Mehsana: બાળકોના કોળિયામાં પણ ભ્રષ્ટાચાર?, મધ્યાહન ભોજન યોજનામાં સંખ્યાનું મોટું કૌભાંડ પકડાયું
- Mehsana ના વિજાપુરમાં મધ્યાહન ભોજન યોજનામાં કરોડોની ગેરરીતિનો પર્દાફાશ!
- વિજાપુરની 6 પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યામાં છેતરપિંડી હોવાનો ખુલાસો
- વર્ધીબુક અને ઓનલાઈન પોર્ટલ પર બાળકોની સંખ્યામાં જોવા મળી મોટી વિસંગતતા
- વધુ હાજરી બતાવી સરકારી અનાજ અને ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ
- મામલતદારે 6 શાળાઓના સંચાલકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા ફફડાટ
- જાન્યુઆરી 2026 સુધી ચાલેલી આ ગેરરીતિમાં હિયરિંગ બાદ લેવાશે કડક નિર્ણય
Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુર (Vijapur) તાલુકામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનામાં (Mid-day Meal Scheme) મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વિજાપુર તાલુકાની 6 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં (Primary Schools) બાળકોની હાજરીમાં મોટા પાયે ચેડાં કરી સરકારી અનાજ અને ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Mehsana: ડેટામાં જોવા મળી મોટી વિસંગતતા
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, શાળાઓની વર્ધીબુક (Vardhi Book) અને સરકારના ઓનલાઇન PMP પોર્ટલ એપ્લિકેશન (PMP Portal App) પર દર્શાવવામાં આવેલી બાળકોની સંખ્યામાં મોટો તફાવત છે. આ ગેરરીતિ જૂન-2024 થી જાન્યુઆરી-2026 સુધીના સમયગાળા દરમિયાન આચરવામાં આવી છે. બાળકો વાસ્તવમાં હાજર ન હોવા છતાં તેમની સંખ્યા વધુ બતાવીને ભોજનનો ખર્ચ અને અનાજ મેળવવામાં આવ્યું હોવાનું જણાય છે.
સંચાલકો સામે કડક કાર્યવાહીના સંકેત
આ મામલે વિજાપુર મામલતદારે (Mamlatdar) કડક વલણ અપનાવતા અસરગ્રસ્ત 6 શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ જ મામલામાં 11 શાળાઓના આચાર્યોને (School Principals) પણ નોટિસ આપવામાં આવી હતી. હાલમાં સંચાલકોએ આપેલા ખુલાસાઓના આધારે નોટિંગ અને હિયરિંગની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારબાદ જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવશે. શિક્ષણ જગતમાં આ કૌભાંડને લઈને ભારે ચર્ચાઓ જાગી છે.
આ પણ વાંચો: ગોંડલમાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ: Ganesh Jadeja એ માત્ર 3 દિવસમાં અપાવ્યો ન્યાય


