Mumbai Rain Alert: ભારે વરસાદના કારણે મુંબઈની રફ્તાર થંભી, રેડ એલર્ટ વચ્ચે તંત્ર સતર્ક
મુંબઈમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ કપરી પરિસ્થિતિ અને હવામાન વિભાગના એલર્ટને જોતા તંત્રએ સાવચેતીના પગલા તરીકે શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જોકે સરકારી અને ખાનગી કચેરીઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
Advertisement
Mumbai Rain Alert: મુંબઈમાં વરસાદ પાણીની જગ્યાએ કહેર વરસાવી રહ્યો છે. મુંબઈ નગરીમાં ઠેર ઠેર જળભરાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 10 ઈંચથી વધુ વરસાદને કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ આફતને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને બીએમસીએ મુંબઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીના પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

