NMIA Connectivity : અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ કનેક્ટિવિટી નેટવર્કને વિન્ટર શિડ્યુલ પહેલાં વ્યાપક બનાવી દેવાયું છે. મુંબઈ, પૂણે અને સમગ્ર એમએમઆર વિસ્તારના હવાઈ મુસાફરો માટે બસ, ટેક્સી, પ્રીપેડ ઓટો અને મફત એરપોર્ટ શટલ જેવી મલ્ટીમોડલ સુવિધાઓ સત્તાવાર રીતે કાર્યરત કરી મુસાફરી અત્યંત કિફાયતી બનાવવામાં આવી છે.
વિન્ટર શિડ્યુલ પૂર્વે મલ્ટીમોડલ નેટવર્કનું વિસ્તરણ: NMIA નો પ્લાન
દેશના સૌથી વિશાળ ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ પૈકીના એક એવા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) દ્વારા 25 ઓક્ટોબર 2026 થી 27 માર્ચ 2027 દરમિયાન અમલી બનનારા વિન્ટર શિડ્યુલ પહેલાં પેસેન્જર સુવિધાઓ વધારવામાં આવી છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા મુસાફરો માટે સાર્વજનિક પરિવહન સેવાઓને સજ્જ કરાઈ છે, જેથી મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) અને પૂણેથી આવતા મુસાફરો સરળતાથી એરપોર્ટ ટર્મિનલ પહોંચી શકે.
સસ્તો પ્રવાસ અને ખાસ રાહત: મહિલાઓ-બાળકો માટે અડધું ભાડું
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) દ્વારા 7 ઓક્ટોબર 2026 થી અદ્યતન ઈ-શિવાઈ ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે.
પૂણે માટેનું ભાડું માત્ર ₹450 રાખવામાં આવ્યું છે.
બોરીવલી માટે ₹210 અને દાદર ઈસ્ટ માટે માત્ર ₹170 નિર્ધારિત કરાયું છે.
12 વર્ષથી નાની વયના બાળકો અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સાથે મુસાફરી કરતી મહિલાઓને ટિકિટ દરમાં 50% રાહત મળશે.
ઈ-બસ અને લોકલ રૂટ્સનું માળખું
પ્રથમ તબક્કામાં શરૂ થયેલી ઈ-શિવાઈ બસ સેવાઓ સવારથી મોડી રાત સુધી દોડશે. આ વાહનવ્યવહારથી મુંબઈના મુખ્ય વિસ્તારો સીધા હવાઈ મથક સાથે જોડાઈ જશે.
અટલ સેતુ થઈને દાદર અને બોરીવલી માટે સ્પેશિયલ સર્વિસ
દાદર-NMIA રૂટ સાયન અને અટલ સેતુ (MTHL) પરથી પસાર થશે, જ્યારે બોરીવલી-NMIA રૂટ CSMIA ટર્મિનલ 1, બાંદ્રા અને અટલ સેતુને જોડશે. પૂણે રૂટ પર દરરોજ બે સેવાઓ (એક સવારે અને એક બપોરે) ઉપલબ્ધ રહેશે, જ્યારે થાણે અને નાસિક રૂટ નવેમ્બરના મધ્ય સુધીમાં શરૂ થવાનું આયોજન છે.
ઉપરાંત, ચલો બસ દ્વારા અંધેરી ઈસ્ટના મરોલ, બાંદ્રા, દાદર અને કોલાબા વર્લ્ડ ટ્રેડ સેન્ટરને જોડતી દૈનિક 21 સેવાઓ ચલાવવામાં આવી રહી છે. બીજી તરફ, નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (NMMT) દ્વારા ટર્મિનલ 1 થી ખારકોપર, તારઘર, બેલાપુર, નેરુલ, પનવેલ, ખાંદેશ્વર અને પ્રોજેક્ટ ઓફિસને સાંકળતા સાત સમર્પિત રૂટ્સ (A1 થી A7) પર બસો દોડાવવામાં આવી રહી છે, જેમાં બેલાપુર અને નેરુલ માટે દર 15 થી 20 મિનિટે સેવા મળશે.
મુંબઈ એરપોર્ટ અને NMIA વચ્ચે કલાકે-કલાકે મફત શટલ
મુસાફરોને સૌથી મોટી સુવિધા આપવા માટે મુંબઈ એરપોર્ટ (CSMIA) અને નવી મુંબઈ એરપોર્ટ (NMIA) વચ્ચે દર એક કલાકે કોમ્પ્લિમેન્ટ્રી એટલે કે તદ્દન મફત ઇન્ટર-એરપોર્ટ શટલ દોડાવવામાં આવશે. સિટીફ્લો, આર્યા અને ચાલો દ્વારા સંચાલિત આ સર્વિસ બંને એરપોર્ટ્સ વચ્ચે કનેક્ટિંગ ફ્લાઇટ્સ પકડતા યાત્રીઓને ઝંઝટમુક્ત ટ્રાન્સફર પૂરું પાડશે.
કેબ, પ્રીપેડ ઓટો અને વિશાળ ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટ ક્ષમતા
NMIA ખાતે ગ્રાઉન્ડ ટ્રાન્સપોર્ટની કુલ ક્ષમતા વધારીને 4,689 વાહનોની કરવામાં આવી છે. જેમાં 3,787 એપ-આધારિત ટેક્સીઓ, 184 કાર રેન્ટલ, 171 ઓટો અને 547 બસોનો સમાવેશ થાય છે. ઉબેર ગો, ઉબેર પ્રીમિયર ઉપરાંત ટૂંકા અંતર માટે ઉબેર ઓટો પણ ઉપલબ્ધ રહેશે. 'ભારત ટેક્સી' 10 ઓક્ટોબર 2026 થી 40 વાહનોના ફ્લીટ સાથે પ્રીપેડ સેવાઓ શરૂ કરી રહી છે.
રોડ, રેલવે અને મેટ્રો સાથે એરપોર્ટનું ભવિષ્યલક્ષી જોડાણ
આ એરપોર્ટ પનવેલ, તારઘર અને બામણડોંગરી લોકલ રેલવે સ્ટેશનો ઉપરાંત અટલ સેતુ, સાયન-પનવેલ હાઈવે, પામ બીચ રોડ, આમરા માર્ગ (NH-348A) અને NH-548 સાથે ઉત્તમ રીતે જોડાયેલું છે. નવી મુંબઈ મેટ્રો લાઇન 1 પહેલેથી કાર્યરત છે, જ્યારે સૂચિત મુંબઈ મેટ્રો લાઇન 8 બંને આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સીધા જોડી દેશે. એરપોર્ટ પરિસરમાં ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અદાણી ટોટલ એનર્જીસ ગેસ (ATGL) સાથે સઘન કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો : Premanand Maharaj એ કેલિ કુંજ છોડ્યું? સંતોના દાવાથી વૃંદાવનમાં નવી ચર્ચા