Mumbai Building Collapse: માનખુર્દમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે રાત્રે ભારે વરસાદના કારણે એક મોટી હોનારત સર્જાઈ છે. જનતા નગર વિસ્તારમાં આવેલા હનુમાન મંદિર પાછળની ચાલ નંબર 5 ના ત્રણ માળનું મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં ચાર મહિલાઓ સહિત કુલ 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ સમાચાર મળતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
Mumbai Building Collapse: યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને બીએમસી વોર્ડ ઓફિસના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓએ પણ બચાવ કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે મોડી રાત સુધી રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. અધિકારીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કાટમાળ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
વરસાદના કારણે મુંબઈમાં હાહાકાર
ભારે વરસાદે મુંબઈની કમર તોડી નાખી છે. માનખુર્દની આ દુર્ઘટના છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ચોથી મોટી ઘટના છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સાકીનાકા વિસ્તારમાં મેનહોલમાં પડી જવાથી એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. અન્ય એક ઘટનામાં બસ પર ઝાડ પડવાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. વધુમાં, રસ્તાઓ બેસી જવાની ઘટનાઓમાં એક વાહન ખાડામાં ગરકાવ થઈ ગયું હતું, જોકે તેમાં સદનસીબે જાનહાનિ ટળી હતી.
રાજકીય ગરમાવો અને જનઆક્રોશ
મુંબઈના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. લોકો પાણીમાં નાવ ચલાવીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સતત વધી રહેલી આવી દુર્ઘટનાઓ બાદ વિપક્ષે બીજેપી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વહીવટીતંત્રની નિષ્ક્રિયતા અને વરસાદ સામેની તૈયારીઓના અભાવને કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશાસન હવે તપાસના આદેશ આપીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો--- Mumbai Heavy Rain Deaths : મુંબઈમાં ભારે વરસાદ આફત બન્યો; કુર્લા અને આરે કોલોનીમાં ઝાડ પડતા બે ના મોત