Mumbai Poisoning Plot Foil: મુંબઈ પોલીસે દક્ષિણ મુંબઈમાં મોહરમના જુલુસ દરમિયના હજારો લોકોને નિશન બનાવવાનું એક અત્યંત ભયાનક અને સનસનાટી ભર્યું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. શનિવારે, પોલીસે પુણેથી એક 39 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર શિયા મોહરમના જુલુસ દરમિયાન ઉંદર મારવાના ઝેરી કેપ્સ્યુલનું વિતરણ કરવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ મોટા પ્રમાણમાં લોકોને મારવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં પુણેના એક 39 વર્ષીય ઉદ્યોગપતિની ધરપકડ કરી છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આ વ્યક્તિ જુલુસમાં હાજર લોકોને પેઈન કિલરની દવાના નામે ઉંદર મારવાનું તીવ્ર ઝેર ધરાવતી કેપ્સ્યુલ્સ વહેંચી રહ્યો હતો. આ કાવતરાની ભનક મુંબઈ પોલીસને થતા તાત્કાલિક ધોરણે પોલીસ એકશન મોડમાં આવીને કાવતરાનો પર્દાફાશ કર્યો છે.
એક એલર્ટ અને કાવતરાનો પર્દાફાશ
પ્રાપ્તથતા અહેવાલ અનુસાર ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) જયંત મીણાના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલે પોલીસને જાણ કરી કે એક દર્દી અતિશય ઉલટીઓ અને પેટના અસહ્ય દુખાવા સાથે દાખલ થયો છે. આ પીડિતે જણાવ્યું કે તેણે જુલુસ દરમિયાન એક વ્યક્તિ પાસેથી દુખાવામાં રાહત મેળવવા માટે કેપ્સ્યુલ લીધી હતી. ડોક્ટરોની શંકાના આધારે પોલીસે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરીને ફયાઝ પ્રેમજી નામના આરોપીને વાદળી પ્લાસ્ટિકની થેલી સાથે ઝડપી લીધો હતો. જેમાંથી આશરે 14000 ઝેરી કેપ્સ્યુલ મળી આવી હતી.
આરોપીએ ઓનલાઈન મંગાવ્યુ હતુ 50 કિલો ઝેર
મહત્વનું છે કે પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ફયાઝે આ ખતરનાક કૃત્ય કરવા માટે ઓનલાઈન 30,000 ખાલી કેપ્સ્યુલ અને 50 કિલો 'ઝીંક ફોસ્ફાઈડ' કેમિકલ મંગાવ્યું હતું, જેનો ઉપયોગ સામાન્ય રીતે ઉંદર મારવા માટે થાય છે. તેણે પોતે દરેક કેપ્સ્યુલમાં 1 ગ્રામ ઝેર ભરીને આ જુલુસમાં વહેંચવાનું શરૂ કર્યું હતું. આરોપી પુણેમાં તેના પિતાની પેઇન્ટ કંપની ચલાવે છે અને તે 2019થી 2025 દરમિયાન ઘણી વખત ઈરાન અને ઈરાકની મુલાકાત લઈ ચૂક્યો છે. હાલ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે.
કોણ છે આરોપી ફયાઝ પ્રેમજી ?
પોલીસ તપાસ મુજબ, ફયાઝ પ્રેમજી એક શિક્ષિત પરિવારમાંથી આવે છે. તે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી ધરાવે છે અને પુણેમાં તેના પિતાની પેઇન્ટ કંપનીનું સંચાલન કરે છે. તે પરિણીત છે પરંતુ તેની પત્નીથી અલગ રહે છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેની માતા અને બહેન હાલમાં ઈરાનમાં છે. પ્રેમજી પોતે 2019 થી ઘણી વખત ઈરાન અને ઇરાકની યાત્રા કરી ચૂક્યા છે, જેમાં 2025 માં બે યાત્રાઓનો પણ સમાવેશ થાય છે.
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ હવે આરોપીની કડક પૂછપરછ કરી રહી છે જેથી આ ખતરનાક કાવતરા પાછળનો તેનો સાચો હેતુ અને અન્ય કોઈ સંગઠનો કે બહારના લોકો સંડોવાયેલા હતા કે કેમ તે નક્કી કરી શકાય.
આ પણ વાંચો : Karachi Terror Attack : કરાચી આત્મઘાતી હુમલાથી હચમચ્યું, પાકિસ્તાન રેન્જર્સ મુખ્યાલય પાસે વિસ્ફોટમાં 3 રેન્જર્સ સહિત 8 લોકોના મોત