Mehsana: યુવતીએ સગીર પર વારંવાર ગુજાર્યું દુષ્કર્મ! ફરિયાદ નોંધાતાં ખળભળાટ
- Mehsana ના કડીમાં સગીર સાથે દુષ્કર્મની ઘટના
- યુવતી સામે નોંધાયો પોક્સો એક્ટ હેઠળ ગુનો
- હોટલમાં લલચાવીને યુવતીએ દુષ્કર્મ કર્યાનો આરોપ
Mehsana: મહેસાણા જિલ્લાના કડી પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીરને લલચાવી-ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપો થતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે પીડિત સગીર યુવકે બાવલુ પોલીસ મથકે યુવતી વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
Mehsana: હોટલોમાં આચર્યું કૃત્ય!
આક્ષેપ છે કે આરોપી યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવીને કડી મુકામે આવેલી ‘હોટલ હેવન’ (Hotel Heaven) અને ‘હોટલ ક્રિષ્ના’ (Hotel Krishna) માં લઈ જઈને અવારનવાર તેનું શારીરિક શોષણ (Sexual Exploitation) કર્યું હતું. આ ઘટના 26 જૂન 2025 થી 21 ઓક્ટોબર 2025 ના ગાળા દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે.
"પ્રેમસંબંધ નહિ રાખે તો મરી જઈશ"
પીડિત સગીરે જણાવ્યું છે કે, યુવતી દ્વારા તેને સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું. જો તે પ્રેમસંબંધ (Love Relationship) રાખવાની ના પાડે અથવા સંબંધ તોડવાનો પ્રયાસ કરે તો યુવતી આત્મહત્યા (Suicide) કરી લેવાની ધમકી આપતી હતી. આ ડરના કારણે સગીર યુવક લાંબા સમય સુધી ચૂપ રહ્યો હતો.
યુવતી સામે પોલીસ કાર્યવાહી
આ ગંભીર મામલે બાવલુ પોલીસે (Bavlu Police Station) તાત્કાલિક અસરથી ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપી યુવતી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 137(2) તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (POCSO Act) ની કલમ 4, 5 (એલ), 6, 8, 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા હોટલના સીસીટીવી (CCTV) ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર કડી પંથકમાં ચકચાર જગાવી દીધી છે.
આ પણ વાંચોઃ Mehsana માં શરમજનક ઘટના: 16 વર્ષીય સગીરાનું અપહરણ કરી ગુજાર્યું દુષ્કર્મ


