Mehsana News: વડનગર પાલિકાની સભામાં બબાલ, વ્હીપ ઝૂંટવ્યો અને લાફા માર્યા, વિપક્ષી કોર્પોરેટર સામે ફરિયાદ
Mehsana News: મહેસાણા (Mehsana) જિલ્લાનr વડનગર (Vadnagar) નગરપાલિકામાં આયોજિત સામાન્ય સભામાં ભાજપ અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે થયેલી અથડામણે રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. સભાની કાર્યવાહી શરૂ થતા જ બંને પક્ષના સભ્યો વચ્ચે તીખી તકરાર શરૂ થઈ હતી, જે બાદમાં ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.
વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો
ઘટનાની વિગત મુજબ, વિરોધ પક્ષના કોર્પોરેટર મહેન્દ્ર ઠાકોરે સભા દરમિયાન ભાજપના દંડક પાસેથી પક્ષનો સત્તાવાર 'વ્હીપ' (Whip) ઝૂંટવી લીધો હતો. આ કાર્યવાહીથી સ્થિતિ વધુ વણસી હતી. જ્યારે ભાજપના કોર્પોરેટર સમીર પટેલ વ્હીપ પરત લેવા માટે મહેન્દ્ર ઠાકોર પાસે પહોંચ્યા, ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે, ઉશ્કેરાયેલા વિપક્ષી કોર્પોરેટરે સમીર પટેલને ગાલ પર બે લાફા મારી દીધા હતા.
કોર્પોરેટર સમીર પટેલના ગંભીર આક્ષેપ
આટલું જ નહીં, ફરિયાદી કોર્પોરેટર સમીર પટેલે કરેલી રજૂઆતમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે, વિરોધ પક્ષના સભ્યએ સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી, પક્ષનો વ્હીપનો કાગળ ફાડી નાખ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
આ સમગ્ર મામલે ભાજપના કોર્પોરેટર સમીર પટેલની રજૂઆત બાદ વડનગર સ્માર્ટ પોલીસ (Vadnagar Smart Police) સ્ટેશનમાં સંબંધિત વિપક્ષી સભ્ય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની ગરિમાપૂર્ણ સભામાં થયેલી આ મારામારીની ઘટનાએ સમગ્ર વડનગર (Vadnagar) પંથકમાં ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: Gujarat Census News: ગુજરાતમાં વસ્તી ગણતરી-2027 નો પ્રારંભ, જાણો કેમ મહત્વની છે આ જનગણના


