આ તપાસ માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ્સ સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં AIથી બનાવેલા અથવા ફેરફાર કરાયેલા ફોટા, વીડિયો અને અવાજનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સાયબરનું માનવું છે કે આવા સંગઠિત નેટવર્કનો હેતુ લોકોના મતને પ્રભાવિત કરવાનો અને સમાજમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરવાનો હોઈ શકે છે.
મહારાષ્ટ્ર સાયબર શું છે અને તેની ભૂમિકા શું છે?
મહારાષ્ટ્રમાં સાયબર ગુનાઓ, ડિજિટલ છેતરપિંડી અને સોશિયલ મીડિયા પર થતા ગુનાઓની તપાસ માટે મહારાષ્ટ્ર સાયબર નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. આ એજન્સી સોશિયલ મીડિયા, વેબસાઇટ્સ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર સતત નજર રાખે છે. તાજેતરમાં કોક્રોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં પોસ્ટ્સ વાયરલ થઈ હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર સાયબરે વિશેષ મોનિટરિંગ અભિયાન શરૂ કર્યું હતું.
કેવી રીતે સામે આવ્યું સમગ્ર નેટવર્ક?
તપાસ દરમિયાન માત્ર પોસ્ટ્સ જ નહીં પરંતુ વિવિધ એકાઉન્ટ્સના વર્તન (Behavior Pattern), એકબીજા સાથેના સંબંધો અને કન્ટેન્ટ શેર કરવાની રીતનું ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે અનેક એકાઉન્ટ્સ લગભગ એકસરખા લખાણ, ફોટા અને વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર એક જ સમયે શેર કરી રહ્યા હતા. આ પ્રકારનું વર્તન સામાન્ય યુઝર્સ કરતાં સંગઠિત નેટવર્ક તરફ વધુ સંકેત આપે છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ જ્યારે અનેક એકાઉન્ટ્સ એક જ પ્રકારનો કન્ટેન્ટ સતત અને સમન્વયિત રીતે શેર કરે છે, ત્યારે તેને ઘણીવાર Coordinated Information Campaign તરીકે જોવામાં આવે છે.
429થી વધુ પોસ્ટ્સ અને હેન્ડલ્સ તપાસના દાયરામાં
મહારાષ્ટ્ર સાયબરે Instagram, X (પૂર્વે Twitter), Facebook અને YouTube સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કુલ 429 જેટલી આપત્તિજનક પોસ્ટ્સ અને હેન્ડલ્સની ઓળખ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પોસ્ટ્સમાં અનેક જગ્યાએ તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા અથવા જૂના ફોટા-વીડિયોને નવા ઘટનાક્રમ સાથે જોડીને રજૂ કરવામાં આવ્યા હતા. આવી પદ્ધતિ લોકોને ગેરમાર્ગે દોરવામાં અસરકારક સાબિત થાય છે કારણ કે સામાન્ય યુઝર દરેક માહિતીની ચકાસણી કરી શકતો નથી.
AIથી તૈયાર કરાયેલા કન્ટેન્ટનો વધતો ઉપયોગ
મહારાષ્ટ્ર સાયબર વિભાગ દ્વારા આધુનિક ઓડિયો-વીડિયો ફોરેન્સિક સાધનોની મદદથી કરવામાં આવેલી તપાસમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અયોગ્ય ઉપયોગ અંગેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ તપાસ દરમિયાન 140થી વધુ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને પોસ્ટ્સમાં કૃત્રિમ રીતે તૈયાર કરેલી અથવા AIની મદદથી ફેરફાર કરવામાં આવેલી સામગ્રી મળી આવી હતી. તેમાં ખાસ કરીને AI-જનરેટેડ ચિત્રો, મોર્ફ કરેલા વીડિયો, વોઇસ ક્લોનિંગ દ્વારા અવાજની નકલ, જાહેર હસ્તીઓની છબીને નુકસાન પહોંચાડતા વીડિયો તેમજ ગેરમાર્ગે દોરતાં વિવિધ ડીપફેક ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટનો સમાવેશ થાય છે, જે ડિજિટલ સુરક્ષા અને માહિતીની સત્યતા સામે એક મોટો સવાલ ઊભો કરે છે.
મોર્ફ્ડ ફોટા અને વીડિયો કેવી રીતે ભ્રમ ફેલાવે છે?
ડિજિટલ મીડિયામાં ચાલાકીપૂર્વક કરવામાં આવતા ફેરફારો સામાન્ય નાગરિકોમાં ગંભીર ભ્રમ અને ગેરસમજ ઊભી કરવા માટે એક મોટું સાધન બની ગયા છે. તાજેતરની તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ સામગ્રી સાથે ચેડાં કરીને અસામાજિક તત્વો નાની સભાઓમાં કૃત્રિમ રીતે ભીડ દર્શાવીને તેને વિશાળ જનસમર્થન તરીકે ખપાવે છે અથવા ભૂતકાળના જૂના વીડિયોને તાજી ઘટનાઓ સાથે સાંકળીને લોકોને ભ્રમિત કરે છે. આ સિવાય, જાહેર હસ્તીઓના ભાષણોમાં અવાજ બદલીને મનઘડંત નિવેદનો રજૂ કરવા અને તસવીરોમાં બહારના તત્વો કે નવી વ્યક્તિઓ ઉમેરીને આખી સ્થિતિને વિકૃત કરવા જેવા કારસા આચરવામાં આવે છે. આ પ્રકારની એડિટિંગ એટલી તકનીકી ચોકસાઈથી કરવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિ માટે તેની સત્યતા પારખવી ખૂબ મુશ્કેલ બને છે, જે આખરે સમાજમાં ખોટી માહિતી અને અફવાઓને વેગ આપે છે.
વિદેશમાંથી સંચાલિત થઈ રહ્યા હતા કેટલાક એકાઉન્ટ્સ
મહારાષ્ટ્ર સાયબરના જણાવ્યા અનુસાર તપાસમાં લગભગ 100 જેટલા એવા એકાઉન્ટ્સ પણ સામે આવ્યા છે, જે ભારતની બહારથી સંચાલિત થઈ રહ્યા હતા. એજન્સીના જણાવ્યા પ્રમાણે તેમાં પાકિસ્તાન તેમજ કેટલાક મધ્ય-પૂર્વના દેશોમાંથી સંચાલિત એકાઉન્ટ્સનો પણ સમાવેશ થાય છે. એજન્સીનો આરોપ છે કે આવા એકાઉન્ટ્સ દ્વારા ભારતીય યુઝર્સને નિશાન બનાવીને ચોક્કસ પ્રકારના ભ્રામક નેરેટિવને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું.
સોશિયલ મીડિયા પર55 ભ્રામક કન્ટેન્ટ અને શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે કાનૂની શિકંજો
મહારાષ્ટ્ર સાયબર વિભાગ દ્વારા સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી સામગ્રી અને શંકાસ્પદ એકાઉન્ટ્સ સામે આકરાં પગલાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ તપાસ અંતર્ગત સંબંધિત ડિજિટલ પ્લેટફોર્મ્સનો સંપર્ક કરીને ભ્રામક પોસ્ટ્સને તાત્કાલિક દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવા સાથે શંકાસ્પદ પ્રોફાઇલ્સ સામે કડક આકરી ભલામણો પણ કરવામાં આવી છે. આટલું જ નહીં, ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે આવા અસામાજિક નેટવર્ક સામે વિધિવત રીતે કાનૂની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જેથી ડિજિટલ માધ્યમો પર ખોટી માહિતી અને અફવાઓના પ્રસાર પર કડક લગામ કસી શકાય.
આ પણ વાંચો : CJP Viral Video : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPની પાર્ટીનો વીડિયો વાયરલ! મહેશ જેઠમલાણીએ ઉઠાવ્યા ફંડિંગ પર ગંભીર સવાલો