હવામાન વિભાગની આગામી 7 દિવસની સિસ્ટમ અંગે આગાહી
હવામાન વિભાગના (Weather Department) જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ એકસાથે કેટલીક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એકસાથે સક્રિય થવાના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) અસર પણ વાતાવરણ પર જોવા મળી રહી છે.
હવામાન વિભાગે ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 491.2 મી.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 450.5 મી.મી. વરસાદ નોંધાતો હોય છે, જેની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં 9% વધુ વરસાદ થયો છે. જોકે સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો છે.
દહેગામ પંથકમાં દોઢ ઇંચ વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ આક્રમક રૂપ ધારણ કર્યું હતું. દહેગામ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સવારના માત્ર 2 કલાકના ટૂંક સમયગાળામાં જ દોઢ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.
અચાનક આવેલા ભારે વરસાદને કારણે દહેગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. એમજી અમીન કોમ્પ્લેક્સ (Vaibhav MG Amin Complex) પરિસરમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મોડાસા રોડ પર આવેલ પૂર્ણિમા ઢાળ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી.
પંચમહાલના ગોધરામાં રસ્તાઓ બન્યા નદી, સોસાયટીઓમાં પાણી ભરાયા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત સમગ્ર પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાના અહેવાલો સાંપડ્યા છે.
ભારે વરસાદના પરિણામે ગોધરાના જાહેર માર્ગો પરથી નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. ભુરાવાવ વિસ્તારમાં આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓના માર્ગો પર પાણી ભરાઈ જતાં રહીશોને ભારે અગવડતા પડી હતી. સતત વરસતા વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે.
મહીસાગર અને ખેડા જિલ્લામાં મેઘમહેર: ડાંગરના પાકને સંજીવની
મહીસાગર જિલ્લાના લુણાવાડા, વિરપુર, કડાણા અને કોઠંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ વરસાદથી ખાસ કરીને ડાંગરના પાકને મોટો ફાયદો થશે.
બીજી તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદ અને મહુધા સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે. વરસાદી વાતાવરણના કારણે સમગ્ર વિસ્તારમાં સુખદ ઠંડક પ્રસરી ગઈ છે. ડાંગર સહિતના ઉભા પાકને કુદરતી સિંચાઈનું પાણી મળી રહેતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ
અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. શહેરના એસજી હાઈવે (SG Highway), ગોતા (Gota), રાણીપ (Ranip) અને ચાંદલોડિયા (Chandlodia) જેવા વિસ્તારોમાં વહેલી સવારે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હતા. દિવસ દરમિયાન પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
આ પણ વાંચો: Monsoon Update: અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ, 7 દિવસની આગાહી