US-Israel Iran War: 'અમને મદદ કરો’, ફ્લાઈટ્સ બંધ થતાં મહેસાણાના 3 વેપારી દુબઈમાં અટવાયા
- US-Israel Iran War: મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાયા
- વેપાર અર્થે 25 ફેબ્રુઆરીએ દુબઈ ગયેલા મહેસાણાના યુવાનો અટવાયા
- વિમાન સેવાઓ બંધ થઈ જતા અલ્પેશ, યોગેશ અને પાર્થ પટેલ ફસાયા
US-Israel Iran War: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભયંકર યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાની સેવાઓ પર માઠી અસર પડી છે. જેની સીધી આસર પ્રવાસીઓ પર પડી રહી છે. આ તંગદિલી વચ્ચે મહેસાણા (Mehsana) ના 3 વેપારીઓ હાલ દુબઈ (Dubai) માં ફસાઈ ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ પોતાના વ્યવસાયિક કામકાજ અર્થે દુબઈ ગયેલા આ યુવાનો યુદ્ધની સ્થિતિ સર્જાતા અને ફ્લાઈટ્સ રદ થતા ત્યાં જ અટવાઈ પડ્યા છે. જેથી તેમને સરકાર પાસે મદદની માંગ કરી છે.
અલ્પેશ, યોગેશ અને પાર્થ પટેલની વતન વાપસી અટકી
દુબઈમાં ફસાયેલા વેપારીઓમાં અલ્પેશ પટેલ (Alpesh Patel), યોગેશ પટેલ (Yogesh Patel) અને પાર્થ પટેલ (Parth Patel) નો સમાવેશ થાય છે. આ ત્રણેય મિત્રો નિયત સમય મુજબ પરત આવવાના હતા, પરંતુ ઈઝરાયેલ અને પડોશી દેશો વચ્ચે વધતા તણાવને કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારત તરફ આવતી અનેક વિમાન સેવાઓ (Airlines) અચાનક બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે તેઓ એરપોર્ટ અને હોટેલ વચ્ચે અટવાયા છે.
US-Israel Iran War: વીડિયો બનાવી સરકાર પાસે માંગી મદદ
મુશ્કેલીમાં મુકાયેલા આ વેપારીઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો (Video) જાહેર કરીને પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે સ્થાનિક સાંસદ અને ભારત સરકાર ને વિનંતી કરી છે કે તેમને વહેલી તકે વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. આ વેપારીઓએ સ્થાનિક સાંસદ અને રાજ્ય સરકારને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી છે.
US-Israel Iran War: ભારતીય દૂતાવાસની સૂચના અને પરિવારની ચિંતા
આ ઘટનાને પગલે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) સક્રિય થયું છે. દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સોશિયલ મીડિયા અને સત્તાવાર વેબસાઇટ પર અપડેટ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપી છે. બીજી તરફ, મહેસાણામાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારે સરકારને અપીલ કરી છે કે યુદ્ધની સ્થિતિ વધુ વણસે તે પહેલાં તેમના સંતાનોને હેમખેમ ભારત પરત લાવવામાં આવે.
અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?
હાલ મધ્ય પૂર્વ (Middle East) માં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા (USA) અને ઇઝરાયેલ (Israel) દ્વારા સંયુક્ત રીતે ઈરાનના પરમાણુ મથકો (Nuclear Facilities) અને લશ્કરી થાણાઓ પર 'ઓપરેશન એપિક ફ્યુરી' (Operation Epic Fury) અંતર્ગત શ્રેણીબદ્ધ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની બેલિસ્ટિક મિસાઈલ (Ballistic Missiles) ક્ષમતાને નષ્ટ કરવાનો છે, જે લાંબા સમયથી પ્રાદેશિક સુરક્ષા માટે જોખમ ગણાતી હતી.
ખમેનીના મોત બાદ સ્થિતિ વધુ તંગ બની
આ યુદ્ધની સૌથી નિર્ણાયક ઘટના તેહરાન (Tehran) માં થયેલો હવાઈ હુમલો છે, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખમેની (Ayatollah Ali Khamenei) અને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના વડાઓના મોત થયા છે. આ સમાચારને પગલે ઈરાનનું સૈન્ય માળખું વેરવિખેર થયું છે, પરંતુ બીજી તરફ બદલાની ભાવના સાથે ઈરાને ઇઝરાયેલ પર હજારો ડ્રોન (Drones) અને મિસાઈલો છોડ્યા છે. જેથી હવે આ યુધ્ધ સતત વકરી રહ્યું છે.ઑ
આ પણ વાંચોઃ US-Israel Iran War Impact: વડોદરાનો સોની પરિવાર સાઉદીમાં અટવાયો, પુત્રએ સરકાર પાસે માંગી મદદ
આ પણ વાંચોઃ US-Israel Iran War Impact: દુબઈ-અબુધાબીમાં 3 હજાર ગુજરાતીઓ ફસાયા! 1500 એ બુકિંગ રદ કર્યું


