Gujarat Latest News: વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં બીજેપીએ સતીશ ગોવિંદભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા
ગુજરાત અને દેશભરના તમામ મહત્વના સમાચાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ડિજિટલ પર તમને વાંચવા મળશે સવારના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
સુરતમાં ખાડીપૂર ઓસરતાં જ કરોડોનો સામાન નષ્ટ, વેપારીઓને માથે હાથ દઈ રોવાનો વારો
July 9, 2026 10:29 pm
સુરતમાં ખાડીપૂરના પાણી ઓસરતાં જ વરાછાના પ્રખ્યાત પોદ્દાર આર્કેડમાં ભારે તબાહી અને નુકસાનીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. પૂર દરમિયાન આર્કેડના બેઝમેન્ટથી લઈને પ્રથમ માળ સુધી ખાડીના ગંદા પાણી ફરી વળ્યા હતા, જેમાં અનેક દુકાનો સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ હતી. પૂરના પાણી એટલી ઝડપે આવ્યા કે વેપારીઓને પોતાનો કિંમતી માલ-સામાન બહાર કાઢવાનો પણ સમય મળ્યો ન હતો. આ આકાશી આફતમાં દુકાનોમાં રાખેલા લાખો-કરોડો રૂપિયાના મોબાઈલ, ઈલેક્ટ્રોનિક એસેસરીઝ અને LED ટીવી સહિતનો તમામ સામાન પલળીને નષ્ટ થઈ ગયો છે. પલભરમાં બધું જ બરબાદ થઈ જતાં વેપારીઓ ભારે મુશ્કેલી અને પરેશાનીમાં મુકાયા છે અને દુકાનદારોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. આ અતિશય આર્થિક પાયમાલી વચ્ચે હવે વેપારીઓ સરકાર વહેલી તકે વળતર અને આર્થિક મદદ કરે તેવી આશા લગાવીને બેઠા છે.
વંદના સોસાયટી પાસે દુકાનો ડૂબતાં વેપારીઓ ₹500ની વસ્તુ ₹50માં વેચવા મજબૂર
July 9, 2026 10:27 pm
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શ્યામધામ ચોક, વંદના સોસાયટી પાસે ભારે વરસાદના કારણે અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. દુકાનોમાં પાણી ઘૂસી જતાં કપડાં સહિતનો લાખો રૂપિયાનો માલ-સામાન પલળી ગયો હતો, જેના કારણે વેપારીઓની કમર તૂટી ગઈ છે. ભારે નુકસાની વચ્ચે હવે વેપારીઓ પોતાનો પલળેલો માલ સાવ પાણીના ભાવે એટલે કે મૂળ કિંમતથી ૨૦ થી ૩૦ ટકાના ભાવે વેચવા મજબૂર બન્યા છે. અહીં સ્થિતિ એવી સર્જાઈ છે કે વેપારીઓ રૂપિયા ૧૦૦ની વસ્તુ માત્ર ૧૦ રૂપિયામાં અને ૫૦૦ રૂપિયાની વસ્તુ ૫૦ રૂપિયામાં વેચી રહ્યા છે, જેને પગલે પલળેલી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદવા માટે લોકોની ભારે પડાપડી જોવા મળી રહી છે. વરસાદના આ પ્રકોપે સુરતના વેપારીઓને નુકસાનીનો ધંધો કરવા મજબૂર કરીને ભારે પરેશાન કરી મૂક્યા છે.
સુરતમાં ખાડીપૂરના ગંદા પાણી ગોડાઉનમાં ઘૂસતા વેપારીનું લાખોનું અનાજ બરબાદ
July 9, 2026 10:24 pm
સુરતમાં ખાડીપૂરના કારણે સ્થાનિક વેપારીઓ પર આભ તૂટી પડ્યું છે, જેમાં એક અનાજના વેપારીના ગોડાઉનમાં ખાડીના ગંદા પાણી ફરી વળતાં લાખો રૂપિયાનું અનાજ પલળીને સંપૂર્ણપણે નાશ પામ્યું છે. ગોડાઉનમાં હજુ પણ લાખોની કિંમતનો અનાજનો જથ્થો પાણીમાં ડૂબેલો હોવાથી, ખાડીના દૂષિત પાણીના લીધે અનાજમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી છે. ૨૦ વર્ષની તનતોડ મહેનત અને મૂડી એકઠી કરીને આ દુકાન ઊભી કરનારા વેપારીએ પોતાની વેદના ઠાલવતા રડી પડ્યા હતા અને જણાવ્યું હતું કે, આ ખાડીપૂરે તેમની બે દાયકાની કમાણીને પલભરમાં ઝીરો કરી દઈને રસ્તા પર લાવી દીધા છે. ખાડીપૂરના આ પ્રકોપે સુરતના વેપારીઓને આર્થિક રીતે પાયમાલ કરી બેહાલ બનાવી દીધા છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતની લીધી મુલાકાત
July 9, 2026 10:23 pm
શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને લીધે સ્થાનિક વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને તેમનામાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખુદ વરાછાના અસરગ્રસ્ત વિસ્તારોની ગ્રાઉન્ડ ઝીરો પર મુલાકાત લેતા વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખાસ કરીને વરાછા 'યસ માર્કેટ'ના જે વેપારીએ અગાઉ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ અને આક્રોશ ઠાલવ્યો હતો, ડેપ્યુટી સીએમ ખુદ તે જ વેપારી પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે બેસીને ચાની ચુસ્કી માણતા તમામ વેપારીઓને આશ્વાસન આપ્યું હતું. આ મુલાકાત બાદ વેપારીઓએ ખુદ સ્વીકાર્યું હતું કે, "અમે ભારે નુકસાનીના કારણે આક્રોશમાં બોલી ગયા હતા, પરંતુ સરકારે અમારું પૂરતું ધ્યાન રાખ્યું છે અને મુલાકાત લઈને અમારું કામ સારી રીતે કરવાની ખાતરી આપી છે." ભારે નુકસાન થયું હોવા છતાં નાયબ મુખ્યમંત્રીની આ સહજતા અને હૂંફ જોઈને વરાછાના વેપારીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને વહેલી તકે આર્થિક સહાય મળશે તેવી નવી આશા વ્યક્ત કરી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપે સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા
July 9, 2026 10:00 pm
માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થતા તેમની ખાલી પડેલી બેઠક અંગે ભાજપે સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત નહીં ચલાવાય: ભેળસેળ કરનારાઓ સામે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની કડક કાર્યવાહી
July 9, 2026 5:47 pm
રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ભેળસેળિયા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્રએ મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
સોમનાથ દરિયામાં આપઘાતનો પ્રયાસ કરનાર માતા-પુત્રીને હોમગાર્ડ અને પોલીસે બચાવ્યા
July 9, 2026 5:16 pm
સોમનાથના દરિયાકિનારે એક મહિલાએ પોતાની 12 વર્ષની પુત્રી સાથે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. VIP પાર્કિંગ તરફથી દરિયામાં ઉતરેલી વેરાવળની આ મહિલાને ફરજ પરના હોમગાર્ડ અને પોલીસે સમયસર જોઈ લેતા તેમનો જીવ બચાવી લેવાયો હતો. બંનેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રભાસપાટણની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આ ઘટના પાછળનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર કમલમ ખાતે સંગઠનાત્મક કાર્યક્રમોનું આયોજન
July 9, 2026 5:16 pm
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આવતીકાલે પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ખાસ કરીને તમામ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓને ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ભાજપના સંગઠનના આગામી કાર્યક્રમો અને તેની વ્યુહરચના અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.
અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, વનમંત્રીની આકરી પ્રતિક્રિયા
July 9, 2026 4:57 pm
અમરેલીના લીલિયામાં સિંહના હુમલામાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના અંગે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ત્રણ યુવકો ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવા ગયા હતા અને સિંહને ઉશ્કેરતા આ હુમલો થયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. મંત્રીએ ચેતવણી આપી કે ચોમાસું સિંહોના મેટિંગનો સમય હોય છે, ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે. વન વિભાગ હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરશે.
અમદાવાદ પ્લાઝમા ચોરી કેસ: મહારાષ્ટ્ર કનેક્શનનો ખુલાસો, બે આરોપી ઝડપાયા
July 9, 2026 4:21 pm
શહેરમાં ચકચાર જગાવનાર પ્લાઝમા ચોરીના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે ચોરાયેલું પ્લાઝમા મહારાષ્ટ્રની બ્લડ બેંકોમાં મોકલવામાં આવતુ. પોલીસે મહારાષ્ટ્રની બ્લડ બેંક સાથે સંકળાયેલા પ્રકાશ સાંગલે અને અશોક સાંગલેની ધરપકડ કરી છે. આરોપીઓ બેંગ્લુરુમાં ગેરકાયદે પ્લાઝમા વેચતા હતા. આ કેસમાં ડ્રાઈવર અજીત સોલંકીનું નામ પણ ખૂલ્યું છે, જે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી પ્લાઝમા લાવતો હતો. તેમાંથી 275 બેગની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રેકેટની તમામ કડીઓ જોડી તપાસ તેજ કરી છે.
જામનગરમાં આશા વર્કર બહેનોનું ઉગ્ર આંદોલન: લઘુત્તમ વેતન અને કાયમી કરવાની માગ
July 9, 2026 4:20 pm
છેલ્લા ચાર વર્ષથી માનદ વેતનમાં કોઈ વધારો ન થતા જામનગરની આશા વર્કર બહેનોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. બહેનોએ આજે સામૂહિક ધરણા કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આંદોલનકારીઓએ લઘુત્તમ વેતન રૂ. 36 હજાર કરવા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી NHMમાં મર્જ કરવા તેમજ સમાન કામ માટે સમાન વેતન અને EPF-ESI જેવી સુવિધાઓની માગ કરી છે. આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલી તકે ઉકેલની માગ કરવામાં આવી છે.
PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો બીજો દિવસ
July 9, 2026 3:55 pm
કહ્યું દુનિયા ઉર્જાના સંકટમાંથી પસાર થઈ રહી છે. દુનિયાને ઉર્જાના સંકટમાંથી સાથે મળીને બહાર લાવવાનું છે. પરસ્પરના હિતોને વધારવાની આપણી જવાબદારી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવસારી પહોંચ્યા, વહીવટી કામગીરીની સમીક્ષા કરી
July 9, 2026 3:13 pm
નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ મુલાકાત લીધી હતી. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર મનીષ ગુરુવાણી, સચિવ આદ્રા અગ્રવાલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિકાસકાર્યો અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
વહિવટી તંત્ર દ્વારા આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી
July 9, 2026 2:49 pm
ઇલેક્ટ્રીક વાયરોનું સુરક્ષિત રીપેરીંગ કરીને 79 વીજ ઉપકરણો અને 135 વીજ સ્વીચોનું રીપેરીંગ તથા રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 14 એ.સી. અને 79 ફર્નિચર ટેબલ-ખુરશીનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું. આ તમામ કામગીરી દ્વારા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોને સંપૂર્ણપણે સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યા છે. "નમો સ્વચ્છતા અભિયાન" અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશ દરમિયાન રાત-દિવસ જોયા વગર ઉત્કૃષ્ટ અને સુંદર કામગીરી કરનાર આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને વહિવટી તંત્ર દ્વારા પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રમાણપત્ર એનાયત કરી વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા છે.
Surendranagar જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 'નમો સ્વચ્છતા અભિયાન' હેઠળ તમામ આરોગ્ય કેન્દ્રો કરાયા સુઘડ
July 9, 2026 2:48 pm
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા. 01-07-2026 થી 07-07-2026 સુધી સાપ્તાહિક "નમો સ્વચ્છતા અભિયાન"નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટર જી.એચ.સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે સ્વચ્છતા અને સમારકામની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
July 9, 2026 2:26 pm
01 - Surat : પર્વત ગામમાં વહેલી સવારે બિલ્ડિંગ નમી પડતા દોડધામ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
02 - Arvalli : મોડાસામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, કોલેજ છાપરા વિસ્તારમાં ગેરકાયદે 24 દબાણ દૂર કરાયા
03 - સુરતમાં ખાડીપૂરનું સંકટ: CM ભૂપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટીલ અને હર્ષભાઇ સંઘવીની મોટી બેઠક
04 - Tapi મા મેઘમહેર, ડોસવાડા ડેમ છલકાયો, આકાશી દ્રશ્યોમાં કેદ થયું અદભૂત સૌંદર્ય
05 - Surat News: સુરતમાં વરસાદી આફત, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત
08 - Gold Silver Price : MCX પર સોના અને ચાંદીના ભાવ ઘટ્યા,જાણો 24 થી 18 કેરેટ સોનાના ભાવ
09 - Weather Forecast : દિલ્હી-હરિયાણા માટે વરસાદનું રેડ એલર્ટ ! જાણો ગુજરાતની કેવી રહેશે સ્થિતિ
સ્ટ્રક્ચર રિપોર્ટની જોવાઈ રહી છે રાહ
July 9, 2026 2:13 pm
સુરતમાં અગાઉ પણ જર્જરિત ઈમારતોને લઈને અનેક અકસ્માતો સર્જાયા છે, ત્યારે પર્વત ગામની આ ઘટનાએ ફરી એકવાર વહીવટીતંત્ર અને બિલ્ડરોની બેદરકારી સામે પ્રશ્નો ઉભા કર્યા છે. સદનસીબે, સમયસૂચકતાને કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ ચોક્કસપણે શહેરીજનોમાં ડરનો માહોલ ઊભો કર્યો છે.
ઈમારતને તોડી પાડવા સ્થાનિકોની માગ
July 9, 2026 2:13 pm
આ ગંભીર ઘટના બાદ ફાયર વિભાગે તુરંત મહાનગરપાલિકાના સત્તાધીશોને આ બાબતની જાણ કરી હતી. બિલ્ડિંગની નબળી સ્થિતિ અને તે એક તરફ નમી પડવાના કારણો જાણવા માટે પાલિકાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તંત્ર 'સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ' (Structure Stability Report) ની રાહ જોઈ રહ્યું છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે કે બાંધકામમાં કોઈ ખામી હતી, અને ત્યારબાદ જ ઈમારતને તોડી પાડવી કે અન્ય કોઈ સુરક્ષિત પગલાં લેવા તે અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે.
Surat : પર્વત ગામમાં વહેલી સવારે બિલ્ડિંગ નમી પડતા દોડધામ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
July 9, 2026 2:13 pm
Surat શહેરમાં આજે વહેલી સવારે પર્વત ગામ વિસ્તારમાં દોડધામ મચી હતી. 4 માળની બિલ્ડિંગ અચાનક નમી પડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા. બિલ્ડિંગ અચાનક એક તરફ નમી પડતા સ્થાનિકોમાં ગભરાહટનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યું હતુ. ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. બિલ્ડિંગની હાલત જોતા કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુથી ફાયર જવાનોએ ત્વરિત નિર્ણય લઈને આખી બિલ્ડિંગને ખાલી કરાવી દીધી હતી. સ્થાનિકોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.
ઘર ખાલી કરવા પાલિકાએ નોટિસ ના આપી!
July 9, 2026 1:53 pm
સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ એવો હતો કે, તેમને આ અંગે અગાઉ કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી અને અચાનક આવીને તંત્રએ તેમના ઘર તોડી પાડ્યા છે. અને અમારી પાસે રહેવા માટે બીજું કોઈ ઠેકાણું નથી અને અમને જાણ પણ ન કરવામાં આવી, તેમ સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું. તો બીજી તરફ, તંત્ર દ્વારા સ્થાનિકોના આ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ દબાણો દૂર કરવા માટે બે વર્ષ અગાઉ જ નોટિસ આપવામાં આવી હતી અને તેની નિર્ધારિત મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે.
Arvalli : મોડાસામાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું, કોલેજ છાપરા વિસ્તારમાં ગેરકાયદે 24 દબાણ દૂર કરાયા
July 9, 2026 1:53 pm
મોડાસા શહેરના કોલેજ છાપરા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા એક મોટી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકા, પ્રાંત અધિકારી અને માર્ગ અને મકાન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કુલ 24 જેટલા કાચા અને પાકા મકાનોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિક રહીશોએ તંત્રની કામગીરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
સુરતમાં ખાડીપૂરની સ્થિતિ પર CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચસ્તરીય બેઠક, અસરગ્રસ્ત વિસ્તારોની કરશે મુલાકાત
July 9, 2026 1:18 pm
સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડીપૂરની ગંભીર સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સ્થાનિક ધારાસભ્યો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ મુખ્યમંત્રી જાતે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.
ઓલપાડના સાયણમાં ખાડીના પૂર ઓસરવાનું શરૂ
July 9, 2026 12:52 pm
ખાડીના પાણી ઓછા થતા તંત્ર લાગ્યું કામે, સાયણ ગ્રામ પંચાયત દ્વારા 1500 કિલો જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો, રોગચાળોના ફાટી નીકળે તે માટે અલગ અલગ વિસ્તારમાં પાઉડર નો છંટકાવ કરવામાં આવ્યો, સાથે જ રસ્તાઓ પર જમા થઈ ગયેલ કચરો JCB ની મદદ થી દૂર કરાયો. 20 વર્ષ બાદ પહેલીવાર સાયણમાં ખાડી પૂર આવ્યા. દવાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું.
ડેમ ઓવરફ્લો થતા જ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા
July 9, 2026 12:45 pm
આ ઓવરફ્લો થતા ડેમનો નજારો માત્ર તાપી જિલ્લાના જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વરસાદની આ મહેરને કારણે આવનારા દિવસોમાં પાણીની સમસ્યા હળવી થવાની આશા સેવાઈ રહી છે, સાથે જ પ્રકૃતિની આ ભવ્યતા સૌ કોઈને રોમાંચિત કરી રહી છે.
તાપીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો
July 9, 2026 12:44 pm
જોકે, ડેમ ઓવરફ્લો થવાની સાથે વહીવટી તંત્ર પણ સંપૂર્ણ સતર્ક બની ગયું છે. ડેમની નીચેના ભાગમાં આવેલા અને નદી કિનારે વસવાટ કરતા ગામોના લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના હોવાથી લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. ડેમ ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ ખળખળ વહેતો જોઈને કુદરતી સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગની ટીમ દ્વારા ડેમની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Tapi મા મેઘમહેર, ડોસવાડા ડેમ છલકાયો, આકાશી દ્રશ્યોમાં કેદ થયું અદભૂત સૌંદર્ય
July 9, 2026 12:44 pm
Tapi જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સોનગઢ તાલુકાના ડોસવાડા ગામે આવેલો ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી પર પાણીનું સ્તર વધતા ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને પાણીનો પ્રવાહ છલકાઈ રહ્યો છે.
વીજળી નહી મળે તો પાકને નુકસાન થઈ શકે છે
July 9, 2026 12:29 pm
ચોમાસું સિઝન હોવાથી ખેતરોમાં મગફળી અને કપાસના પાક તૈયાર થઈ રહ્યા છે જેમાં પિયતની વધુ જરૂર હોય છે. બીજી તરફ વરસાદે પણ વિરામ લીધો હોવાથી તકલીફ પડી રહી છે. ખેડૂતો સંપૂર્ણપણે વીજળી અને પિયત પર આધારિત બની ગયા છે. આકડેશ્વર ફિડર હેઠળ આવતા ગામોમાં વીજળીની સતત અવર-જવર અને ઓછા વોલ્ટેજની સમસ્યાને કારણે પિયત કરવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સમયસર પિયત નહીં મળે તો આશરે 5 હજાર વીઘામાં ઉભેલો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ શકે છે.
Morbi ના હળવદમાં ખેડૂતોનો આક્રોશ, વીજળીના ધાંધીયા સામે પીજીવીસીએલ કચેરીમાં કર્યો હલ્લાબોલ
July 9, 2026 12:29 pm
Morbi જિલ્લાના હળવદ પંથકમાં વીજળીના ધાંધીયાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેતીના પાકો માટે પાણીની અત્યંત આવશ્યકતા હોવા છતાં પીજીવીસીએલ (PGVCL) દ્વારા કરવામાં આવતી અનિયમિત વીજ કાપને લીધે આજે હળવદના કિડી, ઈગોરાળા અને અજિતગઢ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને હળવદ પીજીવીસીએલ કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે સમય પ્રમાણે વીજળી ના મળતા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
સાબરમતીમાં ડિમોલિશનનો ધમધમાટ
July 9, 2026 12:11 pm
રોડ લાઈન અમલમાં અનેક કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવામાં આવશે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે આ રોડનું વિસ્તરણ અનિવાર્ય
July 9, 2026 12:10 pm
પ્રથમ તબક્કામાં જે કોમર્શિયલ બાંધકામો આ પ્રોજેક્ટની વચ્ચે આવતા હતા, તેમને દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા અગાઉથી જ અસરગ્રસ્તોને નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થાનિકોમાં આ બાબતે નારાજગી જોવા મળી હતી. પોતાની આજીવિકા કે વ્યવસાયના સ્થળને તોડતા જોઈ સ્થાનિક વેપારીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી. જોકે, કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, શહેરના વધતા ટ્રાફિક અને સ્ટેડિયમમાં યોજાતા મોટા કાર્યક્રમો સમયે થતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે આ રોડનું વિસ્તરણ અનિવાર્ય છે.
Ahmedabad મા મેગા ડિમોલિશન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડને પહોળો કરવા માટે પાલિકાનું 'બુલડોઝર' ફરી વળ્યું
July 9, 2026 12:10 pm
સાબરમતી વિસ્તારમાં આવેલ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પહોંચતા માર્ગને વધુ પહોળો અને સુવિધાજનક બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી ટોલનાકાથી લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર-1 સુધીના આ માર્ગ પર લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. હાલમાં આ માર્ગ 18 મીટરનો ટીપી રોડ છે, જેને વધારીને 61 મીટર કરવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ વિસ્તરણ માટે એસ્ટેટ વિભાગ દ્વારા વહેલી સવારથી જ કામગીરી શરૂ કરી હતી. આ કાર્યવાહીમાં એસ્ટેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સાથે પોલીસ કાફલો, ફાયર વિભાગ અને ટોરેન્ટ પાવરની ટીમો પણ જોડાયા હતા જેથી કરીને કોઈ પણ પ્રકારનો અવરોધ ન આવે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિકાસ માટે મહત્વના છે : CM BHUPENDRA BHAI PATEL
July 9, 2026 11:43 am
લેબ પુરતો આ વિષય મર્યાદીત રહ્યા નથી. ઈનોવેશન અને ટેકનોલોજીનો વિકાસ કર્યો, પાયાની બાબત ડેટા રહ્યું છે. આર્થિક વિકાસનો ડેટા આધાર છે. ઈમર્જિંગ સેક્ટરને નવી ગતી આપે છે. ભારત ડેટા ઉત્પાદનમાં વિશ્વમાં એક બન્યો છે. કેન્દ્રીય બજેટમાં ક્લાઉડ અને એઆઈ માટે મોટી જાહેરાત કરી છે.
અકોટા પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
July 9, 2026 11:37 am
આ મામલે હિન્દુ સંગઠનો પીડિતાની માતાની વહારે આવ્યા અને વડોદરા તેમજ રાજસ્થાનમાં કાયદાકીય મદદ પૂરી પાડી હતી. આખરે પીડિતાની માતાએ વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી. પોલીસે સરાહનીય કામગીરી કરીને સગીરાને વિધર્મીના ચુંગાલમાંથી હેમખેમ છોડાવી લીધી છે. જો કે, આરોપી સલીમ હાલ ફરાર છે અને તેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતાની માતાએ માગ કરી છે કે નરાધમ સલીમ અને તેના ગુનાહિત પરિવાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. વડોદરા પોલીસ હાલ આરોપીને પકડવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે, ત્યારે આ ઘટનાએ સોશિયલ મીડિયાના ઉપયોગ અને સગીરાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે.
આરોપી અને સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા
July 9, 2026 11:37 am
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.અપહરણ કર્યા બાદ આરોપી સલીમે સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ સગીરાના દાગીના અને મોબાઈલ ફોન પણ વેચી માર્યા હતા. આ ગુનામાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે આરોપી સલીમનો પરિવાર પણ તેના આ કાળા કરતૂતોમાં સંપૂર્ણપણે સામેલ હતો. આરોપીની માતાએ પીડિતાની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સગીરાને પરત સોંપવાના બદલામાં 1 લાખ રૂપિયાની ખંડણી પણ માંગી હતી.
Vadodara : લવ જેહાદના બહાને યુવતીનું શોષણ, સગીરાના ઘરેણાં અને મોબાઈલ વેચી મારનાર હેવાનને શોધવા પોલીસની તપાસ તેજ
July 9, 2026 11:36 am
લવ જેહાદ અને અપહરણનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનની એક સગીરાને સુરક્ષિત રાખવા માટે વડોદરા મોકલવામાં આવી હતી, પરંતુ વિધર્મી યુવાન ત્યાંથી પણ તેનું અપહરણ કરી ગયો અને ત્યારબાદ જે આચરવામાં આવ્યું તે કંપારી છૂટી જાય તેવું છે.
વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર
July 9, 2026 11:12 am
03 - Bhavnagar Police : ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા યોજાશે, સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ એક્શન મોડમાં
04 - Ahmedabad Cat Registration : AMCનો નવો નિર્ણય, પાલતું બિલાડીનું રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું
06 - Gujarat Latest News : અમદાવાદના વાસણા-વેજલપુર રોડ પર ભૂવો પડયો
07 - Maharashtra Earthquake : મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા, નાંદેડ-હિંગોલી પ્રદેશ હચમચ્યો !
08 - US Attack on Iran : ઈરાન પર અમેરિકાનો વિનાશક પ્રહાર ! રેલવે પુલ અને પાવર ગ્રીડને બનાવ્યા નિશાન
આવનારા દિવસોમાં પર્યટકોની સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે
July 9, 2026 11:05 am
અહીંના ડુંગર પર રૂક્ષ્મણી માતાજીનું મંદિર પણ આવેલું છે, જે ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. ચોમાસાની ઋતુમાં તુલસીશ્યામનો આ નજારો કોઈ પણ પ્રવાસી માટે એક યાદગાર અનુભવ બની રહે છે. ડ્રોન ફૂટેજમાં દેખાતા વિશાળ જંગલ વિસ્તારો અને લીલાછમ ડુંગરો જોઈને લાગે છે કે જાણે આપણે કોઈ બીજા જ લોકમાં આવી ગયા છીએ. જો તમે પણ કુદરતી સૌંદર્યના ચાહક હોવ, તો તુલસીશ્યામની આ મુલાકાત તમારા માટે શ્રેષ્ઠ રહેશે. વરસાદી ઝાપટાં વચ્ચે જ્યારે વાદળો પર્વતોને સ્પર્શતા હોય, ત્યારે અહીંનું વાતાવરણ અત્યંત શાંત અને ભક્તિમય બની જાય છે. ગીરનું આ નજરાણું પ્રકૃતિ અને પર્યાવરણના પ્રેમીઓ માટે એક અદભૂત ઉપહાર સમાન છે.
કુદરતનું આ સ્વરૂપ વર્ષમાં એક જ વાર જોવા મળે છે
July 9, 2026 11:05 am
તુલસીશ્યામનું આ ક્ષેત્ર ગીરના મધ્યમાં આવેલું હોવાથી અહીંની પ્રાકૃતિક સુંદરતા અકલ્પનીય છે. કુદરતે જાણે પોતાના છુટા હાથે આ ભૂમિને આશીર્વાદ આપ્યા હોય તેમ જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર હરિયાળી જ નજરે પડે છે. ડુંગરાળ વિસ્તારમાં વહેતા ઝરણાં અને ઘટાદાર વૃક્ષો પર્વતમાળાઓને વધુ સુંદર બનાવી રહ્યા છે. અહીંની પ્રકૃતિનું સૌંદર્ય નિહાળવા માટે દૂર-દૂરથી પ્રકૃતિ પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ રમણીય વાતાવરણની વચ્ચે ભગવાન શ્યામ સુંદર બિરાજમાન છે, જેમના દર્શન કરવા માટે ભાવિકોનો મેળાવડો જામે છે.
Gir Somnath : જાણે પૃથ્વી પર ઉતરી આવ્યું સ્વર્ગ, ગીરના જંગલમાં વરસાદી વાતાવરણ વચ્ચે તુલસીશ્યામનું મનમોહક રૂપ
July 9, 2026 11:04 am
ગીરના હૃદય સમાન ગણાતા તુલસીશ્યામ ખાતે ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર વિસ્તાર જાણે લીલીછમ ચાદર ઓઢીને બેઠો હોય તેવો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. હાલમાં તુલસીશ્યામના આ મનોહર દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. આ દ્રશ્યો એટલા મનમોહક છે કે તેને જોઈને જ આંખોને પરમ શાંતિ અને મનને અનેરો ઉત્સાહ મળે છે.
ભરૂચના હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી નવજાત શિશુ મળી આવ્યું
July 9, 2026 10:33 am
નિષ્ઠુર જનેતા લગભગ 1 માસના બાળકને ત્યજી ફરાર. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ મારફતે નવજાત બાળકને સારવાર અર્થે ખસેડયું. હાંસોટ પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી. વરસાદી વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચેથી નવજાત બાળક મળી આવ્યું.
DYCM હર્ષભાઇ સંઘવી દ્રારા અમદાવાદ RTO કચેરીનું ઉદ્ધાટન કરાયું
July 9, 2026 10:24 am
62 કરોડના ખર્ચે તૈયાર થઇ છે RTOની નવ નિર્મિત કચેરી, સર્વર ડાઉન થવાની કે ઓનલાઇન કામ અટકવાની સમસ્યા ઘટશે, પ્રવેશદ્વાર પર જ અરજદારો માટે સેન્ટ્રલ એસી ડોમ તૈયાર કરાયો, પ્રીમિયમ સેટિંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી. લાંબીલાઇનોમાં ઊભા રહેવાની સમસ્યાથી પણ મળશે છૂટકારો. હવે કોઇની ભલામણથી પણ ડ્રાઇવિંગ લાયસન્સ નહીં નીકળે: હર્ષભાઇ. હર્ષભાઇ સંઘવીની ભલામણથી પણ લાયસન્સ નહીં નીકળે: હર્ષભાઇ. AI સિસ્ટમ જે પાસ કરશે તેને જ લાયસન્સ મળશે: હર્ષભાઇ. વાહન ચલાવતા આવડતું હશે તો જ લાયસન્સ મળશે: હર્ષભાઇ.
ગુજરાતમાં ખેડૂતોનો ડેટા 100 ટકા સુરક્ષિત રખાશે
July 9, 2026 10:17 am
કૃષિ વિભાગ દ્વારા 'વિભાગીય ડેટા સમિતિ’ની રચના, કેન્દ્રના DPDP એક્ટ અને ગુજરાત ફ્રેમવર્ક હેઠળ પગલું, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એકટ હેઠળ DDCની રચના. સલામત, વચેટિયાઓ અને છેતરપિંડી પર લાગશે નિયંત્રણ, ગુપ્ત માહિતી સલામત રહેતા છેતરપિંડી પર લાગશે બ્રેક ડેટા સુરક્ષિત થતાં સરકારી સહાય વધુ ઝડપથી પહોંચશે. લાભાર્થી ખેડૂતો સુધી સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં લેવાયો નિર્ણય.
8 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરાયું
July 9, 2026 9:59 am
શહેરના વિવિધ રૂટ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, લોકોની સુરક્ષા અને ઉત્સવની ભવ્યતા જળવાઈ રહે તે માટે પોલીસ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી. ભાવનગર પોલીસનું આ આક્રમક સુરક્ષા અભિયાન ગુનેગારોમાં ફફડાટ ફેલાવવા અને શાંતિપ્રિય નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવા માટે છે. પોલીસની આ સતર્કતા રથયાત્રાના આયોજકો અને ભાવિકોમાં વિશ્વાસ જગાવે છે. સમગ્ર શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવનગર પોલીસનું મોટું અભિયાન
July 9, 2026 9:59 am
આ ટીમો દ્વારા શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનું મુખ્ય ધ્યાન અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા અને શંકાસ્પદ લોકો પર છે. પોલીસ ટીમો આવા તત્વોના ઘરો પર પહોંચી તપાસ કરી રહી છે જેથી કરીને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. મેગા કોમ્બિંગ ઉપરાંત, શહેરના તમામ પ્રવેશદ્વારો અને મુખ્ય રસ્તાઓ પર સુરક્ષાનું ચુસ્ત પાસું ગોઠવવામાં આવ્યું છે. શહેરમાં અલગ-અલગ 8 જેટલી ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.
Bhavnagar Police : ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા યોજાશે, સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ એક્શન મોડમાં
July 9, 2026 9:59 am
ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની 41 મી ભવ્ય રથયાત્રા નીકળવાની છે. આ પવિત્ર મહોત્સવ કોઈ પણ અડચણ વગર અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ તંત્ર અત્યારથી જ અત્યંત એલર્ટ મોડ પર આવી ગયું છે. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ શહેરમાં 'મેગા કોમ્બિંગ' ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ દ્વારા એક વિશેષ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે 350 જેટલા પોલીસ કર્મચારીઓની 29 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
બિલાડીના રજિસ્ટ્રેશન માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે
July 9, 2026 9:43 am
અરજી કરતી વખતે નાગરિકોએ પોતાની ઓળખના પુરાવા તરીકે [Aadhaar Redacted], વર્તમાન રહેઠાણનું સરનામું, પાલતુ પ્રાણીનો સ્પષ્ટ ફોટો અને તેનું વેક્સિનેશન (રસીકરણ) કાર્ડ અપલોડ કરવું ફરજિયાત છે. આ પ્રક્રિયાથી શહેરમાં રહેતા પાલતુ પ્રાણીઓનો ડેટાબેઝ તૈયાર થશે, જેનાથી રસીકરણની સ્થિતિ અને સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવી સરળ બનશે. જેની નોંધણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઈટ https://ahmedabadcity.gov.in પરથી ઓનલાઈન માધ્યમથી જરૂરી ફી ચુકવી, વિગતો ભરી, પુરાવા સબમીટ કરી નોંધણી કરાવવાની રહેશે.
અમદાવાદમાં હવે બિલાડી પાળવી પડશે મોંઘી?
July 9, 2026 9:43 am
AMC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી મુજબ, શ્વાન માલિકોએ વાર્ષિક 2000 રૂપિયા અને બિલાડીના માલિકોએ 200 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન કરાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીની અંતિમ તારીખ આપવામાં આવી છે. જે નાગરિકો નિયત સમયમર્યાદામાં પોતાના પાલતુ પ્રાણીઓનું રજિસ્ટ્રેશન નહીં કરાવે, તેમની સામે પાલિકાના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રાખવામાં આવી છે.
Ahmedabad Cat Registration : AMCનો નવો નિર્ણય, પાલતું બિલાડીનું રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું
July 9, 2026 9:42 am
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પાલતુ પ્રાણીઓ રાખતા નાગરિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન ફરજિયાત હતું, પરંતુ હવે AMCના CNCD વિભાગે નવી નોટિસ જાહેર કરીને પાલતુ બિલાડીઓ (પેટ કેટ) માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધું છે. આ નિર્ણય કેન્દ્ર સરકારના ABC (Animal Birth Control) નિયમ-2023 અને NAPRE-2030 અંતર્ગત લેવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પાલતુ પ્રાણીઓની ગણતરી અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
Banaskantha : નાસ્તાના ગોડાઉનમાં લાગેલી આગે મચાવી દોડધામ, ફાયર વિભાગે આગને લીધી કાબુમાં
July 9, 2026 9:27 am
વાવ-થરાદ-દિયોદર હાઈવે પર આવેલ નાસ્તાના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. નાસ્તાના ગોડાઉનમાં લાગેલી આ આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
વહીવટી તંત્ર દ્વારા હજુ પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
July 9, 2026 9:27 am
રેસ્ક્યુ કરાયેલા લોકોને શહેરની શાળા-કોલેજો, કોમ્યુનિટી હોલ અને શેલ્ટર હોમમાં આશરો આપવામાં આવ્યો છે. સુરતમાં વીજળીની સ્થિતિ પણ ગંભીર છે. અકસ્માત ટાળવા માટે 600 ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવ્યા છે, પરિણામે 74 હજાર ગ્રાહકો અંધારામાં જીવન વિતાવવા મજબૂર બન્યા છે. રાજ્ય સરકાર પણ આ મામલે સતર્ક છે. સુરતની કપરી સ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુરત આવી રહ્યા છે. બપોરે 12 વાગ્યે તેઓ સિટી લાઈટ સ્થિત પાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની મુલાકાત લેશે. અહીં તેઓ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બે તબક્કામાં બેઠક કરી રાહત કામગીરી અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી પૂરગ્રસ્ત નવસારી જિલ્લાની મુલાકાત માટે રવાના થશે.
64 જેટલી રેસ્ક્યુ બોટની મદદ લેવાઈ
July 9, 2026 8:59 am
એટલું જ નહીં, પૂરના પાણીમાં 3 હજારથી વધુ વાહનો ગરકાવ થઈ ગયા છે. તહેવારોની સીઝન નજીક હોવાથી વેપારીઓ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. આ ભયાનક સ્થિતિમાં તંત્રની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. NDRF, SDRF, ફાયર વિભાગ અને પોલીસની ટીમો છેલ્લા બે દિવસથી ખડેપગે રહીને કામ કરી રહી છે. 64 જેટલી રેસ્ક્યુ બોટની મદદથી 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
Surat : ખાડીના પાણીએ મચાવ્યું મોતનું તાંડવ, 47 વિસ્તારો હજુ પણ જળ મગ્ન, ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓને અંદાજિત 800 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા
July 9, 2026 8:59 am
છેલ્લા 72 કલાકથી સુરત શહેર પર મેઘરાજાએ જે કહેર વર્તાવ્યો છે, તેના કારણે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું આ શહેર હાલમાં અસ્તવ્યસ્ત બની ગયું છે. ખાડીઓના ઓવરફ્લો થવાથી સર્જાયેલા પૂરને કારણે સુરત જળમગ્ન થયું છે, જેમાં જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે.
અમદાવાદનું સ્માર્ટ સિટીનું સપનું કાદવમાં!
July 9, 2026 8:34 am
ભૂવા પડવાની આ ઘટનાને પગલે વાહનચાલકો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે. ઘણીવાર ભૂવા પાણીમાં હોવાથી અચાનક નજરે પડતા નથી, જેના કારણે અકસ્માતનો ભય પણ સતત રહે છે. તંત્ર દ્વારા માત્ર ખાડા પૂરવાને બદલે રસ્તાઓની ગુણવત્તા સુધારવા માટે નક્કર પગલાં લેવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. હાલ તો સ્થળ પર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
જીવરાજ પાર્ક ચાર રસ્તા એ શહેરનો અત્યંત વ્યસ્ત વિસ્તાર છે
July 9, 2026 8:34 am
સવાર અને સાંજ પીક અવર્સ દરમિયાન અહીં હજારો વાહનોની અવરજવર રહે છે. રસ્તાઓ બંધ થવાને કારણે વાહન ચાલકોએ લાંબા રૂટનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાના કામમાં કરવામાં આવેલી નબળી કામગીરી અને ભ્રષ્ટાચારને કારણે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. થોડા વરસાદમાં જ રસ્તાઓ બેસી જવા એ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે.
Ahmedabad : જીવરાજ પાર્કમાં ડબલ આફત, એકસાથે બે 'ટ્વિન્સ' ભૂવા પડતા વાહન વ્યવહાર ઠપ્પ
July 9, 2026 8:33 am
ચોમાસાની શરૂઆત થતાં જ અમદાવાદ શહેરમાં રસ્તાઓની પોલ ખૂલી ગઈ છે. નજીવા વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા બેસી જવાની અને મોટા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં એકસાથે બે 'ટ્વિન્સ' ભૂવા પડતા વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
આજે 4 જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ
July 9, 2026 8:16 am
દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. હવે વરસાદનું જોર ઘટવાથી જનજીવન ફરી સામાન્ય તરફ વળશે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેશે, પરંતુ ભારે વરસાદની કોઈ મોટી ચેતવણી હાલ પૂરતી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેલ માર્ક લો પ્રેશર, 2 ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી 5 જેટલી સિસ્ટમ સક્રિય હતી જેમાંથી હવે ફક્ત 3 સિસ્ટમ એક્વિટ રહેતા વરસાદનું જોર ઘટી રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ 18% ઓછો વરસાદ નોંધાયો
July 9, 2026 8:15 am
આ ઉપરાંત ડાંગ અને વાંસદા વિસ્તારમાં પણ 1-1ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જે તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, તેમાં રાજ્યના વિવિધ 13 તાલુકાઓમાં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. બાકીના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં સાથે સામાન્ય વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજયમાં ખેતીલાયક વરસાદ તો થઈ ચૂક્યો છે, પરંતુ હવે વરસાદનું જોર ઘટતા ખેડૂતોને પાક સંભાળવાની તક મળશે. લાંબા સમયથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે હવે વાતાવરણમાં સૂર્યપ્રકાશ જોવા મળી શકે છે.
Gujarat Weather : રાજયમાં આજથી વરસાદનું જોર ઘટવાની શકયતા, 24 કલાકમાં 60 તાલુકામાં નોંધાયો વરસાદ
July 9, 2026 8:15 am
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા વરસાદ બાદ હવે સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 60 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો વિષય જગાવ્યો છે
July 9, 2026 7:51 am
વનવિભાગના અધિકારીઓએ કડક શબ્દોમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ દ્વારા વન્યપ્રાણીઓ સાથેની આવી છેડતી કે પ્રવૃત્તિ સામે આવશે તો તેની સામે કાયદાકીય રીતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માનવ મૃત્યુના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક સ્તરે સિંહ દર્શન (Lion Viewing) ની પ્રવૃત્તિઓ છૂટથી ચાલતી હોવા છતાં વનવિભાગ કેમ અજાણ છે? તેવા ગંભીર સવાલો સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.
વનવિભાગ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે
July 9, 2026 7:51 am
ડીસીએફ ચિરાગ અમીને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વન્યપ્રાણીઓને હેરાન કરવા કે તેમની પજવણી કરવી તે વન અધિનિયમ હેઠળ ગંભીર ગુનો છે. સિંહો જેવી ગૌરવશાળી પ્રજાતિના વિસ્તારમાં માનવીય દખલગીરી ઘણીવાર જીવલેણ પરિણામો નોતરે છે. તેમણે સ્થાનિક લોકોને અપીલ કરી હતી કે જો ક્યાંય પણ વન્યપ્રાણીઓની પજવણી થતી જોવા મળે, તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવી જોઈએ.હાલમાં પાંજરે પુરાયેલા સિંહનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ઘટના સ્થળે ખરેખર કઈ પરિસ્થિતિ સર્જાઈ હતી તેની તપાસ ચાલુ છે.
Amreli : લીલીયામાં સિંહે યુવકને ફાડી ખાદ્યા બાદ વન વિભાગની કાર્યવાહી, એક સિંહને પાંજરે પુરવામાં આવ્યો
July 9, 2026 7:50 am
લીલીયા રેન્જમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં સિંહના હુમલામાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે વનવિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ (DCF) ચિરાગ અમીન તાત્કાલિક લીલીયા રેન્જ ઓફિસ પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા હતા.
આતંક મચાવી યુવાનને પતાવી દીધો
July 9, 2026 7:23 am
આ હુમલાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા આરોપીઓની શોધખોળ કરવા માટે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવાની તેમજ લોકેશનના આધારે તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે, જોકે પ્રાથમિક તપાસમાં હજી કોઈ આરોપીઓના ચોક્કસ નામ સામે આવ્યા નથી. હત્યાની ઘટનામાં 7 થી 8 જેટલા શખ્સો સામેલ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે, જેના આધારે તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં દહેશતનો માહોલ છે અને પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
ઘરની બહાર નીકળતા જ કૃષ્ણદેવસિંહ જાડેજા પર ફાયરિંગ થયું
July 9, 2026 7:23 am
ફાયરીંગ બાદ વચ્ચે પડતા રહેન્દ્રસિંહ જાડેજા સાથે માથાકૂટ કરી રિવોલ્વર માથામાં મારી ઇજા કરી હતી. DCP, ACP સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ દોડી ગઈ છે. મૃતકના કૌટુંબિક ભાઈ ગોપાલસિંહ જાડેજા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવે છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. આ સામાન્ય માથાકૂટ બાદ ઉશ્કેરાયેલા શખ્સે ફોન કરીને પોતાના પિતાને હથિયાર સાથે ત્યાં બોલાવી લીધા હતા. રિવોલ્વર જેવા હથિયારમાંથી સીધું આવીને જ કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં કૃષ્ણદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું છે.
Rajkot : નાનામવા રોડ પર ફાયરિંગનો તરખાટ, ભત્રીજાની હત્યા તો કાકા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
July 9, 2026 7:22 am
Rajkot ના મોકાજી સર્કલ પાસે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે અને તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે, પોલીસમેનના ભાઈની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. કાકા-ભત્રીજા પર મોકાજી સર્કલ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત થયું છે તો કાકાની હાલત ગંભીર છે.
PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો બીજો દિવસ
July 9, 2026 7:01 am
મેલબર્નમાં બિઝનેસ ફોરમ સમિટને PMનું સંબોધન, દુનિયા ઉર્જાના સંકટમાંથી પસાર થઈ રહી છેઃ PM,"દુનિયાને ઉર્જાના સંકટમાંથી સાથે મળીને બહાર લાવવાનું છે""પરસ્પરના હિતોને વધારવાની આપણી જવાબદારી"
વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029નું અનાવરણ
July 9, 2026 7:00 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે ડેટા સેન્ટર પોલિસીનું લોન્ચિંગ, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે મહત્વપૂર્ણ કાર્યક્રમ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ રહેશે ઉપસ્થિત, ડેટા સેન્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપશે નવી પોલિસી.
સુભાષબ્રિજ ખાતે નવી RTO કચેરીનું થશે ઉદ્ઘાટન
July 9, 2026 6:59 am
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કરશે લોકાર્પણ, વાહનચાલકોને મળશે આધુનિક RTO સુવિધાઓ.
કેશોદના પીખોર ગામના હવાલદાર થયા શહીદ
July 9, 2026 6:59 am
ફરજ દરમિયાન ભરતકુમાર દયાતરનું અવસાન. પ્રાથમિક માહિતી મુજબ હાર્ટ એટેકથી થયું નિધન, વડોદરાની EME સ્કૂલમાં બજાવતા હતા ફરજ, પાર્થિવ દેહને વતન પીખોર ગામે લવાયો.
ભાવનગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાની સુરક્ષાને લઈ પોલીસ એલર્ટ
July 9, 2026 6:58 am
જિલ્લા પોલીસ વડાની હાજરીમાં શહેરમાં મેગા કોમ્બિંગ હાથ ધરાયું. 350 પોલીસ કર્મચારીની અલગ-અલગ 29 ટીમો બનાવી મેગા કોમ્બિંગ હાથ ધરાયું. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. જુના ગુનાઓમાં સંડોવાયેલ લોકોની પોલીસે તપાસ હાથધરી.

