Mehsana Railway Accident: માલગાડીની અડફેટે ત્રણ માસૂમ કિશોરોના કરુણ મોત
Shobhasan Train Accident: ગુજરાતના મહેસાણા (Mehsana) જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મહેસાણાના શોભાસણ (Shobhasan) ગામ નજીક રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ત્રણ માસૂમ કિશોરો માલગાડી (Goods Train) ની અડફેટે આવી જતાં ત્રણેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ કાળમુખી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું છે. એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ બાળકોના મોતથી શોભાસણ ગામના ઠાકોર વાસ (Thakor Vas) માં માતમ છવાઈ ગયો છે.
સાંજના સમયે કાળ બનીને આવી માલગાડી
મળતી માહિતી મુજબ, આ ગમખ્વાર અકસ્માત સાંજે આશરે 4:26 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. શોભાસણ ગામના ઠાકોર વાસમાં રહેતા ત્રણ કિશોરો કોઈ કારણસર રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. બરાબર એ જ સમયે ત્યાંથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક માલગાડીએ ત્રણેય કિશોરોને પોતાની અડફેટે લઈ લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનની ટક્કર વાગતાની સાથે જ ત્રણેય બાળકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બાળકોને સંભાળવાની કે ભાગવાની તક જ મળી નહોતી.
મૃતક બાળકોમાં બે ધોરણ-11 અને એક ધોરણ-9નો વિદ્યાર્થી
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા જીગ્નેશ હમીરજી ઠાકોર, ઉંમર 15 વર્ષ, જે ધોરણ-11માં અભ્યાસ કરતો હતો.મૌલિકજી ફતેહસિંહ ઠાકોર, ઉંમર 16 વર્ષ, જે પણ ધોરણ-11નો વિદ્યાર્થી હતો અને યુવરાજ રણજીતજી ઠાકોર, ઉંમર 14 વર્ષ, જે ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.
ઘટનાસ્થળે પોલીસ કાફલો અને સ્થાનિકો દોડ્યા
આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેક પર લોહીલુહાણ હાલતમાં પડેલા માસૂમોના મૃતદેહો જોઈને લોકોના કાળજા કંપી ઉઠ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ (Police) ને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્રણેય કિશોરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: Patan AC Blast: શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજ? એસી બ્લાસ્ટ થતાં મહિલા પોલીસ કર્મચારીનું કમકમાટીભર્યું મોત


