Gujarat Relief Package : 10 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
રાજ્યમાં કમોસમી વરસાદના માર વચ્ચે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યની 'દાદા સરકાર' ખેડૂતોની વ્હારે આવી છે અને ઐતહાસિક સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) મોટી જાહેરાત કરી છે. ખેડૂતો માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ (Farmer Relief Package) જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બે દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો. માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરી. કુદરતી આપત્તિમાં સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતો સાથે ઊભી છે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, 9 નવેમ્બરથી ટેકાના ભાવે (MSP) ખરીદી પણ શરૂ થશે. 15 હજાર કરોડથી વધુની ટેકના ભાવે ખરીદી કરાશે. મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરાશે. અન્નદાતાની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ખેડૂતોને સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે.
10 હજાર કરોડના પેકેજ મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
November 7, 2025 11:37 pm
પાક નુકસાનીમાં સરકારનાં સહાય પેકજ પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. 10 હજાર કરોડના પેકેજ મુદ્દે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાહત પેકેજ રાજ્યનાં ખેડૂતોની આંખમાં ધૂળ નાંખવા બરાબર છે. ગુજરાતનાં ખેડૂતોની ચિંતા હોય તો સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા ઐતિહાસિક સહાય પેકેજનાં મુખ્ય બિંદુ
November 7, 2025 8:25 pm
> ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે રૂપિયા 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ.
> પિયત અને બિનપિયત પાકો માટે એકસમાન ધોરણે સહાય.
> 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 થી વધુ ગામોનાં ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સરવે 5100 ટીમોએ હાથ ધર્યો.
> 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.
> કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500 થી વધુ ગામોનાં ખેડૂતોને નુકસાની.
> નુકસાની સરવે માટે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ-રાત કાર્યરત કરાઈ.
> મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત મોકલ્યા હતા.
Jitu Vaghani : પ્રતિ હેકટર 22 હજાર રૂપિયા આપવાનો નિર્ણય
November 7, 2025 8:16 pm
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી કે, રાજ્ય સરકારે બે હેકટરની મર્યાદામાં પ્રતિ હેકટર 22 હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. 16500 ગામોમાં કૃષિ નુકસાની થઈ હોવાનો અંદાજ છે. 41 લાખ હેકટરમાં પાક નુકસાની થઈ હોવાનો અંદાજ છે. જણાવી દઈએ કે, આ રાહત પેકેજમાં પિયત અને બિન-પિયતનાં નિયમો લાગું નથી કર્યા.
સુરત ખેડૂત આગેવાને કહ્યું - રાહત પેકેજ ખુબ જ ઐતિહાસિક..!
November 7, 2025 8:02 pm
સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરેલ સહાય અંગે સુરત ખેડૂત આગેવાનની પ્રતિક્રિયા સામે આવી છે. સહકારી ખેડૂત આગેવાન જયેશ પટેલે રાહત પેકેજ અંગે નિવેદન આપતા કહ્યું કે, રાહત પેકેજ ખુબ જ ઐતિહાસિક છે. આ પેકેજ રવિ પાક લેવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પત્રકાર પરિષદ
November 7, 2025 7:41 pm
માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત બાદ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી.
હિરેનભાઈ હિરપરાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
November 7, 2025 7:37 pm
ભાજપ કિસાન મોરચાનાં પ્રદેશ મહામંત્રી હિરેનભાઈ હિરપરાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, માવઠાની કપરી સ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોની ચિંતા કરી છે અને ખેડૂતો અને તેમના ખેતરો સુધી રાજ્ય સરકારનાં મંત્રીઓ પહોંચ્યા હતા અને ખેડૂતોની પીડાને જાણી હતી. ગુજરાતનાં વિકાસમાં ખેડૂતોનું મહત્ત્વનું યોગદાન છે. ત્યાર રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની સ્થિતિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રૂ. 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
November 7, 2025 7:37 pm
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી લખ્યું કે, ગુજરાત રાજ્યનાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને મબલખ નુકસાનનું પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંવેદનશીલ માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોની સહાય માટે જાહેર કરાયેલ રૂ.10,000 કરોડનું રાહત-સહાય પેકેજને આવકારું છું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ.15,000 કરોડથી વધુની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીથી પણ અન્નદાતાને સીધી આર્થિક રાહત મળશે. ધરતીપુત્રોના પરિશ્રમને સન્માન આપતી અને તેમના કલ્યાણને સર્વોપરી માનતી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિતમાં સંવેદનશીલ રહી છે.
સરકારે જાહેર કરેલા રાહત પેકેજને લઈ લાલજી દેસાઈની પ્રતિક્રિયા
November 7, 2025 7:22 pm
ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજને લઈ અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સરકાર પાસે ખેડૂતોને મોટી અપેક્ષા હતી. આશા હતી ઓછામાં ઓછું 1 લાખ કરોડ સહાય પેકેજ જાહેર થાય. પરંતુ, સરકારે માત્ર 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું.
ભાવનગરનાં ખેડૂતોની પ્રતિક્રિયા
November 7, 2025 7:22 pm
રાજ્ય સરકારએ રૂપિયા 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરતા ખેડૂતોએ આ પેકેજને અપૂરતું ગણાવ્યું છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો એ કહ્યું કે, આ પકેજ સામાન્ય છે પરંતુ, તેની સામે નુકસાન મોટા પ્રમાણમાં છે. ખેતી પર નભતા ખેતમજૂરો અને પશુપાલકોનું શું ? સરકારે આ પેકેજમાં 'મગનું નામ મરી' નથી પડ્યું. ખેડૂતોનું કહેવું છે કે રાજ્ય સરકાર નાનું પણ પેકેજ તો જાહેર કર્યું પરંતુ, કેન્દ્ર સરકારની ખેડૂતો પ્રત્યે સંવેદના હોવી જોઈએ. કેન્દ્ર સરકાર પણ રાહત પેકેજ જાહેર કરે તો ખેડૂતો પાક નુકસાનથી બહાર આવી શકે. હાલ આ પેકેજ માત્ર સામાન્ય હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.
ભાજપ નેતા અને IFFCO ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની પ્રતિક્રિયા
November 7, 2025 7:16 pm
ભાજપ નેતા અને IFFCO ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ગુજરાત સરકારનાં આ નિર્ણયને બિરદાવ્યો છે. તેમણે કહ્યું કે, કુદરતી આપદાનાં આ કઠિન સમયમાં ધરતીપુત્રોની વેદનાને સમજીને ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. હું તેનું સ્વાગત કરું છું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન અને આભાર.
9 નવેમ્બરથી ટેકાના ભાવે (MSP) ખરીદી પણ શરૂ થશે : CM
November 7, 2025 7:02 pm
મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, 9 નવેમ્બરથી ટેકાના ભાવે (MSP) ખરીદી પણ શરૂ થશે. 15 હજાર કરોડથી વધુની ટેકના ભાવે ખરીદી કરાશે. મગફળી, મગ, અડદ, સોયાબીનની ખરીદી કરાશે. અન્નદાતાની આર્થિક સુખાકારી માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ખેડૂતોને સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી અને રહેશે.
કૃષિ રાહત પેકેજને લઈને મુખ્યમંત્રીની મોટી જાહેરાત
November 7, 2025 7:02 pm
રાજ્ય સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, બે દાયકામાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ થયો. માવઠાથી રાજ્યના ઘણા જિલ્લામાં મોટું નુકસાન થયું છે.