Maharashtra News : મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો છે. નાંદેડ-ભોકર રોડ પર વાકડ ગામ નજીક એક પૂરઝડપે દોડતી ટ્રક અને પિકઅપ વાન વચ્ચે સામસામે ભયંકર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ભયાનક અકસ્માત 8 લોકોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે બંને વાહનો ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યા હતા. વાકડ ગામ પાસે અચાનક બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી શક્તિશાળી હતી કે પિકઅપ વાનના પરખચ્ચે ઉડી ગયા અને તે રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામસ્થો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માતમાં 7 લોકો ઈજાગ્રસ્ત
દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક વાહનો દ્વારા ભોકરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ વંડરવારે આ દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ પામ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃતકોમાં એક પતિ-પત્ની અને બે સગા ભાઈઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહી
ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે કેટલાક ઘાયલોની હાલત ચિંતાજનક હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોડી રાત્રે જ નેતાઓ અને સ્થાનિક અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલોની સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રારંભિક તપાસમાં બંને વાહનોની અત્યંતને આ હૃદયદ્રાવક અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Earthquake in West Bengal : અલીપુરાદ્વાર વિસ્તારમાં સવારે અનુભવાયો 3.0 તીવ્રતાનો ભૂકંપ, કેન્દ્રબિંદ 9 કિ.મી નીચે નોંધાયું