2000 આરોપી 500 સાક્ષી, સુનાવણી માટે કોર્ટ રૂમ નહીં ક્રિકેટ સ્ટેડિયમની જરૂરત પડશે: સુપ્રીમ કોર્ટ
- 2000 આરોપી 500 સાક્ષી, સુનાવણી માટે કોર્ટ રૂમ નહીં ક્રિકેટ સ્ટેડિયમની જરૂરત પડશે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બુધવારે તમિલનાડુના પૂર્વ મંત્રી વી. સેન્થિલ બાલાજી સામેના કેશ-ફોર-જોબ કૌભાંડ કેસની સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારને આકરી ફટકાર લગાવી હતી. આ કેસમાં 2000થી વધુ આરોપીઓ અને 500થી વધુ સાક્ષીઓનો સમાવેશ થતો હોવાથી કોર્ટે રાજ્ય સરકારની નીતિને “ન્યાયિક વ્યવસ્થા સામે છેતરપિંડી” ગણાવી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું કે, “2000થી વધુ આરોપીઓ અને 500 સાક્ષીઓ સાથે આ ભારતની સૌથી વધુ ભીડવાળી ટ્રાયલ હશે. આટલા બધા આરોપીઓની હાજરી નોંધવા માટે નાનું કોર્ટરૂમ નહીં, પરંતુ એક ક્રિકેટ સ્ટેડિયમની જરૂર પડશે.”
સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે કહ્યું કે જો ન્યાયિક હસ્તક્ષેપ ન હોત તો રાજ્ય સરકાર આ કેસને “સન્માનજનક રીતે દફન” કરવા માગતી હતી. કોર્ટે રાજ્યના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણનને જણાવ્યું કે, “2000થી વધુ આરોપીઓ અને 500 સાક્ષીઓ સાથે આ દેશની સૌથી વધુ વસ્તીવાળી ટ્રાયલ હશે. ઘણા AI-જનરેટેડ આરોપીઓ પણ હાજરી નોંધવા માટે ઊભા થઈ જશે.” આગલા દિવસે મંગળવારે પણ સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને 2000 આરોપીઓને શામેલ કરીને ટ્રાયલમાં વિલંબ કરવાના પ્રયાસ બદલ ફટકાર લગાવી હતી.
કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ સૂર્યકાંતે આરોપીઓની વિગતો માગતા કહ્યું, “અમે જાણવા માગીએ છીએ કે મંત્રી ઉપરાંત, કથિત દલાલો કે વચોટીયા કોણ હતા? મંત્રીની ભલામણો પર કામ કરનારા અધિકારીઓ કોણ હતા? નિયુક્તિ સમિતિના સભ્યો કોણ હતા? નિયુક્તિ આપનારા અધિકારીઓ કોણ હતા?”
કોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારનો પ્રયાસ એવો લાગે છે કે બાલાજીના જીવનકાળમાં ટ્રાયલ પૂર્ણ ન થાય. ખંડપીઠે કહ્યું કે પૂર્વ મંત્રી કે તેમના સાગરીતોએ નોકરી માટે રૂ. 5,000, 10,000, 1 લાખ કે 2 લાખ જેવી રકમ ચૂકવવા માટે દબાણ કરેલા ગરીબ લોકોને લાંચ આપનાર તરીકે ફસાવવામાં આવી રહ્યા છે અને આ “કૌભાંડ” સાથે સંબંધિત કેસોમાં આરોપી બનાવવામાં આવી રહ્યા છે.
કેશ-ફોર-જોબ કૌભાંડ શું છે?
વી. સેન્થિલ બાલાજી 2011થી 2016 દરમિયાન તમિલનાડુના પરિવહન મંત્રી હતા. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના ભાઈ અને ખાનગી સહાયકની મદદથી પરિવહન વિભાગમાં ઇજનેરો, ડ્રાઇવરો અને કંડક્ટરો જેવા પદો પર નોકરી આપવાના બદલામાં લાંચ લીધી હતી. આ મામલે તેમની સામે ત્રણ એફઆઇઆર નોંધાઈ છે. પ્રથમ એફઆઇઆરમાં 2000થી વધુ આરોપીઓ અને 550 સાક્ષીઓના નામ છે. બીજી એફઆઇઆરની ચાર્જશીટમાં 14 આરોપીઓ અને 24 સાક્ષીઓનો સમાવેશ છે, જ્યારે ત્રીજી એફઆઇઆરની ચાર્જશીટમાં 24 આરોપીઓ અને 50 સાક્ષીઓના નામ છે.
બાલાજીની 14 જૂન, 2023ના રોજ પ્રવર્તન નિદેશાલય (ઇડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમણે લગભગ આઠ મહિના બાદ, ફેબ્રુઆરી 2024માં જામીન અરજીની સુનાવણી પહેલાં મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ફેબ્રુઆરી 2024માં મદ્રાસ હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, 26 સપ્ટેમ્બર, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે બાલાજીને જામીન આપ્યા હતા, એમ નોંધીને કે ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા નથી અને તેઓ પહેલેથી જ એક વર્ષથી વધુ સમયથી જેલમાં હતા.
આ પણ વાંચો-Supreme Court : નિઠારી કાંડ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! CBI ની અપીલ ફગાવી


