારી રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની આગળ ચાલનારા ગજરાજોને દિવ્ય અને ભવ્ય શણગાર આપવામાં આવી રહ્યો છે. મહાવતો દ્વારા ગજરાજને પરંપરાગત કલાત્મક શૈલીમાં શણગારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ગજરાજના મસ્તક અને કાન પર શ્વેત અલંકારો અને રંગબેરંગી ડિઝાઈન બનાવવામાં આવી રહી છે, જે તેમના વ્યક્તિત્વને વધુ ભવ્ય બનાવે છે. ગજરાજોને શણગારવા માટે સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી હર્બલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેમના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યા છે.
ખેડૂતોએ કેનાલને લઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો
July 15, 2026 9:40 am
સ્થાનિક ખેડૂતોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે કેનાલના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેના પરિણામે દર વર્ષે બે થી ત્રણ વખત આ કેનાલ તૂટવાની ઘટનાઓ બને છે. લાખોના ખર્ચે બનેલી કેનાલો જો થોડા જ સમયમાં તૂટી જતી હોય, તો તેની પાછળ કોની મિલીભગત છે તે તપાસનો વિષય છે. વરસાદની ખેંચ વચ્ચે જ્યારે સિંચાઈ માટે પાણીની એક-એક બુંદ કિંમતી હોય, ત્યારે લાખો લિટર પાણી નકામું વેડફાતા ખેડૂતો લાચાર બનીને જોઈ રહ્યા હતા. સિંચાઈ વિભાગની લાપરવાહીને કારણે ખેડૂતોને પાક નુકસાની અને પાણીના બગાડ એમ બેવડો માર સહન કરવો પડ્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેડૂતો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને વહેલી તકે કેનાલનું સમારકામ કરી પાણી બંધ કરાવવાની માગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ઘટનાની ગંભીરતા સમજીને કેનાલની મજબૂતી માટે શું પગલાં લે છે અને નુકસાન પામેલા ખેડૂતોને વળતર મળે છે કે કેમ. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં થતા સિંચાઈના કામોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Banaskantha Vav Tharad : કેનાલના કામમાં ભ્રષ્ટાચાર? ગાબડું ખેડૂતો માટે બન્યું આફત, વાવેતર કરેલો પાક ધોવાઈ ગયો
July 15, 2026 9:39 am
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેથળી ગામની સીમમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં આવેલી જાંદલા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં મોટું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. વાવ-થરાદના જાંદલા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં અચાનક ગાબડું પડતા પાણીનો પ્રવાહ સીધો ખેતરોમાં ઘૂસી ગયો હતો. ખેડૂત ભગવાનભાઈ પટેલના ખેતરમાં કરવામાં આવેલા જુવારના વાવેતરને આ પાણીથી મોટું નુકસાન થયું છે. એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો પહેલેથી જ ચિંતિત છે, ત્યારે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા તૈયાર પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોના મતે કેનાલ ઓવરફ્લો થવાને કારણે આ ગાબડું પડ્યું હોવાની શક્યતા છે.
રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી
July 15, 2026 9:15 am
ટ્રેન અટવાઈ જતાં બાળકો, મહિલાઓ અને મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડી હતી. કલાકો સુધી ટ્રેન સ્થગિત રહેતા મુસાફરોએ મોડી રાત્રે સુરક્ષા અને સુવિધાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઘણી રાહ જોયા બાદ, રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ લાંબી પ્રક્રિયા બાદ ટ્રેનને ફરીથી ભુજ તરફ રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર ટેકનિકલ ફોલ્ટના કારણે ટ્રેન તેના નિર્ધારિત સમય કરતા અંદાજે ત્રણ કલાક જેટલી મોડી પહોંચી હતી. ટ્રેન મોડી પડવાને કારણે મુસાફરોએ પોતાના આગળના આયોજનોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. જોકે, આ ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા ટ્રેનની ચાલુ સ્થિતિની તપાસ કરવામાં આવી હતી જેથી ભવિષ્યમાં આવી ટેકનિકલ સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય. આધુનિક ગણાતી નમો ભારત ટ્રેનમાં આવી ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોની સુરક્ષા અને સુવિધાના દાવાઓ સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે.
Kutch : અમદાવાદ-ભુજ 'નમો ભારત' ટ્રેન કુકમા પાસે ખોટકાતા મુસાફરો અટવાયા હતા, વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કર્યા બાદ ટ્રેનને રવાના કરાઈ
July 15, 2026 9:15 am
અમદાવાદથી ભુજ તરફ જતી 'નમો ભારત' ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને ગત મોડી રાત્રે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટેકનિકલ ખામીને કારણે ટ્રેન કુકમા સ્ટેશન નજીક કલાકો સુધી અટવાઈ જતાં મુસાફરોએ ભારે આક્રોશ અને પરેશાની વ્યક્ત કરી હતી. અમદાવાદથી ભુજ આવી રહેલી નમો ભારત ટ્રેનમાં અચાનક લાઇટિંગ પાવરની ગંભીર ખામી સર્જાઈ હતી. પાવર સપ્લાયમાં સમસ્યા થવાના કારણે ટ્રેન કુકમા સ્ટેશન નજીક થંભી ગઈ હતી. આ ટેકનિકલ ફોલ્ટના કારણે ટ્રેનનું એસી (AC) પણ બંધ થઈ ગયું હતું. બંધ ટ્રેનમાં ગૂંગળામણ અનુભવતા મુસાફરોને છેવટે ટ્રેનના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. મોડી રાત્રિનો સમય હોવાથી અને ટ્રેન ક્યાંય આગળ વધતી ન હોવાથી મુસાફરોમાં અસંતોષનું મોજું ફરી વળ્યું હતું.
અગાઉ માફીનામું છતાં સુધર્યો નહીં યુવક
July 15, 2026 9:02 am
આ મામલે અગાઉ પણ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પહોંચી હતી, જ્યાં પોલીસે સુજલ પાસે માફીનામું લખાવીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ પોતાની આદતથી મજબૂર સુજલના ત્રાસમાં કોઈ ઘટાડો થયો નહીં. નવ જુલાઈના રોજ સુજલ સીધો યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ પ્રકારના સતત ત્રાસ અને માનસિક દબાણથી ગભરાઈ ગયેલી 19 વર્ષીય યુવતીએ ઘરમાં જ બ્લેડ વડે પોતાના હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતી દ્વારા અણધાર્યું પગલું ભરવામાં આવતા પરિવારમાં આઘાત અને આક્રોશ વ્યાપી ગયો હતો. મામલો ઉમરા પોલીસ મથકે પહોંચતા પોલીસે તાત્કાલિક અસરથી આરોપી સુજલ દેવેન્દ્ર દાન ગઢવીની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદો સૌ માટે સમાન છે અને ગમે તેટલા પ્રભાવશાળી પિતાનો પુત્ર હોય, જો કોઈ ખોટું કરશે તો તેને કાયદાના સકંજામાં આવવું જ પડશે. હાલમાં પીડિત યુવતી સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે.
Surat : પિતા પોલીસમાં હોવાના જોરે યુવતીને ત્રાસ આપનાર 'રોમિયો' જેલના સળિયા પાછળ, યુવતીના ઘરે પહોંચી કર્યા હતા સીનસપાટા
July 15, 2026 9:01 am
Surat શહેરમાં એકતરફી પ્રેમના પાગલપણા અને પોલીસના પિતા હોવાના અભિમાનમાં અંધ બનેલા એક યુવકે 19 વર્ષીય યુવતીને એટલી હદે ત્રાસ આપ્યો કે યુવતીએ કંટાળીને અંતિમ પગલું ભરવું પડ્યું. આ ઘટનાએ સુરત પોલીસ તંત્રની ગરિમા અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ મામલે આરોપી સુજલ દેવેન્દ્ર દાન ગઢવીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2020માં ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવતી અને સુજલ વચ્ચે મિત્રતા થઈ હતી. જોકે, સમય જતાં સુજલની વિકૃત હરકતો અને હેરાનગતિ વધતા યુવતીએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. પરંતુ, આ વાત સુજલને સ્વીકાર્ય ન હતી. તે સતત યુવતીનો પીછો કરતો, કોલેજ જતી વખતે, રિંગ રોડ પર આવેલા વેપારી પિતાની દુકાને અને ત્યાં સુધી કે અમદાવાદ સુધી તે યુવતીનો પીછો કરીને તેને માનસિક ત્રાસ આપતો હતો. સુજલના પિતા સુરત SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) માં ફરજ બજાવતા હોવાથી, તે પોતાના પિતાના હોદ્દાનો ખોટો રોફ જમાવી યુવતીને સંબંધ રાખવા માટે ધમકાવતો હતો.
વહીવટી મક્કમતા સાથે ભૂપેન્દ્રભાઇની જનતામાં આદરણીય સ્થાન
July 15, 2026 8:28 am
ભૂપેન્દ્રભાઈ સાદગી, શાંતિ અને વિનમ્રતા માટે જાણીતા છે. તેઓ ઓછું બોલે છે પરંતુ ઝડપી નિર્ણયો અને અસરકારક અમલમાં વિશ્વાસ રાખે છે. વિકાસને પ્રાથમિકતા આપવી તેમની રાજકીય ઓળખ બની છે. આ રીતે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા થી શરૂ થયેલી તેમની સફર આજે ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચી છે. 15 જુલાઈ 2026ના રોજ, તેઓ 64 વર્ષ પૂર્ણ કરીને 65માં વર્ષમાં પ્રવેશ કર્યો.
વિકાસ કાર્યો
July 15, 2026 8:28 am
તેમના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ યોજનાઓને ગતિ મળી છે—ધોલેરા SIRનો વિકાસ, ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે આગળ વધારવું, સેમિકન્ડક્ટર ઉદ્યોગોને પ્રોત્સાહન, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહન નીતિનો અમલ, નવા માર્ગો અને મેટ્રો રેલનો વિકાસ, ડિજિટલ ગવર્નન્સ, તેમજ ખેડૂતો માટે સિંચાઈ, કુદરતી ખેતી અને પાણી સંચયની યોજનાઓ. શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને યુવા વિકાસ માટે પણ અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.1984માં તેમનો હેતલબેન પટેલ સાથે લગ્ન થયા હતા અને તેમને એક પુત્ર અનુજ પટેલ છે, જે એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકીય સફર
July 15, 2026 8:26 am
ભૂપેન્દ્રભાઈએ જાહેર જીવનની શરૂઆત સ્થાનિક સ્તરે સમાજસેવા દ્વારા કરી. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર રહ્યા અને સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારીઓ સંભાળી. બાદમાં AUDA સાથે જોડાઈને શહેરી આયોજન અને આધુનિક શહેર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. 2017માં તેઓ ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા માટે ચૂંટાયા. 2021માં સ્વ.વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ ભાજપે તેમને ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા. શરૂઆતમાં આ પસંદગી આશ્ચર્યજનક લાગી હતી, પરંતુ થોડા જ સમયમાં તેમણે પોતાના શાંત અને પરિણામલક્ષી વહીવટથી સૌનો વિશ્વાસ જીત્યો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ઘાટલોડિયા બેઠક પરથી ઐતિહાસિક વિજય મેળવ્યો અને બીજી વખત મુખ્યમંત્રી બન્યા.
ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રારંભિક જીવન
July 15, 2026 8:26 am
ભૂપેન્દ્રભાઈનો જન્મ 15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ શિસ્તબદ્ધ, મહેનતુ અને સાદગીપ્રિય સ્વભાવ ધરાવતા હતા. પરિવારના સંસ્કારોને કારણે તેઓ હંમેશા પ્રમાણિકતા અને સમાજસેવાને મહત્ત્વ આપતા રહ્યા. અમદાવાદમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસ દરમિયાન જ બાંધકામ અને આયોજન ક્ષેત્રમાં તેમનો રસ વિકસ્યો. આગળ જઈને આ અનુભવ શહેરી વિકાસ અને જાહેર વહીવટમાં ઉપયોગી સાબિત થયો. રાજકારણમાં પ્રવેશ કરતા પહેલાં તેઓ સફળ બિલ્ડર તરીકે અનેક રહેણાંક અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા હતા.
મુખ્યમંત્રીના જન્મદિવસની જનસેવાના પર્વ તરીકે ઉજવણી
July 15, 2026 8:24 am
પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ રહેલા ભૂપેન્દ્રભાઈ પટેલની આ સાદગીભરી ઉજવણી જ તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. અડાલજ ત્રિમંદિરની મુલાકાત બાદ, તેઓ રાજ્યના મહત્વના સરકારી કાર્યોમાં જોડાઈને ફરી એકવાર લોકસેવાના કાર્યમાં વ્યસ્ત બન્યા છે. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ગુજરાતના રાજકારણમાં શાંત, સાદગીપૂર્ણ અને વિકાસલક્ષી નેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે. મોટા પ્રચાર કે વ્યક્તિગત લોકપ્રિયતા વિના, તેમણે કાર્યનિષ્ઠા, વહીવટી અનુભવ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાથી મુખ્યમંત્રી પદ સુધીની સફર પૂર્ણ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેળવ્યા આશીર્વાદ
July 15, 2026 8:24 am
આ મુલાકાત દરમિયાન, દાદા ફાઉન્ડેશનના વડા દિપકભાઈની પણ તેમણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. દિપકભાઈના આશીર્વાદ મેળવીને તેમણે ધાર્મિક વાતાવરણમાં સમય વિતાવ્યો હતો. રાજ્યના વિકાસની ગતિને વેગ આપવાના સંકલ્પ સાથે, મુખ્યમંત્રીએ આજના દિવસે આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો. ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત દેશભરના રાજકીય અગ્રણીઓ, મંત્રીમંડળના સાથીદારો અને ગુજરાતના નાગરિકો તરફથી તેમને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેમને તેમના નેતૃત્વ અને વિનમ્ર સ્વભાવ માટે અભિનંદન પાઠવી રહ્યા છે.
CM Bhupendra Patel Birthday : જન્મદિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેળવ્યા આશીર્વાદ, અડાલજ ત્રિમંદિરે ટેકવ્યું મસ્તક
July 15, 2026 8:23 am
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. પોતાની આગવી કાર્યશૈલી અને 'મૃદુ અને મક્કમ' છબી માટે જાણીતા મુખ્યમંત્રીએ તેમના જન્મદિવસની શરૂઆત ખૂબ જ સાદગી અને આસ્થા સાથે કરી હતી. આ વિશેષ દિવસે તેમણે ગાંધીનગર નજીક આવેલા અડાલજ ખાતેના પ્રખ્યાત ત્રિમંદિર ખાતે પહોંચીને ધાર્મિક દર્શનનો લાભ લીધો હતો. જન્મદિવસના અવસરે રાજ્યના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ મુખ્યમંત્રીએ આધ્યાત્મિકતા માટે સમય ફાળવ્યો હતો. અડાલજ ત્રિમંદિર પહોંચીને તેમણે દાદા ભગવાન અને સીમંધર સ્વામીના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં તેમણે શાંત ચિત્તે પૂજા-અર્ચના કરી હતી અને રાજ્યના સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
પોલીસે તપાસ હાથધરી
July 15, 2026 8:00 am
ચોરીની જાણ થતાં જ ભોગ બનનાર પરિવારે પાલડી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં પાલડી પોલીસે ઘરઘાટી વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે રીતે એક જ વ્યક્તિએ લાખોની રકમની ચોરી કરી છે, તે જોતા પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આમાં કોઈ અન્યની મદદ લેવામાં આવી હતી કે કેમ. આ ઘટના ફરી એકવાર શીખ આપે છે કે ઘરે કામ પર રાખતા વ્યક્તિઓ કે ઘરઘાટીઓની નિમણૂક કરતી વખતે હંમેશા તેમનું પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. ઉપરાંત, ઘરની કિંમતી વસ્તુઓ અને રોકડની સુરક્ષા માટે લોકરનો ઉપયોગ કરવો હિતાવહ છે. હાલમાં પાલડી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે સીસીટીવી અને અન્ય તકનીકી પુરાવાઓના આધારે આરોપી ટૂંક સમયમાં જ ઝડપાઈ જશે.
Ahmedabad ના પાલડીમાં મોટી ચોરી, ગૌતમ બાગ સોસાયટીના ઘરમાંથી ઘરઘાટીએ જ કરી 49 લાખની તફડંચી
July 15, 2026 8:00 am
Ahmedabad શહેરના પોશ ગણાતા પાલડી વિસ્તારમાં આવેલા ગૌતમ બાગ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના ત્યાં કામ કરતા ઘરઘાટીએ જ આશરે 49 લાખ રૂપિયાની માલમતાની ચોરી કરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ અને ચર્ચાનો વિષય બન્યો છે. પાલડીના ગૌતમ બાગ સોસાયટીમાં રહેતા એક પરિવાર ત્યાં કામ કરતા ઘરઘાટી પર વિશ્વાસ રાખ્યો હતો. પરંતુ આ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી ઘરઘાટીએ ઘરમાં રહેલી રોકડ રકમ અને કિંમતી સોનાના દાગીના પર હાથ માર્યો હતો. ચોર દ્વારા કુલ 49 લાખ રૂપિયાની મતાની ચોરી કરવામાં આવી છે, જેમાં મોટી રકમની રોકડ અને સોનાના આભૂષણોનો સમાવેશ થાય છે. ચોરીની આ ઘટનાની જાણ થતાં જ પરિવારના હોશ ઉડી ગયા હતા.
જેલ પ્રશાસનની કામગીરી પર સવાલો
July 15, 2026 7:39 am
સબજેલમાં અવાર-નવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવી એ સ્થાનિક જેલર વિભાગની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા કરે છે. જેલના સત્તાધીશોની બેદરકારી છે કે પછી અંદરના કોઈ કર્મચારીઓની મિલીભગત, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સબજેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને લઈને લોકોમાં પણ ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા હવે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય તેવી માગ ઉઠી છે. જેલ પ્રશાસન માટે આ ઘટના એક મોટો પડકાર છે અને આશા છે કે આ તપાસ દ્વારા જેલની સુરક્ષા વ્યવસ્થામાં સુધારો કરવામાં આવશે. રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ ત્રણેય મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ હવે આ મોબાઈલમાં રહેલા સિમકાર્ડ અને IMEI નંબરના આધારે તે કોના ઉપયોગમાં હતા અને કોની સાથે વાતચીત થતી હતી, તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ મોબાઈલ દ્વારા કોઈ ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું કે કેમ, તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Surendranagar જેલમાંથી 3 મોબાઈલ મળી આવતા ખળભળાટ, જેલની સુરક્ષામાં ગાબડું!
July 15, 2026 7:37 am
Surendranagar સબજેલ ફરી એકવાર વિવાદના વંટોળમાં આવી છે. જેલની ચાર દીવાલોની અંદર સુરક્ષા વ્યવસ્થાને વારંવાર પડકારતી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ મોબાઈલ મળી આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજકોટ રેન્જ જેલ વિભાગના આઈ.જી.ની ખાસ ટીમ દ્વારા સુરેન્દ્રનગર સબજેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અચાનક થયેલી આ કાર્યવાહીમાં જેલના બેરેક નંબરોમાં સઘન તપાસ કરતા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. પોલીસ ટીમને જેલની બેરેક નંબર 02 (અ)માંથી બે મોબાઈલ મળી આવ્યા હતા. આટલું જ નહીં, બેરેક નંબર 03 ના શૌચાલયમાં પણ એક મોબાઈલ બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેલ જેવા સુરક્ષિત ગણાતા વિસ્તારમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ કેવી રીતે પહોંચી તે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
July 15, 2026 7:28 am
પકડાયેલ આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે લાલો સુમરા ભૂતકાળમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અગાઉ પણ તેની સામે પ્રોહીબિશન (દારૂબંધી) અને એનડીપીએસ (NDPS) હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપી આટલા મોટા પ્રમાણમાં ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને તેનું વેચાણ કોને કરવાનો હતો. આ મામલે SOG દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ધરપકડ બાદ વિસ્તારના અન્ય નશાના વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલમાં ગોંડલ પોલીસ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી આ નશાના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.
Rajkot : ગોંડલમાં નશાનો કારોબાર પકડાયો, SOG એ 2.79 લાખના ગાંજા સાથે ઇમ્તિયાઝ સુમરાને ઝડપ્યો
July 15, 2026 7:27 am
Rajkot ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળતા મળી છે. ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ વિસ્તારમાં ગાંજાનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળતા SOGની ટીમે દરોડો પાડીને એક શખ્સની ધરપકડ કરી છે. Rajkot SOG પોલીસને બાતમી મળી હતી કે ગોંડલના વોરાકોટડા રોડ વિસ્તારમાં આવેલા આવાસમાં નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી ઇમ્તિયાઝ ઉર્ફે લાલો સુમરાના મકાનમાં તલાશી લેતા પ્લાસ્ટિકના બારદાનમાં છુપાવીને રાખેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ ગાંજાની કિંમત અંદાજે 2,79,600 રૂપિયા થવા જાય છે.
પોલીસની કાર્યવાહી
July 15, 2026 7:07 am
હાલમાં અન્ય એક ગુનાના કેસમાં હિરલબા જૂનાગઢ જેલમાં બંધ છે. પોરબંદર પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી ટ્રાન્સફર વોરંટ દ્વારા તેમનો કબ્જો મેળવી ધરપકડ કરી છે. કમલાબાગ પોલીસે હવે રિમાન્ડ મેળવી આ પ્રકરણમાં અન્ય કોણ સંડોવાયેલું છે અને મિલકતના દસ્તાવેજો કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા, તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. આ ધરપકડથી કથિત રીતે જમીન માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
હિરલબા સામે ગંભીર ગુનાઓની યાદી
July 15, 2026 7:07 am
હિરલબા જાડેજા વિરુદ્ધ માત્ર જમીન પચાવી પાડવાના જ નહીં, પરંતુ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ મુજબ, તેમની સામે અપહરણ, ખંડણી ઉઘરાવવી અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનાઓ દાખલ થયેલા છે. તેમની ગુનાહિત પ્રવૃત્તિઓનું નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત ન રહેતા હરિયાણા સુધી ફેલાયેલું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Porbandar ના 'ઝવેરી બંગલા' વિવાદમાં હિરલબા જાડેજાની ધરપકડ, જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ
July 15, 2026 7:06 am
લાંબા સમયથી ચાલી રહેલા પૂર્વ ધારાસભ્ય સ્વ. ભુરા મુંજાના પ્રોપર્ટી વિવાદે એક નવો અને મહત્વપૂર્ણ વળાંક લીધો છે. કરોડો રૂપિયાની કિંમતની મિલકત પચાવી પાડવાના ગંભીર ગુનામાં કમલાબાગ પોલીસે પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજાની સત્તાવાર ધરપકડ કરી છે. આ કાર્યવાહી જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા કરવામાં આવતા પોરબંદરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
સ્વ. ભુરા મુંજાના અવસાન બાદ તેમના પરિવારમાં મિલકતને લઈને આંતરિક વિખવાદ ચાલતો હતો. આ વિવાદમાં તેમની બંને પત્નીઓ આમને-સામને આવી ગઈ હતી. આરોપ છે કે, હિરલબા જાડેજાએ પોરબંદરના જાણીતા અને કરોડોની કિંમતના 'ઝવેરી બંગલા' પર ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો હતો. માત્ર બંગલો જ નહીં, પરંતુ 13 જેટલા પ્લોટ અને અન્ય કિંમતી જમીનો પણ પચાવી પાડવાનો ગંભીર આક્ષેપ તેમના પર લાગ્યો છે. આ અંગે ભોગ બનનાર પક્ષ દ્વારા કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક
July 15, 2026 6:51 am
આજે સવારે 11 વાગ્યે કેબિનેટ બેઠક મળશે, બેઠકમાં અનેક મહત્વના પ્રસ્તાવો અંગે ચર્ચા થશે, વિવિધ નીતિવિષયક નિર્ણયો પર ચર્ચા થવાની શક્યતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
July 15, 2026 6:50 am
આજે સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાશે, રથયાત્રાની તૈયારીઓની આખરી સમીક્ષા કરાશે, રાજ્યભરની રથયાત્રાઓની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા, અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર સમીક્ષા કરાશે, રાજ્યમાં સર્જાયેલી વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા થશે. વરસાદ બાદ થયેલા નુકસાન અને સહાય બાબતે સમીક્ષા, સુરતમાં પૂરના નુકસાનના વળતર અંગે પણ સમીક્ષા, રાજ્ય સરકારના આગામી વિવિધ આયોજનો પર ચર્ચા, સરકારના મહત્વના નીતિગત વિષયો પર ચર્ચા કરાશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા
July 15, 2026 6:49 am
ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ. આજે ભગવાનના સોના વેશમાં દિવ્ય દર્શન કરાશે. રથયાત્રા પૂર્વે મંદિરમાં ગજરાજની ખાસ પૂજા કરાશે. ભગવાનના ત્રણેય પવિત્ર રથની પૂજા કરવામાં આવશે.
સુરત-તાપીના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી
July 15, 2026 6:49 am
સુમુલ ડેરીની કુલ 16 બેઠકોમાંથી 9 બેઠક પર મતદાન થશે, સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે, 17 જુલાઇએ મતગણતરી હાથ ધરવામાં આવશે, ચૂંટણી પૂર્વે જ સુમુલ ડેરીની 7 બેઠકો બિનહરીફ જાહેર થઇ. સત્તાધારી પક્ષ ભાજપ માટે ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ. કોંગ્રેસના ઉમેદવારો 9 બેઠક પર ટક્કર આપશે.
પોરબંદરના હિરલબા જાડેજાની ધરપકડ
July 15, 2026 6:48 am
મિલકત પચાવી પાડવાના ગુનામાં ધરપકડ, કમલાબાગ પોલીસે હિરલબાની કરી ધરપકડ, જૂનાગઢ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ, પૂર્વ ધારાસભ્ય ભુરા મુંજાનો પ્રોપર્ટી વિવાદ, સ્વ.ભુરા મુંજાની બંને પત્નીઓ આમને-સામને. કરોડોની કિંમતનો ઝવેરી બંગલો પચાવ્યાનો આક્ષેપ, 13 પ્લોટ ગેરકાયદે પચાવી પાડ્યાની ફરિયાદ. કરોડોની કિંમતની જમીન પર કબજો કર્યાની ફરિયાદ. હિરલબા જાડેજા સામે અનેક ગંભીર ગુનાઓ
અપહરણ, ખંડણી અને આર્મ્સ એક્ટના ગુના. ગુજરાત અને હરિયાણામાં નોંધાયેલા છે ગુના.

