Mehsana News: પાટીદાર યુવતીના શંકાસ્પદ મોત બાદ પરિવારના ગંભીર આક્ષેપ, SIT તપાસની માગ
Mehsana News: મહેસાણાના રામોસણા ગામની એક યુવતીનું શંકાસ્પદ અવસાન અને ત્યારબાદ 10 દિવસ પછી પણ પોલીસ કાર્યવાહીના અભાવે સમગ્ર મામલો ગરમાયો છે. બુટાપાલડી કેનાલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ પરિવારજનોએ આ કોઈ સામાન્ય ઘટના નહીં પરંતુ હત્યા હોવાનો સીધો આરોપ લગાવ્યો છે.
'જેસંગ નામના શખ્સ સાથે દીકરી બાઈક પર ગઈ હતી'
મૃતક યુવતીની માતાએ આક્ષેપ કર્યા છે કે જેસંગ નામના શખ્સ સાથે દીકરી બાઈક પર ગઈ હતી, પરંતુ ત્યારબાદ તે ક્યારેય પરત ફરી ન હતી. માતાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે જેસંગ અગાઉ પણ યુવતીને બાઈક પર લઈ જતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસે FIR નોંધવાનો પણ ઇનકાર કરી દીધો હતો. પરિવારનો આક્ષેપ છે કે, હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રથમ નજરે જ આ હત્યા લાગે છે, છતાં FIR નહીંઃ એડવોકેટ
આ કેસમાં એડવોકેટે પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મૃતદેહ બળી ગયેલી હાલતમાં હતો, ઈજાના નિશાન હતા. પ્રથમ દ્રષ્ટિએ જ આ હત્યા હોવાનું જણાય છે. છતાં પોલીસ કેસ દાખલ કરવામાં આનાકાની કરી રહી છે. પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલે આ કેસમાં પોલીસની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
SPG અધ્યક્ષ લાલજી પટેલે સમગ્ર ઘટનાને વખોડી
બીજી તરફ, SPG અધ્યક્ષ લાલજી પટેલે આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું હતું કે, "મૃતદેહની સ્થિતિ જોતા જ સાબિત થાય છે કે આ હત્યા જ છે." લાલજી પટેલે આ મામલે ત્વરિત તપાસ માટે SIT ની રચના કરવાની માગ કરી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો દીકરીને ન્યાય નહીં મળે, તો સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલમાં મહેસાણા પંથકમાં આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ પ્રબળ બની રહી છે.
આ પણ વાંચોઃ Mehsana: યુવતીએ સગીર પર વારંવાર ગુજાર્યું દુષ્કર્મ! ફરિયાદ નોંધાતાં ખળભળાટ
આ પણ વાંચોઃ Mehsana માં શરમજનક ઘટના: 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી ગુજાર્યું દુષ્કર્મ


