આશિકીની ઘેલછામાં વેપારીની હત્યા: લોહગઢ કિલ્લાની કથિત અકસ્માત ઘટના
પુણેમાં રહેતી અંદાજે 20 વર્ષની સિયા ગોયલે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને પોતાના જ મંગેતર કેતન અગ્રવાલની હત્યાનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. કેતન વ્યવસાયે રિયલ એસ્ટેટનો મોટો કારોબારી હતો અને સિયા સાથે તેના લગ્ન નક્કી થયા હતા. જોકે, સિયા અને ચેતન એકબીજાને પ્રેમ કરતા હતા અને કેતનને પોતાના સંબંધોની વચ્ચે અડચણરૂપ માનતા હોવાથી તેને રસ્તામાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો.
સ્થાનિક કાફેમાં મળ્યા અને યોજનાને અંતિમ ઓપ આપ્યો
પુણે ગ્રામીણના પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે જણાવ્યું કે, ઘટનાના દિવસે સિયા અને ચેતન લોહગઢ કિલ્લા પર જતા પહેલા એક સ્થાનિક કેફેમાં મળ્યા હતા. ત્યાં તેમણે આખી યોજનાને અંતિમ ઓપ આપ્યો હતો. તેમણે કિલ્લા પર એક એવી અવાવરુ જગ્યા પસંદ કરી હતી જ્યાંથી કેતનને ઊંડી ખીણમાં ધક્કો મારી શકાય. અગાઉ સિયાએ મુંબઈ એરપોર્ટ જતી વખતે કારમાંથી કેતનનો પાસપોર્ટ ચોરી કરીને મહિલા વૉશરૂમમાં ફેંકી દીધો હતો, જેથી તેમનો બાલી જવાનો પ્રી-વેડિંગ શૂટનો પ્લાન કેન્સલ થઈ જાય અને તેને કિલ્લા પર લાવવાનો મોકો મળે.
33 ડિગ્રી તાપમાનમાં હુડી પહેરવાની ચૂક અને સીસીટીવી ફૂટેજથી પોલીસને મળી મોટી કડી
આ કથિત અકસ્માતને મર્ડર કેસ સાબિત કરવામાં સીસીટીવી ફૂટેજ અત્યંત મહત્વના સાબિત થયા. વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દિનેશ તાયડેના જણાવ્યા મુજબ, જ્યારે કિલ્લાના ટિકિટ કાઉન્ટર પર લાગેલા કેમેરા ચેક કરાયા ત્યારે કેતન અને સિયા ઉપર જતા દેખાયા હતા. પરંતુ તેમની પાછળ થોડા અંતરે એક શંકાસ્પદ વ્યક્તિ પણ ચાલતો જોવા મળ્યો હતો. તે વ્યક્તિએ શોર્ટ્સ અને માથું ઢંકાય તેવું જાડું હુડી પહેર્યું હતું અને કાન પર હેડસેટ લગાવ્યા હતા.
33 ડિગ્રી સેલ્સિયસ જેટલુ હતુ તાપમાન
જ્યારે પોલીસે તે દિવસના વાતાવરણની તપાસ કરી ત્યારે તાપમાન અંદાજે 33 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ હતું. આટલી આકરી ગરમીમાં કોઈ વ્યક્તિ આખું શરીર ઢંકાય તેવું હુડી પહેરીને કેમ ફરે છે, તે બાબત તપાસ અધિકારીઓને ખટકી હતી (CCTV Footage Hoodie Clue). એક ફૂટેજમાં સિયા પાછળ વળીને જુએ છે ત્યારે આ હુડીવાળો શખ્સ અચાનક નીચે બેસી જાય છે. આ શંકાસ્પદ હાવભાવના કારણે પોલીસે તે દિશામાં તપાસ લંબાવી તો તે વ્યક્તિ બીજો કોઈ નહીં પણ સિયાનો પ્રેમી ચેતન ચૌધરી જ નીકળ્યો હતો.
લોકેશન છુપાવવા કર્મચારીનો ફોન વાપર્યો
આરોપી ચેતને પોતાની લોકેશન હિસ્ટ્રી બદલવા માટે ખૂબ જ ચાલાકી વાપરી હતી. તેણે 18 જૂનના રોજ સવારે 7 વાગ્યાથી જ પોતાના ફોનનું ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દીધું હતું અને પોતાનો મોબાઈલ પોતાની જ દુકાન પર મૂકી દીધો હતો. તેની જગ્યાએ તે પોતાની દુકાનના એક કર્મચારીનો મોબાઈલ ફોન છૂપી રીતે પોતાની સાથે લઈ ગયો હતો. પોલીસને અંદાજે 640 મિનિટ સુધી ચેતનનું લોકેશન ગાયબ જણાતા શંકા દ્રઢ બની હતી.
જાન્યુઆરીથી જૂન વચ્ચે 2 હજારથી વધુ ફોનકોલ
જ્યારે પોલીસે તે 640 મિનિટ દરમિયાન કર્મચારીના ફોન પર આવેલા કોલ્સની તપાસ કરી, ત્યારે ખબર પડી કે તમામ ફોન કરનારાઓ વાસ્તવમાં ચેતનની જ પૂછપરછ કરી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે સિયા ગોયલના કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDR) મંગાવ્યા હતા. આ રેકોર્ડ્સમાં મોટો ધડાકો થયો કે જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે સિયા અને ચેતન વચ્ચે 2 હજારથી વધુ વખત ફોન પર વાતચીત થઈ હતી અને તેમણે કુલ 237 કલાક એકબીજા સાથે ચર્ચા કરી હતી. આ ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Ketan Agarwal Murder Case: 'સિયાને પણ કિલ્લા પરથી ધક્કો આપી દો', આરોપી દીકરીના પિતાનું રૂંવાડા ઉભું કરતું નિવેદન!