Mansukh Vasava VS Chaitar Vasava: ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે આયોજિત એક બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક તેવર અપનાવતા રાજકીય ગરમાવો લાવી દીધો છે. સાંસદે એક તરફ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર વિકાસના કામો ન કર્યાનો આરોપ લગાવી જાહેરમાં ડિબેટનો પડકાર ફેંક્યો છે, તો બીજી તરફ પોતાની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સંગઠનના પદાધિકારીઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ચૈતર વસાવા સામે આકરા પ્રહાર
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવાએ આ વિસ્તારમાં વિકાસના કોઈ જ કામો કર્યા નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ચૈતર વસાવા લોકોના ભલા માટે નહીં, પરંતુ પોતાના માણસોને કારણે જેલમાં ગયા હતા. સાંસદે સ્પષ્ટ કર્યું કે, આ વિસ્તારમાં થયેલા તમામ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની દેન છે. વધુમાં, કાયદો હાથમાં લઈને કામ નથી થતા તેમ કહી તેમણે ધારાસભ્યની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.
ભાજપ જિલ્લા પ્રમુખ પર પ્રહારો
પોતાના જ પક્ષના સંગઠન સામે નારાજગી વ્યક્ત કરતા મનસુખ વસાવાએ કહ્યું કે, "જો તમે જવાબદારી ન નિભાવી શકતા હોવ તો રાજીનામું આપી દો." તેમણે સાગબારા જમીન વિવાદ સહિતની મહત્વની બેઠકોમાં જિલ્લા પ્રમુખ નીલ રાવ અને મહામંત્રીની ગેરહાજરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાંસદે આક્ષેપ કર્યો કે, પાર્ટીમાં સિનિયર કાર્યકરોની અવગણના થઈ રહી છે અને કોઈના ઈશારે કામ કરવામાં આવી રહ્યું છે.
ભાજપ જિલ્લા પ્રમુખ પર સાંસદનો સીધો પ્રહાર
સાંસદે ચીમકી આપતા કહ્યું કે, "પાર્ટીમાં જે આડા-અવળા જતું હોય તેને ધક્કો મારીને બહાર કાઢી મૂકવા જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું કે, જો સંગઠન યોગ્ય રીતે કામ નહીં કરે, તો તેઓ પાર્ટીના હોદ્દેદારો સામે પણ લડત આપતા અચકાશે નહીં. ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતા તેમણે કહ્યું કે, સંગઠનથી ઉપર કોઈ નથી અને જે લોકો પાર્ટીના હિતમાં કામ નથી કરતા, તેમની સામે હવે આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો: Junagadh News: ગિરનાર પર્વત પર 'દૂધ પરિક્રમા' અટકાવતા વિવાદ, સાધુ-સંતો અને VHP કાર્યકરોમાં ભારે રોષ