ચૈતર વસાવા અને પત્ની પર લાગ્યા હતા ગંભીર આરોપ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પંથકમાં વન વિભાગની જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા કરવામાં આવતા ખેડાણને વન વિભાગે ગેરકાયદેસર ગણાવી અટકાવ્યું હતું. આ મામલે મધ્યસ્થી કરવા અને ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. જોકે, આ બેઠક દરમિયાન મામલો ઉગ્ર બન્યો અને વનકર્મીઓ સાથે મારપીટ, ખંડણી (Extortion) માંગવા તેમજ ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ (Firing) કર્યાનો ગંભીર આરોપ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો.
કાયદાકીય કાર્યવાહી અને ધરપકડ
વન વિભાગની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેમના પત્ની, પીએ (PA) જીતેન્દ્ર અને એક ખેડૂત સામે ગુનો નોંધાયો હતો. આ ફરિયાદમાં રાયોટિંગ (Rioting), સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ (Obstruction of Public Servant), જાનથી મારી નાખવાની ધમકી અને આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળની કલમો લગાવવામાં આવી હતી. ફરિયાદ બાદ ચૈતર વસાવા એક મહિના કરતાં વધુ સમય સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા હતા. 14 ડિસેમ્બર 2023ના રોજ તેમણે હજારો સમર્થકો સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ (Surrender) કર્યું હતું. કોર્ટે અગાઉ તેમને શરતી જામીન આપ્યા હતા, પરંતુ હવે કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવતા રાજકીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
સામાજિક સંઘર્ષ અને રાજકીય સફર
ચૈતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ભંગડાભાઈ ખેત-મજૂરી કરતા હતા. ચૈતર વસાવાને બે પત્ની છે. તેમનાં નામ શકુંતલા વસાવા અને વર્ષા વસાવા છે. ચૈતર વસાવાએ એક મીડિયાને ઈન્ટવ્યૂમાં કહ્યું હતુ કે પોતે બીઆરએસ (BRS) ગ્રેજ્યુએટ છે અને તેમણે ભૂતકાળમાં ગ્રામસેવક તરીકે સરકારી નોકરી પણ કરી હતી. જોકે, લોકોની સેવા કરવાની ભાવના સાથે તેમણે નોકરી છોડી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. તેઓ લાંબા સમય સુધી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) સાથે જોડાઈને આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના અધિકારો માટે લડ્યા હતા.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું અને ભાજપના ઉમેદવારને 40,000થી વધુ મતોની જંગી બહુમતીથી હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. તેમની નેતૃત્વ શૈલીમાં આદિવાસી અસ્મિતા અને પેસા (PESA) એક્ટના અમલીકરણ જેવા મુદ્દાઓ કેન્દ્રમાં રહ્યા છે.
લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો
ભરૂચ લોકસભા ચૂંટણી 2024માં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવા વચ્ચે અત્યંત રસપ્રદ જંગ જામ્યો હતો. આ બેઠક પર વસાવા-વસાવા વચ્ચેની સીધી સ્પર્ધાએ રાજકીય વાતાવરણને ગરમાવ્યું હતું. ચૂંટણી પરિણામોમાં મનસુખ વસાવાએ 86,741 મતોની સરસાઈથી જીત મેળવીને સતત સાતમી વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભાજપના મનસુખ વસાવાને કુલ 6,04,141 મત મળ્યા હતા, જ્યારે AAPના ઉમેદવાર ચૈતર વસાવાને 5,17,400 મત મળ્યા હતા. જેથી ચૈતર વસાવાને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ, ભરૂચ બેઠક પર ભાજપનું વર્ચસ્વ યથાવત રહ્યું છે અને ચૈતર વસાવા માટે આ એક મોટો રાજકીય સંઘર્ષ રહ્યો છે.
આ પણ વાંચોઃ Chaitar Vasava Found Guilty : વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા દોષિત, જાણો ધારાસભ્ય સામે નોંધાયેલા તમામ કેસોની કુંડળી!
આ પણ વાંચોઃ Chaitar Vasava found guilty: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો, કોર્ટે જાહેર કર્યા દોષિત!